સુરતમાં બપોરે 3 વાગ્યા સુધી 49.78 ટકા મતદાન
સુરત સંસદીય બેઠક પર બપોરે 3 વાગ્યા સુધીમાં 49.78 ટકા મતદાન થયું
સુરતમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 36.41 ટકા મતદાન
બપોરે 1 વાગ્યે નવસારી બેઠક પર 41.32 ટકા મતદાન
સુરતમાં 11 વાગ્યા સુધી 22.63 % ટકા મતદાન
સવારે 9 વાગ્યા સુધીમાં 10.08 ટકા મતદાન
દર મિનિટે 1675 સુરતીઓ મતદાન કરી રહ્યા છે, 360 મિનિટમાં 6.02 લાખ સુરતીઓનું મતદાન (બપોરે 1 વાગ્યા સુધી)
સુરત સંસદીય મત વિસ્તારમાં બપોરે એક વાગ્યા સુધીમાં કુલ 36.41 ટકા મતદાન નોંધાયું હોવાની સત્તાવાર માહિતી જિલ્લા ચૂંટણી તંત્રએ જાહેર કરી હતી.
બપોરે એક વાગ્યે પૂરી થયેલા મતદાનના પ્રથમ 6 કલાક દરમિયાન સુરતમાં 7 વિધાનસભા બેઠકો પૈકી 6,02,803 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કરી દીધું હોવાના અહેવાલો મળ્યા હતા. કુલ 3.43 લાખ એટલે કે 38.53 ટકા પુરુષ મતદારોએ જ્યારે 2.59 લાખ સ્ત્રી મતદારો 33.94 ટકાએ મતદાન કરી ચૂક્યા હતા.
કુલ 360 મિનિટમાં 6.02 લાખ મતદારોએ મતદાન કરતા સુરતમાં પ્રત મિનિટે 1675 મતદારોએ મતદાન કરી રહ્યા છે. 11થી 1ના સ્લોટમાં મહિલાઓનું મતદાન અસાધારણ રીતે વધી જવા પામ્યું હતું.
સુરતમાં સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીના મતદાનની 240 મિનિટમાં પ્રત્યેક મિનિટે 1560 સુરતીઓ મતદાન કરી રહ્યાના સત્તાવાર આંકડાઓ જાહેર થયા છે. 240 મિનિટમાં કલ 3,74,724 સુરતીઓએ મતદાન કરી દીધું હતું.
સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીના પ્રથમ 4 કલાકમાં સુરત સંસદીય મત વિસ્તારમાં આવતી 7 વિધાનસભા મત વિસ્તારમાં થયેલા મતદાનના આંકડા નીચે મુજબ છે. સુરત સંસદીય મત વિસ્તારમાં કુલ 16.55 લાખ મતદારો નોંધાયેલા છે એ પૈકી 3.74 લાખ મતદાતાઓએ સવારે 11 વાગ્યા સુધીમાં પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી દીધો હતો. સુરત શહેર જિલ્લામાં 2.23 લાખ ુપુરુષો અને 1.15 લાખ મહિલા મતદારોએ સવારે 11 વાગ્યા સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
સમગ્ર રાજ્યમાં સુરત શહેર જિલ્લામાં સૌથી ઓછું મતદાન હોવાનું ખુદ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.ધવલ પટેલએ જણાવ્યું હતું. સમગ્ર રાજ્યમાં મતદાન કરવામાં સવારે 11 વાગ્યા સુધીમાં સુરતીઓ મતદાન કરવામાં ધીમા જણાયા હતા.
- ઓલપાડમાં 19.35 ટકા
- સુરત પૂર્વમાં 18.89 ટકા
- સુરત ઉત્તરમાં 22.35 ટકા
- સુરત વરાછામાં 25.29 ટકા
- સુરત કરંજમાં 23.76 ટકા
- કતારગામમાં 25.53 ટકા
- સુરત પશ્ચિમમાં 24.79 ટકા
શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામીજીઓએ મતદાન કર્યું એ વેળાની તસ્વીર
લગ્ન પહેલા મતદાન કરવા પહોંચ્યા રાજકોટના વર વધુ
રાજકોટમાં આજે જેમના લગ્ન થઇ રહ્યા છે એ જય મુગેશ્વર અને પૂજા મુગેશ્વર આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા હતા. જો કે લગ્નની વિધિ પહેલા તેમણે લોકશાહીના પર્વની ઉજવણી કરી. વર વધુ બંનેએ સાથે મતદાન મથક પર પહોંચીને વોટ આપીને પોતાની ફરજ નિભાવી હતી.
સવારે 7થી 11 વાગ્યા સુધીમાં કેટલા પુરુષ અને સ્ત્રી મતદારોએ મતદાન કર્યું એની વિગત
સુરત શહેર જિલ્લામાં સવારે 9 કલાકે એટલેકે પહેલા બે કલાકમાં ફક્ત 10.08 ટકા મતદાન નોંધાયું હતું. મતદાનના બે કલાકના દ્વિતિય સ્પેલ એટલે કે 11 કલાકે મતદાન 24થી 26 ટકા વચ્ચે હોવાના અહેવાલો મળી રહ્યા છે. જોકે, સત્તાવાર આંકડો જાહેર કરતા તંત્રવાહકો ભારે વિલંબ કરી રહ્યા છે.
સુરત શહેર જિલ્લાના ઘણાં બધા મતદાન મથકો પર પોલ વોટ તેમજ ચાલુ મતદાનએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ ખોટકાયાની અનેક ફરીયાદો મળી હતી.
લિંબાયતના બુથ નંબર 160માં વોટિંગ મશીન ખોટકાતા મતદાન સવારે 9.45 કલાકે મતદાન શરુ થયાના અહેવાલો મળ્યા હતા.
કરંજ ખાતે આવેલા હિન્દી વિદ્યાલયના મતદાન મથકે મતદાન માટે ભારે ધસારો થતાં મતદાન મથકના મુખ્ય દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. વોટિંગ માટે આવતા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. દરવાજા બંધ કરી દેવાનો વિડીયો પણ સોશ્યલ મિડીયામાં વાઇરલ થઇ ગયો હતો.
સુરતમાં 7 વિધાનસભા વિસ્તારો પૈકી ક્યાં કેટલું મતદાન થયું એના આંકડા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું. પ્રસ્તુત છે ન્યુઝ એજન્સી એ.એન.આઇ.એ કરેલી ટ્વીટ
PM Narendra Modi after casting his vote at a polling booth in Ranip,Ahmedabad #Gujarat #LokSabhaElections2019 pic.twitter.com/B6jDiRf2ka
— ANI (@ANI) April 23, 2019
મોદીએ મત આપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા, રાજભવન પહોંચ્યા ત્યાંથી માતા ને મળવા ગયા અને પછી વોટિંગ કર્યું
સવારે રાજભવનથી નિકળીને મોદી સીધા રાયસણ ખાતે માતાના આર્શિવાદ લેવા પહોંચ્યા હતા. માતાને મળ્યા બાદ વૃંદાવન બંગ્લોઝ ખાતે સોસાયટીના રહીશોને પણ મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપમાં મતદાન મથકે મતદાન પૂર્વે રાયસણ ખાતે 98 વર્ષીય માતા હીરાબાના આર્શિવાદ લીધા હતા. માતા હીરાબાએ પુત્ર મોદીને ગળ્યું મોં કરાવી આર્શિવાદ આપ્યા હતા તેમજ શ્રીફળ અને ચુંદડી સુકન રૂપે આપ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવા માટે ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા. તેમનો કાફલો આગળ રોકાવીને વડાપ્રધાનના સત્તાવાર વાહનને બદલે તેઓ ખુલ્લી જીપમાં રાણીપમાં મતદાન મથક સુધી આવ્યા હતા. ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેમના પરિવાર સહિત રાણીમાં ઉપસ્થિત હતો. અમિત શાહ અને તેમના પરિવારે વડાપ્રધાન મોદીને મતદાન કેન્દ્ર પર આવકાર્યા હતા. ત્યારબાદ મોદી મતદાન કેન્દ્રની અંદર પ્રવેશ્યા હતા અને પોતાનો મત આપ્યો હતો.
સી.આઇ.એ. લાઇવ ફક્ત દક્ષિણ ગુજરાતની બેઠકો પર તા.23મીએ મતદાનની ગતિવિધિઓ, ન્યુઝ, ઘટનાઓ, જાણવા જેવી વાતો, ફોટા વગેરે સતત અપલોડ કર્યે રાખશે. આપે ફક્ત એક લિંક ક્લીક કરવાની રહેશે. ટેલિવિઝન સામે બેઠા વગર ફક્ત મોબાઇલમાં એક જ ક્લીકથી તમને સી.આઇ.એ. લાઇવ અપડેટ્સ મળતા રહેશે.
મહાનુભાવોએ મતદાન કર્યું, અમીત શાહ
નવસારીના ભાજપાના ઉમેદવાર સી.આર. પાટીલએ સવારે 7ના ટકોરે મતદાન કર્યું
Surat કલેક્ટર ડો. ધવલ પટેલે મતદાન કર્યું
કલેક્ટર સુરત ડો. ધવલ પટેલએ મતદાન કર્યું હતું
બારડોલીના ભાજપાના ઉમેદવાર પરભુ વસાવાએ મતદાન કર્યું
બારડોલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરીએ મતદાન કર્યું
મુખ્યમંત્રી વિજય રુપાણી અને તેમના પત્નીએ મતદાન કર્યું
દર્શના જરદોષએ પરિવારના સભ્યો સમેત મતદાન કર્યું
ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલએ મતદાન કર્યું
આજે લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન, 570 ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં 115 બેઠકો પર ચૂંટણી લડી રહેલા 1621 ઉમેદવારોમાંથી 570 ઉમેદવાર સામે ફોજદારી ગુના નોંધાયેલા છે.
ઉમેદવારો દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલી એફિડેવિટનો અભ્યાસ કરીને એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મસે જાહેર કરેલા અહેવાલમાં જણાવ્યા મુજબ કોંગ્રેસના 90માંથી 40 ઉમેદવારો સામે ફોજદારી ગુના નોંધવામાં આવ્યા છે, જ્યારે ભાજપના 97માંથી 38 ઉમેદવારો સામે ફોજદારી ગુના નોંધાયેલા છે. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સૌથી ઓછા ઉમેદવારો સામે ફોજદારી ગુના નોંધાયેલા છે.
14 ઉમેદવારે વિવિધ અદાલતો દ્વારા તેમને સજા આપવામાં આવી હોવાની કબૂલાત એફિડેવિટમાં કરી છે.
જે ઉમેદવારો સામે ગુના નોંધવામાં આવ્યા છે તેમાંથી 13ની સામે હત્યાના, 29 સામે મહિલા પર અત્યાચાર જેમ કે બળાત્કાર, વિનયભંગ, હુમલો અથવા પતિ કે અન્ય સંબંધીઓ દ્વારા કરવામાં આવતા અત્યાચાર જેવા ગુના નોંધવામાં
આવ્યા છે. ફક્ત 26 ઉમેદવાર સામે ભડકામણા ભાષણ કરવાનો ગુનો નોંધવામાંઆવ્યો છે.
ત્રીજા તબક્કામાં જે 115 બેઠક પર મતદાન થવાનું છે એમાંથી 63 બેઠકને રેડ એલર્ટની કેટેગરીમાં મુકવામાં આવી છે, કેમ કે આ મતદારસંઘોમાંથી ત્રણ કે વધુ ઉમેદવારો સામે ગુના નોંધવામાં આવ્યા છે.
ત્રીજા તબક્કાના ઉમેદવારોમાંથી 392 ઉમેદવારો પાસે અંગત સંપત્તિ કરોડોની છે. સમાજવાદી પાર્ટીના કુમાર દેવેન્દ્ર સિંહ યાદવે 204 કરોડની સંપત્તિ જાહેર કરી છે, બીજા ક્રમાંકે ઉદયનરાજે ભોંસલે
પાસે 199 કરોડની સંપત્તિ છે. એક કરોડથી વધુ સંપત્તિની જાહેરાત કરનારા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 2.95 કરોડ થવા જાય છે.
Date 22 April 2019
ગુજરાત-દ.ગુજ. નું ચૂંટણી ચિત્ર સમજાય જશે : આ ન્યુઝ વાંચી લો
- Surat Report By Information Department
- શાંતિપૂર્ણ, સરળતાથી અને સુગમ મતદાન માટે સુરત જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ
- લોકશાહીના પર્વમાં મતાધીકારનો ઉપયોગ કરી ફરજ અદા કરવા જિલ્લા ચુંટણી અધિકારીની અપીલ
- ૧૮ થી ૧૯ વર્ષની વયના ૮૦,૨૬૬ યુવાનો જીવનનું પ્રથમ મતદાન કરશે
- મતદાન મથકોમાં પીવાનું પાણી અને મેડિકલ ટીમની સુવિધાઃ
- જિલ્લાના ૪,૫૩૨ મતદાન મથકોમાં ચૂંટણી પ્રક્રિયા માટે તાલીમબદ્ધ ૭૭૨૩ પુરૂષ અને
- ૬૬૪૨ મહિલાઓ સહિત કુલ ૧૫,૬૬૩ કર્મચારીઓ તૈનાત
- મહિલા સંચાલિત ૮૦ સખી મતદાન મથકો તેમજ દિવ્યાંગજન દ્વારા સંચાલિત ૧૬ મતદાન મથકો
- સુરત જિલ્લાના કુલ ૪૨,૪૧,૭૯૧ મતદારો મતદાન પર્વની ઉજવણી કરી લોકશાહીને વધુ મજબુત બનાવશે.
- જીવનમાં સૌથી વધુ ચૂંટણીઓના સાક્ષી બનેલા સુરત જિલ્લાના ૩૫૫ શતાયુ મતદારો પણ મતદાન કરશે
રાજ્યમાં ૨૩મી એપ્રિલે યોજાનારી લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૧૯ અંતર્ગત સુરત જિલ્લાની બેઠકો માટે જિલ્લા ચુંટણી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે, અને શાંતિપૂર્ણ, સરળતા મતદાન થાય તે માટે સુરત જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ છે. જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.ધવલ પટેલે જિલ્લાના મતાદરોને લોકશાહીના મહાપર્વમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરવા અપીલ કરી છે.
જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા લોકસભાની ચુંટણી સમયે ઉનાળાની અસહ્ય ગરમીને ધ્યાને લઇ મતદારો માટે પીવાનું પાણી, મેડિકલ ટીમ જેવી જરૂરી સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. આકસ્મિક સંજોગોમાં કોઈ કર્મચારી-મતદાતાને જરૂર પડે તો પ્રાથમિક સારવાર હેતુ મોબાઈલ મેડિકલ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
સુરત જિલ્લાના કુલ ૪૨,૪૧,૭૯૧ મતદારો મતદાન પર્વની ઉજવણી કરી લોકશાહીને વધુ મજબુત બનાવશે. જેમાં ૨૨,૯૫,૨૭૫ પુરૂષ મતદારો તથા ૧૯,૪૬,૪૦૧ મહિલા મતદારો તેમજ ત્રીજી જાતિના ૧૧૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે કુલ ૪૫૩૨ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સરળ ચૂંટણી પ્રક્રિયા માટે ૫૩૫૦ કંટ્રોલ યુનિટ, ૫૩૪૫ બેલેટ યુનિટ તથા ૪૯૫૩ વીવીપેટ (રિઝર્વ સહિત) ની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત જિલ્લામાં લોકશાહીને વધુ મજબુત કરતા અને જીવનમાં સૌથી વધુ ચૂંટણીઓના સાક્ષી બનેલા સુરત જિલ્લાના ૩૫૫ શતાયુ મતદારો પણ મતદાન કરશે.
સુરત સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ઓલપાડ, સુરત-પૂર્વ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, કતારગામ, સુરત પશ્વિમ વિધાનસભા વિસ્તારોમાં કુલ ૧૬,૫૫૬૫૮ લાખ મતદારો જેમાં ૮,૯૧,૨૯૯ પુરૂષ મતદારો તથા ૪,૬૪,૩૦૦ મહિલા મતદારો તેમજ અન્ય ૫૯ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
જયારે ૨૩-બારડોલી સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ બારડોલી, કામરેજ, મહુવા, કામરેજ અને માંડવી વિધાનસભાના ૧૩,૫૧,૪૯૩ મતદારો જેમાં ૭૦૧૨૬૫ પુરૂષ મતદારો તથા ૬૫૦૨૧૨ મહિલા મતદારો તેમજ ૧૬ અન્ય મતદારો મતદાનનો ઉપયોગ કરશે. જયારે ૨૫-નવસારી સંસદીયમાં સમાવિષ્ટ સુરતની લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તારોના ૭,૦૨,૭૧૧ પુરૂષ મતદારો અને ૫,૩૧,૮૮૯ મહિલા મતદારો તથા અન્ય ૪૦ મતદારો મળી કુલ ૧૨,૩૪,૬૪૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
સુરતમાં કેટલા યુવા મતદારો
લોકસભાની ચુંટણીમાં સુરત જિલ્લામાં ૮૦,૨૬૬ જેટલા ૧૮ થી ૧૯ વર્ષની વયના યુવાનો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરશે. સાથોસાથ મહિલાઓ દ્વારા સંચાલિત ૮૦ સખી મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે, તેમજ ૧૬ મતદાન મથકો દિવ્યાંગજન દ્વારા સંચાલિત હશે. જિલ્લાના ૫,૦૦૦ થી વધુ દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધા તથા ૨૧૧ અશક્ત મતદારો માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા જિલ્લા ચુંટણીતંત્ર દ્વારા કરવામાં આવી છે. દરેક મતદાન મથકે મતદાન મથકની માહિતી, ઓળખના માન્ય પુરાવાઓની યાદી, કઈ રીતે મતદાન કરવુ તેની માહિતી તથા અન્ય જરૂરી સૂચનાઓ પોસ્ટર દ્વારા મૂકવામાં આવશે.
સુરતમાં કેટલો પોલિંગ સ્ટાફ
લોકસભા સામાન્ય ચુંટણી દરમિયાન જિલ્લાના ૪૫૩૨ મતદાન મથકો પર ચૂંટણી કામગીરી માટે રિઝર્વ સ્ટાફ સહિત ૪,૯૮૫ પ્રિસાઇડીંગ ઓફિસર, ૪,૯૮૫ આસિ. પ્રિસાઇડીંગ ઓફિસર(પ્રથમ પોલીંગ), ૧૧૯૩ પોલીંગ અને ૪૫૦૦ જેટલા વર્ગ-૪ના કર્મચારીઓ ફરજ બજાવશે. આમ, તાલીમબદ્ધ ૭,૭૨૩ પુરૂષ અને ૬,૬૪૨ મહિલાઓ મળી કુલ ૧૫,૬૬૩ કર્મચારીઓને વિવિધ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે.
168 માઇક્રો ઓબ્ઝર્વર તૈનાત રહેશે
સુરત જિલ્લામાં સમાવિષ્ટ ૧૬ વિધાનસભા વિસ્તારમાં ચુંટણી શાંતિપૂર્ણ અને સુદ્રઢ રીતે સંપન્ન થાય તેના ભાગરૂપે મતદાન પર બારીકાઈની નજર રાખવા માટે ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગમાં ૭૫ સહિત કુલ ૧૬૮ જેટલા માઈક્રો ઓબ્ઝર્વર તહેનાત રહેશે. આ ઓબ્ઝર્વરો સવારે ૭.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી મતદાનની ગતિવિધિઓ પર નજર રાખી સીધા મુખ્ય ઓબ્ઝર્વરને તમામ ચુંટણીલક્ષી વિગતોથી વાકેફ કરશે.
ચૂંટણી તંત્ર દ્વારા મતદાન સંબંધિત જાણકારીની કુલ ૧૪,૪૦,૦૦૦ મતદાતા માર્ગદર્શક પુસ્તિકા મુદ્રિત કરી તેમનું બી.એલ.ઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યુ છે.
ચુંટણી સંબંધિત ફરિયાદ નિવારણ વ્યવસ્થાના ભાગરૂપે C-Vigil એપ્લીકેશન, NGRS, CPGRAMS તથા PG પોર્ટલ પરથી મળેલ ફરીયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. ૧૯૫૦ હેલ્પલાઇન પર ૩,૫૦૦ ફરિયાદો આવી હતી, જેનો નિકાલ કરવામાં આવ્યો છે. સી-વિજિલ પર નોંધાયેલી ૧૪૨ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. હવે કોઇ ફરિયાદ પેન્ડિંગ નથી એમ નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી સી.પી.પટેલ દ્વારા જણાવાયું છે.
૨૩મી એપ્રિલે આમ જનતા માટે મતદાન પ્રારંભ થાય તે પહેલા સવારે ૬.૦૦ વાગ્યે મોક પોલ યોજાશે. ત્યારબાદ સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા દરમિયાન મતદાન યોજાશે.
ચૂંટણી દરમિયાન ૧૯ એમ.સી.સી. ટીમ, ૪૯ ફ્લાઈંગ સ્કવોડ, ૪૮ સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત રહેશે. સુરત જિલ્લામાં આચારસંહિતાના ચુસ્ત અમલ માટે જાહેર સ્થળોએ લગાવેલા રાજકીય સૂત્ર- જાહેરાતો હટાવવામાં આવ્યા હતા. મતદાતા જાગૃતિ માટે કાર્યક્રમ સ્વિપ- SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) અંતર્ગત મહિલા અને દિવ્યાંગ મતદારોની જાગૃતિ માટેના કાર્યક્રમો સહિત વિવિધ રચનાત્મક પ્રયાસો કરવામાં આવ્યા છે.
સુરત સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત ઈ.વી.એમ.ડિસ્પેચીંગ/ રિસીવિંગ સેન્ટરોની મુલાકાત લઈ અધિકારી-કર્મચારીઓને પ્રોત્સાહિત કરતા જિલ્લા ચુંટણી અધિકારીઃ
ડિસ્પેચીંગ સેન્ટરો સુરત સંસદીય મતદાર વિભાગના ૧૬૮૧ મતદાન મથકો પર
ઈ.વી.એમ./વી.વી.પેટ મશીન સામગ્રી રવાના કરાઈઃ
કોઈપણ નાતજાત, ધર્મ જાતિના ભેદભાવ વિના લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવાનો અનુરોધ કરતા જિલ્લા ચુંટણી અધિકારી ડો.ધવલ પટેલ
લોકસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્તારોના મતદાન મથકો માટે ચુંટણીમાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા ડિસ્પેચીંગ એન્ડ રિસીવીંગ સેન્ટરો ખાતેથી ઈ.વી.એમ/વીવીપેટ સહિતની સામગ્રીઓની ફાળવણી કરવામાં આવી હતી. આ વેળાએ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી ધવલ પટેલે તમામ સાત સેન્ટરોની મુલાકાત લઈને લોકશાહીના મહાપર્વમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આજે મતદાનમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓની ટુકડીઓ ઈ.વી.એમ./વી.વી.પેટની સામગ્રી સુરત સંસદીય મતદાર વિભાગના ૧૬૮૧ મતદાન મથકોએ વાહનો દ્વારા રવાના કરવામાં આવી હતી.
નાનપુરા ખાતે આવેલી ટી. એન્ડ ટી.વી. સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ૧૫૯-સુરત પુર્વના સેન્ટર ખાતે મીડિયાના પ્રતિનિધિઓને જિલ્લા ચુંટણી અધિકારીશ્રી પટેલે કોઈપણ નાતજાત, ધર્મ જાતિના ભેદભાવ વિના લોકશાહીના મહાપર્વમાં સૌ કોઈ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં વધુ મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, સુરત જિલ્લામાં ૪૨ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દિવ્યાંગો માટેની વ્યવસ્થાની વિગતો આપતા કહ્યું કે, દિવ્યાંગો માટે વ્હીલચેર, સહાયકોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ બ્રેઈલ મત પત્રો દરેક પોલિંગ મથકો પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. હીટવેવને ધ્યાને લઈ દરેક ડિસ્પેચીગ સેન્ટરો પર આરોગ્યની ટીમો તહેનાત રહેશે.
Gujarat Data
વલસાડમાં જીતે તેની બને છે સરકાર
કહેવાય છે કે ગુજરાતની વલસાડ લોકસભા બેઠક જે જીતે છે તેની કેન્દ્રમાં સરકાર બને છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં અહીંથી ભાજપના ઉમેદવાર જીત્યા હતા અને કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી. જ્યારે તે પહેલાની બે લોકસભા ચૂંટણીમાં વલસાડથી કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી.
રાજ્યમાં કુલ 26 બેઠકો
ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. જેમાંથી કચ્છ અને અમદાવાદ પશ્ચિમ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે જ્યારે દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી અને વલસાડ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.
371 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય
રાજ્યની 26 લોકસભા બેઠકો માટે મંગળવારે મતદાન છે ત્યારે કુલ 371 ઉમેદવારો મેદાનમાં છે. જેમના ભવિષ્યનો નિર્ણય 4 કરોડ 51 લાખ મતદાતાઓ કરશે.
બે મુખ્ય પક્ષોના 7 મહિલા ઉમેવારો મેદાનમાં
ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણી માટે બે મુખ્ય પક્ષોએ સાત મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાં ભાજપે 6 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસ 1 મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. NCP તરફથી રેશમા પટેલને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાતમાં સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો
ત્રીજા ચરણમાં દેશમાં જ્યાં જ્યાં મતદાન થવા જઈ રહ્યું છે તેમાં ગુજરાતમાં સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો છે. જેમાં પૂનમ માડમ, અમિત શાહ, એ જે પટેલ, સી. આર. પાટિલનો સમાવેશ થાય છે.
2014માં મતદાનના આંકડા
2014 લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં 30 એપ્રિલે મતદાન થયું હતું. કુલ 63.66 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન 74.94 ટકા બારડોલી બેઠક પર જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર બેઠક પર 52.62 ટકા થયું હતું.
1990 થી 2014નો મતદાતાઓનો મિજાજ
1990માં ભાજપને 20 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 5 અને જનતા દળને એક બેઠક મળી હતી.
1996
1996માં ભાજપને 16 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 10 બેઠકો મળી હતી.
1998
1998માં ભાજપને 19 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 7 બેઠકો મળી હતી.
1999
1999માં ભાજપને 20 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 6 બેઠકો મળી હતી.
2004
2004માં થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને 14 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 12 બેઠકો મળી હતી.
2009
2009માં ભાજપને 15 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસના ફાળે 11 બેઠકો ગઈ હતી.
2014
2014માં ગુજરાતમાં તમામ બેઠકો ભાજપને મળી હતી.
ગુજરાતના વીઆઇપીઓ ક્યાં અને ક્યારે મતદાન કરશે
સુરત સંસદીય બેઠક
સુરત સંસદીય મત વિસ્તારમાં આવતી તમામ વિધાનસભા બેઠકો પર 2017ની ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોને વિજય થયો છે.
વિધાનસભા મતવિસ્તાર | વિજેતા ઉમેદવાર | પક્ષ |
ઓલપાડ | મુકેશ પટેલ | ભાજપ |
સુરત પૂર્વ | અરવિંદ રાણા | ભાજપ |
સુરત ઉત્તર | કાંતિભાઈ બલાર | ભાજપ |
વરાછા | કુમાર કાનાણી | ભાજપ |
કારંજ | પ્રવિણ ઘોઘારી | ભાજપ |
કતારગામ | વિનોદ મોરડિયા | ભાજપ |
સુરત પશ્ચિમ | પુર્ણેશ મોદી | ભાજપ |
લોકસભા ચૂંટણીના ભૂતકાળના પરિણામો
2014માં સુરતથી મહિલા ઉમેદવાર દર્શના જરદોષને ફરીથી તક આપવામાં આવી હતી. જેમણે કોંગ્રેસના નૈષધ દેસાઈને 5 લાખ 33 હજાર 190 મતોથી હરાવ્યા હતા.
2009માં દર્શના જરદોષ પહેલી વાર દિલ્હીની દોડમાં સામેલ થયા અને કોંગ્રેસના ધીરુભાઈ ગજેરાની હરાવી વિજેતા થયા.
2004માં ભાજપના કાશીરામ રાણાએ કોંગ્રેસના ચંદ્રવદન પીઠાવાલાને હરાવ્યા હતા.
દર્શના વિક્રમ જરદોષ સુરતના સાંસદ છે જેઓ ગ્રેજ્યુએટ થયેલા છે. દર્શના જરદોષ લાંબો રાજકીય અનુભવ ધરાવે છે. 1988માં તેઓ ભાજપની વૉર્ડ સમિતિના ઉપાધ્યક્ષ હતા. 1996માં તેઓ ભાજપના મહિલા મોરચાના સુરતના ઉપાધ્યક્ષ બન્યા હતા.
પક્ષમાં વિવિધ પદ પર કામ કર્યા બાદ તેઓ 2009માં લોકસભાની ચૂંટણી જીત્યા. 2010માં પાર્ટીએ તેમને રાષ્ટ્રીય મહિલા મોરચામાં મહાસચિવના પદ પર કામ કરવાનો મોકો આપ્યો. 2014માં તેઓ ફરીવાર સાંસદ મળ્યા.
2019માં ભાજપે દર્શના જરદોષને ફરી તક આપી છે. જ્યારે કોંગ્રેસે અશોક અધેવાળને મેદાનમાં ઉતાર્યા છે. સુરત લોકસભા વિસ્તારમાં કુલ 14 લાખ 84 હજાર 68 મતદાતાઓ છે. જેમાં 6 લાખ 80 હજાર 212 મહિલા અને 8 લાખ 3 હજાર 829 પુરૂષ મતદાતાઓ એ વાત નક્કી કરશે કે દર્શના જરદોષને કેટલી લીડથી જીતાડવાના.
વલસાડ બેઠક
એવું માનવામાં આવે છે કે જે પાર્ટી વલસાડ બેઠક જીતે છે તે કેન્દ્રમાં સરકાર બનાવે છે. વલસાડના ભાવિ સાંસદ કોણ એ વિધાનસભા બેઠકોના મતદારો નક્કી કરશે. 7 વિધાનસભાઓ પૈકી 4 ભાજપા પાસે અને 3 કોંગ્રેસ પાસે છે. અહીં નેક ટુ નેક સ્પર્ધા જોવા મળી રહી છે.
વિધાનસભા બેઠક | વિજેતા ઉમેદવાર | પક્ષ |
ડાંગ | મંગળ ગાવિત | કોંગ્રેસ |
વાંસદા | અનંતકુમાર પટેલ | કોંગ્રેસ |
ધરમપુર | અરવિંદ પટેલ | ભાજપ |
વલસાડ | ભરત પટેલ | ભાજપ |
પારડી | કનુભાઈ દેસાઈ | ભાજપ |
કપરાડા | જીતુભાઈ ચૌધરી | કોંગ્રેસ |
ઉમરગામ | રમણલાલ પાટકર | ભાજપ |
લોકસભા ચૂંટણીના પરિણામો
વલસાડ લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..
2014માં ડૉક્ટર કે. સી. પટેલ વસલાડથી સાંસદ બન્યા હતા.તેમણે કોંગ્રેસના કિશનભાઈ પટેલને 2 લાખ 8 હજાર 4 મતોથી હરાવ્યા હતા. આ સમયે કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી.
2009માં કોંગ્રેસના કિશનભાઈ પટેલે ભાજપના ડૉક્ટર ડી. સી. પટેલને હરાવ્યા હતા. અને ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી.
2004માં પણ વલસાડથી કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા. કોંગ્રેસના કિશનભાઈ પટેલે ભાજપના મણીભાઈ ચૌધરીને હરાવ્યા હતા. અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી.
વલસાડના સાંસદ કે સી પટેલ છે. જેઓ ગ્રેજ્યુએટ છે. જેઓ વ્યવસાયે ખેડૂત અને ડૉક્ટર છે.
કે સી પટેલ વર્ષ 1995માં ધારાસભ્ય બન્યા હતા. 1996માં તેઓ ગુજરાત સરકારમાં રાજ્ય મંત્રી બન્યા હતા. 2014માં લોકસભા ચૂંટણી જીતીને તેઓ પહેલી વાર સાંસદ બન્યા.
વખતે વલસાડ બેઠક પરથી ભાજપા ઉમેદવાર ડૉક્ટર કે. સી. પટેલ સામે કોંગ્રેસએ જીતુ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. વલસાડમાં 7 લાખ 36 હજાર 988 મહિલા અને 7 લાખ 75 હજાર 073 પુરૂષ મતદાતા સાથે કુલ 15 લાખ 12 હજાર 62 મતદાતાઓ તા.23મી જુલાઇએ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
નવસારી બેઠક
2017માં નવસારી લોકસભામાં આવતી તમામ વિધાનસભા બેઠકો પર ભાજપાના ઉમેદવારો જીત્યા હતા.
વિધાનસભા બેઠક | વિજેતા ઉમેદવાર | પક્ષ |
લિંબાયત | સંગીતા પાટિલ | ભાજપ |
ઉધના | વિવેક પટેલ | ભાજપ |
મજુરા | હર્ષ સંઘવી | ભાજપ |
ચૌર્યાસી | ઝંખના પટેલ | ભાજપ |
જલાલપોર | આર. સી. પટેલ | ભાજપ |
નવસારી | પિયુષ દેસાઈ | ભાજપ |
ગણદેવી | નરેશ પટેલ | ભાજપ |
2014 લોકસભા ચૂંટણીમાં ભાજપના સી. આર. પાટિલે કોંગ્રેસના મકસુદ મિર્ઝાને 5 લાખ 58 હજાર 116 મતથી હરાવ્યા હતા.
2008માં પુનઃ સીમાંકન બાદ નવસારી સંસદીય બેઠક બની ત્યારથી સી.આર. પાટીલ સાંસદ
સી. આર. પાટીલ 1989માં ભાજપમાં જોડાયા હતા. 2008માં તેમને પક્ષના સુરત એકમના કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2009માં તેઓ પહેલી વાર અને 2014માં બીજી વાર સાંસદ બન્યા.
2014ની લોકસભા ચૂંટણી તેમણે 5 લાખ 58 હજાર 116 મતોથી વિક્રમી જીત મેળવી હતી. સી. આર. પાટિલ શહેરી વિકાસ માટે બનેલી સંસદની સ્થાયી સમિતિના સભ્ય પણ રહી ચુક્યા છે.
2019માં આ વખતે ભાજપાએ સતત ત્રીજી વખત આ બેઠક પર સી.આર. પાટીલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે કોંગ્રેસે જ્ઞાતિવાદી સમીકરણોને ધ્યાનમાં લઇને ધર્મેશ પટેલને સી.આર. પાટીલ સામે મેદાનમાં ઉતાર્યા છે. નવસારી લોકસભા મતવિસ્તારમાં 17 લાખ 64 હજાર 622 મતદાતાઓ છે. જેમાં 7 લાખ 92 હજાર 480 મહિલા અને 9 લાખ 72 હજાર 90 પુરૂષ મતદાતાઓ એ નક્કી કરશે કે સી.આર. પાટીલને કેટલી સરસાઇથી વિજેતા બનાવવા.
બારડોલી સંસદીય બેઠક
2008માં લોકસભાની બેઠકોનું પુનઃ સીમાંકન થયું ત્યારે આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. બારડોલી સંસદીય મત વિસ્તારમાં આવતી 7 વિધાનસભા બેઠકો પૈકી 2017ની ચૂંટણીમાં ભાજપાએ 4 અને કોંગ્રેસે 3 બેઠકો પર વિજય મેળવ્યો છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનું જોર વધુ દેખાય રહ્યું છે.
વિધાનસભા મતવિસ્તાર | વિજેતા ઉમેદવાર | પક્ષ |
માંગરોળ | ગણપત વસાવા | ભાજપ |
માંડવી | આનંદભાઈ ચૌધરી | કોંગ્રેસ |
કામરેજ | વી. ડી. ઝાલાવાડિયા | ભાજપ |
બારડોલી | ઈશ્વરભાઈ પરમાર | ભાજપ |
મહુવા | મોહનભાઈ દોઢિયા | ભાજપ |
વ્યારા | પુનાભાઈ ગામિત | કોંગ્રેસ |
નિર્ઝર | સુનિલ ગામિત | કોંગ્રેસ |
લોકસભા ચૂંટણીના પરિણામો
બારડોલી લોકસભા બેઠકના છેલ્લી બે લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..
2014માં ભાજપના પ્રભુભાઈ વસાવાએ કોંગ્રેસના તુષાર ચૌધરીને 1 લાખ 23 હજાર 884 મતોથી હરાવ્યા હતા.
2009માં કોંગ્રેસને આ બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસના તુષાર ચૌધરીએ ભાજપના રિતેષકુમાર વસાવાને હરાવ્યા હતા.
પ્રભુભાઈ નાગરભાઈ વસાવા બારડોલીના સાંસદ છે. જેઓ મિકેનિકલ એન્જીનિયર છે. યુવાન સાંસદોમાંથી એક પ્રભુભાઈનો વ્યવસાય ખેતી છે. તેમના પત્ની શિક્ષિકા છે.
પ્રભુભાઈ વસાવા 2007માં પહેલી વાર વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ બે વાર ધારાસભ્ય રહી ચુક્યા છે. જે બાદ 2014માં તેઓ પહેલી વાર લોકસભાના સાંસદ ચુંટાયા. પ્રભુભાઈ ખાદ્ય, ઉપભોક્તા અને જન વિતરણ પર બનેલી સંસદની સ્થાયી સમિતિના સભ્ય છે.
2019 માટે અહીંથી ભાજપે ફરી પ્રભુભાઈ વસાવાને તક આપી છે. જ્યારે કોંગ્રેસે તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. 7 લાખ 84 હજાર 448 મહિલા અને 8 લાખ 29 હજાર 648 પુરૂષ મતદાતાઓ સાથે બારડોલીમાં કુલ 16 લાખ 14 હજાર 106 મતદારો છે. આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપા વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.
ભરૂચ સંસદીય બેઠક
ભરૂચ સંસદીય મત વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં એવો વિસ્તાર છે કે જ્યાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. આખા ગુજરાતમાં યોજાઇ રહેલી ચૂંટણીમાં મુખ્ય જંગ ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે જ્યારે ભરૂચમાં છોટુ ભાઇ વસાવાએ નોંધાવેલી ઉમેદવારીને પગલે ત્રિપાંખીયો જંગ ખેલાય રહ્યો છે.
ભરૂચ સંસદીય બેઠક વિસ્તારમાં આવતી 7 વિધાનસભા બેઠકો પૈકી 4 પર ભાજપા, 2 પર કોંગ્રેસ જ્યારે એક પર છોટુભાઇ વસાવાની પાર્ટીનો વિજય થયો હતો.
વિધાનસભા મતવિસ્તાર | વિજેતા ઉમેદવાર | પક્ષ |
કરજણ | અક્ષય પટેલ | કોંગ્રેસ |
ડેડિયાપાડા | મહેશ વસાવા | બીટીપી |
જંબુસર | સંજય સોલંકી | કોંગ્રેસ |
વાગરા | અરુણસિંહ રાણા | ભાજપ |
જઘડિયા | છોટુ વસાવા | ભાજપ |
ભરૂચ | દુષ્યંત પટેલ | ભાજપ |
અંકલેશ્વર | ઈશ્વરસિંહ પટેલ | ભાજપ |
લોકસભા ચૂંટણીના પરિણામો
2014માં કોંગ્રેસના જયેશભાઈ પટેલને 1 લાખ 53 હજાર 273 મતથી હરાવીને ભાજપના મનસુખ વસાવા સાંસદ બન્યા હતા.
2009માં પણ આ બેઠક ભાજપ પાસે જ હતી. ભાજપના મનસુખ વસાવાએ કોંગ્રેસના અઝીઝ ટંકારવીને હરાવ્યા હતા.
2004માં પણ મનસુખ વસાવાની જ ભરૂચ બેઠક પરથી જીત થઈ હતી.
પાંચ વાર સાંસદ રહી ચુકેલા મનસુખ વસાવા પોસ્ટ ગ્રેજ્યુએટ છે. તેમનો વ્યવસાય કૃષિ અને સમાજ સેવા છે.
મનસુખ વસાવા કેંદ્ર સરકારમાં 2014 થી 2016 સુધી રાજ્યમંત્રી રહી ચુક્યા છે. 1994માં પહેલી વાર તેઓ ધારાસભ્ય બન્યા અને નાયબમંત્રી પણ રહ્યા. 1998 થી સતત તેઓ સાંસદ છે.
2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપે ફરીથી મનસુખ વસાવાને ટિકિટ આપી છે. જ્યારેકોંગ્રેસે શેરખાન અબ્દુલ શાકુર પઠાણને ટિકિટ આપી છે. ભરૂચમાં કુલ 14 લાખ 17 હજાર 548 મતદાતાઓ છે. જેમાં 6 લાખ 82 હજાર 658 મહિલા જ્યારે 7 લાખ 34 હજાર 862 પુરૂષ મતદાતાઓ ત્રિપાંખીયા જંગમાં કોને વિજેતા બનાવે છે એ જોવું રહ્યું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
