મહેમાનો માટે એપાર્ટમેન્ટની બહાર પાર્કિંગ કરવાના બિલ્ડીંગોના મનઘડંત નિયમો સામે પોલિસ કમિશનરની લાલ આંખ
પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઇઃ
રાજ્યભરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તથા લોકોની અમુલ્ય જિંદગીની સલામતી જળવાય તેવા આશયથી સરકાર દ્વારા જિલ્લા-મહાનગરોમાં રોડ સેફટી કાઉન્સીલની રચના કરવામાં આવી છે. જે અન્વયે પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માની અધ્યક્ષતામાં પોલિસ કમિશનર કચેરીના સભાખંડમાં શહેર રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઇ હતી.
રોડ સેફટી કાઉન્સીલના સભ્યની એક રજૂઆતના સંદર્ભમાં પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માએ શહેરના એપાર્ટમેન્ટ, હાઈરાઈઝ રેસિડેન્સીયલ બિલ્ડીંગોમાં આવતા મહેમાનો માટે એપાર્ટમેન્ટની બહાર પાર્કિંગ કરવાના મનઘડંત નિયમો સામે લાલ આંખ કરતા જણાવ્યું કે, ખાસ કરીને મોટા વરાછા, યોગી ચોક, સરથાણા, કતારગામ સહિતના વિસ્તારોમાં એપાર્ટમેન્ટના ગેટ પર ‘મહેમાનોએ પોતાના વાહનો બહાર પાર્ક કરવા’, ‘પાર્કિંગ ફક્ત સોસાયટીના સભ્યો માટે જ છે.’ એવા લખાણ વાળા બોર્ડ લગાવી સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે.
કેટલાક સાંકડા રસ્તા પરની રહેણાંક બિલ્ડીંગોના આવા ગેરકાયદેસર નિયમોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્દ્ભવે છે. પોલિસ કમિશનરશ્રીએ સોસાયટી-એપાર્ટમેન્ટ દ્વારા મહેમાનો અને મુલાકાતીઓને રેસિડેન્સીની બહાર પાર્કિંગ કરવા માટે દબાણ કે ફરજ પાડી શકાય નહી એમ જણાવી આવું કરીને મનમાની કરતી બિલ્ડીંગોના જવાબદાર હોદ્દેદારો સામે સખ્ત કાર્યવાહી કરવાની તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે શહેરમાં આ પ્રકારની બિલ્ડીંગો પર જાત તપાસ કરી કાર્યવાહી કરવા અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું હતું.
સુરત એ.આર.ટી.ઓ. શ્રી ડી.કે.ચાવડાએ જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન, કાયદાકીય જોગવાઇઓ સંબંધિત જાણકારી આપવાના કાર્યક્રમો યોજવામાં આવે છે. સ્કૂલ કોલેજો દ્વારા પણ વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમો અને જાણકારી આપવામાં આવે તે માટે શાળાઓને ટ્રાફિક પોલીસ દ્વારા પ્રેરિત કરવામાં આવે છે. તેમણે અડચણરૂપ થાય તેવી જગ્યાએ પાર્કિંગ કરનારા સામે સખત દંડનાત્મક કાર્યવાહી કરવા સબંધિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા.
બેઠકમાં પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માએ સૂરત શહેરમાં ટ્રાફિક, વાહનવ્યવહાર અને માર્ગ અકસ્માતોની સમસ્યાને નિવારી શકાય, લોકો ટ્રાફિકના નીતિ-નિયમોનું પાલન કરે, રોડ પર દબાણ કરનારા સામે દંડનીય કાર્યવાહી થાય, શહેરીજનો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન અને જનજાગૃતિ વિષયક સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.