મુંબઈની તમામ બેઠકમાં ગુજરાતીઓના મત નિર્ણાયક
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરમાં છે, પરંતુ રાજ્યનો અને ખાસ કરીને મુંબઈનો ગુજરાતી સમાજ મૂંઝવણમાં છે અથવા તો 2014 જેવો ઉત્સાહ ગુજરાતી મતદારોમાં દેખાતો નથી. 2014માં તે સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન અને વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદની ગાદીએ જોવાની ઈચ્છા દરેક ગુજરાતીને હતી અને તેથી મુંબઈના ગુજરાતીઓએ ખોબલે ખોબલે મત આપી મુંબઈની તમામ છ લોકસભા બેઠક ભાજપ-શિવસેનાને ધરી દીધી હતી, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં સ્થાનિક નેતાઓ દ્વારા મતવિસ્તારના પ્રશ્ર્નો અને ગુજરાતીઓની કરવામાં આવેલી અવગણનાને લીધે તેઓ નિરાશ થયા છે.

નૉટબંધી અને જીએસટી બાદ પણ મોદીના નેતૃત્વ પર તેમને ભારોભાર ભરોસો છે, પરંતુ સ્થાનિક ભાજપ-શિવસેનાની નારાજગીનો ફટકો ક્યાંક યુતિને પડશે, તેવું જણાઈ રહ્યું છે. તમામ છ લોકસભા વિસ્તારોમાં વિધાનસભ્યો અને નગરસેવકો પણ મોટે ભાગે ભાજપ સેનાના હોવા છતાં કોઈ સમન્વય દેખાતો નથી. કેન્દ્ર, રાજ્ય અને મહાનગરપાલિકામાં આ બન્ને પક્ષનું વર્ચસ્વ હોવા છતાં જનતાની વાત કાને ધરાતી નથી ત્યારે ગુજરાતીઓનો મોદીપ્રેમ યથાવત્ હોવા છતાં મુંબઈગરા કોને પસંદ કરશે તે કહેવું મુશ્કેલ છે.
દક્ષિણ મધ્ય મુંબઈને બાદ કરતા તમામ પાંચ લોકસભા બેઠકમાં ગુજરાતી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. આ વિસ્તારોના મરાઠી, મુસ્લિમ અને હિન્દીભાષી મત ભાજપ, શિવસેના, કૉંગ્રેસ, એનસીપી વચ્ચે વહેંચાશે, પરંતુ ગુજરાતીઓ પરંપરાગત ભાજપને પસંદ કરે છે તેમ માનવામાં આવે છે. જોકે વિવિધ વિસ્તારોના ગુજરાતી અગ્રણીઓ સાથે વાત કરતા જણાઈ રહ્યું છે કે તેઓ આ વખતે મોદીના નામે મત દેવાના મૂડમાં નથી. જોકે તેઓ અન્ય વિકલ્પો તરફ ઢળે તેવું પણ દેખાઈ રહ્યું નથી ત્યારે ગુજરાતી મતદારો ક્યાંક મતદાન જ ન કરે અથવા તો નૉટાનું બટન દબાવે તેવી સંભાવના વધારે જોવા મળે છે.
ઈશાન મુંબઈમાં મતદારોએ ‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં નગરસેવકોથી માંડી સાંસદ ભાજપના હોવા છતાં પ્રશ્ર્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. રિડેવલપમેન્ટ, જાહેર ઓરગ્યની સુવિધાનો અભાવ, ડંપિંગ ગ્રાઉન્ડ, ગંદકી વગેરે પ્રશ્ર્નો ત્યાંના ત્યાં છે. જીએસટીથી વેપારીઓને પડતી મુશ્કેલીઓ અહીંના નેતાઓએ સાંભળવાની દરકાર પણ કરી નથી. મુલુન્ડથી થાણે તેમ જ ભિવંડી જનારાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે, પરંતુ વાહનવ્યવહારની કોઈ વ્યવસ્થા નથી અને રસ્તા બિસ્માર છે.
આ જ રીતે ઉત્તર મુંબઈના મતદારોના કહેવા અનુસાર રેલવે પરિસરોમાં સ્વચ્છતાનો અભાવ, ફેરિયાઓનું અતિક્રમણ, બિલ્ડરોની દાદાગીરી અને ગીચતાને લીધે ગંદકીની ભયાનક સમસ્યાઓ છે. વળી, નાના ધંધાર્થીઓને ફટકો પડ્યો છે, તે પણ એક મહત્ત્વનું કારણ બની રહેશે. ઉત્તર મધ્ય મુંબઈમાં વિલેપાર્લે, જુહૂ, અંધેરી જેવા પૉશ વિસ્તારો આવે છે. અહીં પ્રસ્તાવિત મેટ્રો ટુને લીધે લોકો નારાજ છે. લોકોને અન્ડરગ્રાઉન્ડ મેટ્રો જોઈએ છે, પરંતુ કરોડોનો ટેક્સ ઠાલવતા ઉપનગરો માટે સરકાર થોડા વધારે પૈસા ખર્ચવા તૈયાર નથી.
આ ઉપરાંત અહીં પણ ગંદકી અને અતિક્રમણની સમસ્યા વિકટ છે. ઉત્તર-પશ્ર્ચિમ મુંબઈમાં પણ સ્થાનિક મુદ્દાઓ ઉકેલાયા નથી અને સ્થાનિક સાંસદની જનતા વચ્ચે કોઈ હાજરી દેખાઈ જ નથી. મુંબઈના હૃદય સમાન દક્ષિણ મુંબઈમાં ગુજરાતીઓની ભારે સંખ્યા છે અને વેપારધંધા માટેનું પણ આ હબ છે. અહીં કોલાબા-ઝવેરી બજાર જેવા વિસ્તારોમાં સોના-ચાંદીના કારખાનાને લીધે પ્રદૂષણની સોથી મોટી સમસ્યા છે. સેસ હેઠળ આવતી ઈમારતોનું રિડેવલપમેન્ટ લગભગ અટકી પડ્યું છે. લોકો જીવના જોખમે જર્જરિત ઈમારતોમાં રહે છે. ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ વિકટ છે. મેટ્રો થ્રીના કામને લીધે પડતી મુશ્કેલી અને વૃક્ષોની આડેધડ કતલથી પણ રહેવાસીઓ નારાજ છે.
તમામ પક્ષના ઉમેદવારો પોત-પોતાની રીતે ગુજરાતી મતદારોને રીઝવવાના પેતરા અજમાવી રહ્યા છે, પરંતુ કોણ કેટલું સફળ થશે, તે પરિણામ જાહેર થાય ત્યારે જ ખબર પડશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


