ઝંઝાવાતી પવન વા’તા કાચી કેરીઓ ખરી પડી
જૂનાગઢ, તા.26: સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ગત રાતથી એકા એક ઝંઝાવાતી પવન ફૂંકાતા, ધૂળની ડમરીઓ ચડી હતી. ભારે પવનના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યાની બાગાયત કારોમાંથી ફરિયાદ ઉઠવા પામી છે સાથે ગરમીમાં આંશીક રાહત અનુભવાય છે.
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ આકરા તાપને કારણે તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્યાં ગત રાતથી એકાએક વાતાવરણમાં પલટો આવતા ઝંઝાવાતી પવન ફૂકાવાનું શરૂ થયું હતું. રાતભર ભારે પવનને કારણે આંબાના ઝાડ ઉપર લટકતી કાચી કેરીઓ ખરી પડી હતી.
હવામાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે મહતમ તાપમાન 39.9 ડિગ્રી ન્યુનતમ 27.5 ડિગ્રી, અને પવનની ઝડપ 8.8 કિ.મી. નોંધાય છે પણ ગત રાત્રે પવનની ઝડપ 15 થી 20 કિ.મી. હોવાનું બાગાયતકારો જણાવી રહ્યા છે.