મુલાયમ-માયાવતી 24 વર્ષની દુશ્મનાવટ પછી ફરી એક જ મંચ પર: એકમેકને ખૂબ વખાણ્યાં
સમાજવાદી પાર્ટી (સપા)ના સર્વેસર્વા મુલાયમ સિંહ અને બહુજન સમાજ પાર્ટી (બીએસપી)નાં પ્રમુખ માયાવતી અઢી દાયકા પછી શુક્રવારે અહીં ચૂંટણી રૅલી સંબંધિત એક જ મંચ પર ફરી ભેગાં થયાં હતાં. માયાવતીએ મુલાયમ સિંહને પછાત વર્ગના લોકોના ‘ખરા નેતા’ તરીકે ઓળખાવ્યા હતા. બીજી તરફ, માયાવતીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘નકલી નેતા’ તરીકે ઓળખાવ્યા હતા.
1995માં (24 વર્ષ પૂર્વે) રાજ્યના વીવીઆઇપી ગેસ્ટ હાઉસના ચકચારભર્યા બનાવને પગલે માયાવતીએ સમાજવાદી પાર્ટી સાથે તમામ પ્રકારના સંબંધો કાપી નાખ્યા હતા. લખનઊના એ બનાવમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ બીએસપીના સપોર્ટરો જ્યાં રોકાયાં હતાં એ ગેસ્ટ હાઉસ પર હુમલો કર્યો હતો અને માયાવતીની કથિત મારપીટ કરી હતી. એ બનાવ પહેલાં બન્ને પક્ષો ઉત્તર પ્રદેશની યુતિ સરકારમાં ભેગાં હતા, પરંતુ ગેસ્ટ હાઉસની ઘટના બાદ તેમણે એકમેક સામે જોયું પણ નહોતું.
જોકે, શુક્રવારે માયાવતી અહીંના ક્રિશ્ર્ચિયન કૉલેજ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યાં ત્યારે મોટી મેદનીએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને એ લોકોમાં મોટા ભાગે સમાજવાદી પાર્ટીના ટેકેદારો હતા.
સમાજવાદી પાર્ટીના એક વિધાનસભ્યએ માયાવતી સામે ઝૂકીને નમન કર્યું હતું અને થોડી વાર બાદ મુલાયમ સિંહ કે જેમણે પહેલું પ્રવચન કર્યું હતું તેમણે માયાવતીને આવકાર્યા હતા અને પોતાના ટેકેદારોને અપીલ કરી હતી કે તમે હંમેશાં માયાવતીનું સન્માન જાળવજો.
મુલાયમ સિંહે પ્રવચનમાં કહ્યું હતું કે ‘હું અને માયાવતી ઘણા લાંબા સમય પછી એક જ મંચ પર આવ્યાં છીએ. અમે તેમનું સ્વાગત કરીએ છીએ અને તેમનો આભાર માનીએ છીએ.’ મુલાયમ સિંહે ટૂંકા પ્રવચનમાં પોતાને ચૂંટણીમાં જિતાડવાની મતદાતાઓને અપીલ કરી હતી.
માયાવતીએ તેમનાં પ્રવચનમાં સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવવાના નિર્ણયનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ‘ઘણાને નવાઈ લાગતી હશે કે સ્ટેટ ગેસ્ટ હાઉસના બનાવ છતાં હું કેમ અહીં મુલાયમ સિંહજીના પ્રચારકાર્યમાં સહભાગી થવા આવી છું? જોકે, ક્યારેક પક્ષના અને જનતાના હિતમાં અઘરા નિર્ણયો લેવા પડતા હોય છે. મુલાયમજીએ સમાજના તમામ વર્ગોના લોકોને પોતાના સપાના બૅનર હેઠળ આવરી લીધા છે એમાં કોઈ શંકા નથી. તેઓ પછાત વર્ગના લોકોના ખરા નેતા છે. આ વર્ગના લોકો હજી પણ તેમને ખરા નેતા માને છે. તેઓ કંઈ નરેન્દ્ર મોદીની જેમ ‘નકલી’ કે ‘બનાવટી’ નથી.’
માયાવતી પ્રવચનના છેવટના ભાગમાં થોથવાઈ ગયાં હતાં. તેમણે ટેવ મુજબ પોતાના પક્ષનું સૂત્ર ‘જય ભીમ’ ઉચ્ચાર્યું હતું. જોકે, તરત જ તેઓ ‘જય લોહિયા’ બોલ્યાં હતાં.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
