એક જ પરિવારની મહિલાઓની ત્રણ પેઢી, દિકરી, માતા અને દાદી એક સાથે સંસાર ત્યાગ કરીને દીક્ષા લેશે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ત્યાગ અને સમર્પણની વાત આવે ત્યારે બહુમતિ લોકો કશું જતું કરવા તૈયાર નથી હોતા, બીજી તરફ આપણી વચ્ચે એવા પણ લોકો છે જેમની પાસે અખૂટ ભંડાર હોવા છતાં તેઓ બધું જ ત્યાગ કરીને પ્રભુને પામવા માટે સન્યાસના માર્ગે ચાલી નીકળતા હોય છે. અહીં હું વાત કરી રહ્યો છું હોંગકોંગમાં પ્રતિષ્ઠિત ડાયમંડ કંપની કે.પી. સંઘવી એન્ડ સન્સ સાથે સંકળાયેલા પરિવારની ત્રણ પેઢીની મહિલાઓ, જેમાં દિકરી, માતા અને દાદીમાં ત્રણેય આગામી મે 2021માં સંસાર છોડીને સન્યાસી જીવનમાં પ્રયાણ કરશે. એક જ પરિવારની ત્રણ પેઢીની મહિલાઓમાં દિકરી પરિષી શાહ તો હોંગકોંગમાં જ ઉછરીને ભણી, ગણીને મોટી થઇ છે.

હોંગકોંગની જાણિતી હીરા પેઢી કે.પી. સંઘવી એન્ડ સન્સ સાથે સંકળાયેલા જૈન પરિવારની દિકરી પરિષી શાહ (23 વર્ષ), માતા હેતલ મહેતા (49 વર્ષ) અને દાદી ઇન્દુબેન શાહ (73 વર્ષ) આધુનિક લાઇફસ્ટાઇલ છોડીને સાધ્વી જીવન વ્યતિત કરશે
ત્રણેય મહિલાઓનો પરિવાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ડીસા-ધાનેરા સાથે સંકળાયેલા છે અને તેમનો દિક્ષાંત સમારોહ પણ મે મહિનાની 22મી તારીખે ત્યાં જ યોજવામાં આવશે. એક જ પરિવારની ત્રણ પેઢીની મહિલાઓ રામચંદ્ર સમુદાયના સાધ્વી હિતદર્શિતાશ્રીજીના માર્ગદર્શન હેઠળ દીક્ષા ગ્રહણ કરી રહી છે.
હોંગકોંગમાં ઉછરેલી પરિષી શાહ શું કહે છે
સુખ સાહ્યબીથી ભરપૂર સંસારી જીવનનો ત્યાગ કરી રહેલી પરિષી શાહે મિડીયા સાથે વાતચીતમાં જણાવ્યું કે તેમના પિતા ભરતભાઇ શાહ હોંગકોંગમાં કે.પી. સંઘવી એન્ડ સન્સ નામની ડાયમંડ કંપની સાથે સંકળાયેલા છે. પરિષી શાહએ કહ્યું કે તેમનું સ્કુલિંગ હોંગકોંગમાં પૂર્ણ થયું અને એ પછી તેમણે હોંગકોંગમાંથી જ સાઇકોલોજી વિષય સાથે ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કર્યું છે. પરીષીના ભાઇ જૈનમ હાલ અમેરિકામાં ડેટા સાયન્સ વિષયમાં અભ્યાસ કરી રહ્યા છે.
પરિષીએ કહ્યું કે હોંગકોંગથી જ્યારે પણ તેઓ મુંબઇ આવતા ત્યારે મોલ્સ કે મૂવીમાં જઇને આજના જમાના કહેવાતા મોજશોખ કરવાની જગ્યાએ તેઓ માતા સાથે દેરાસરમાં જતા, સાધ્વીઓના સાનિધ્યમાં તેમને દિવ્ય અનુભૂતિ થતી અને એ જ કારણથી તેઓ સાધ્વી જીવન વ્યતિત કરવા માટે પ્રેરાયા હતા. પરિષીએ એક દિવસ પોતાનો નિર્ણય પરિવાર સાથે શેર કર્યો અને તરત જ તેના દાદી ઇન્દુબેન કે થોડા વર્ષો પહેલા તેમના પતિનું નિધન થયું હતું તેઓ પણ પરિષી સાથે સંસાર ત્યાગ કરીને દીક્ષા લેવા માટે તૈયાર થઇ ગયા. દિકરી અને સાસુના નિર્ણયથી પ્રેરાઇને હેતલબેને પણ દીક્ષા લેવાનું મનોમન વિચારી લીધું હતું. એક જ પરિવારની મહિલાઓની ત્રણ પેઢી એક સાથે દીક્ષા ગ્રહણ કરશે એવી રેર ઘટના જૈન સંપ્રદાયમાં બનવા જઇ રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


