CIA ALERT
26. April 2024
August 10, 20192min19150

Related Articles



તાપીમાં ફ્લડ મેનેજમેન્ટથી સુરત સેફ : દરેક સુરતી સુધી સતત પહોંચે છે અપડેટ્સ

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભૂતકાળમાં 1998 અને બાદમાં 2006ના પૂરની સ્થિતિ અને અનેક વર્ષે ચોમાસામાં સર્જાયેલી ફ્લડ લાઇક સિચુએશન્સમાંથી સુરતના વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ એટલું બધું શીખ્યા છે કે હવે સુરતવાસીઓ અને સ્થાનિક તંત્રો ફ્લડ મેનેજમેન્ટમાં પાવરધા બન્યા છે. ઉકાઇ ડેમ અંદાજે 80 લાખની વસતિને સીધી રીતે અસર કરે છે. ઉકાઇ ડેમથી નીકળતું પાણી સુરત જિલ્લામાંથી પસાર થયા બાદ તાપી નદીમાં આવે છે અને છેક મગદલ્લા પાસે દરિયામાં ભળે ત્યાં સુધીની વસતિ ઉકાઇ ડેમની સપાટીથી સીધી રીતે અસરકર્તા છે.

છેલ્લા દોઢ દિવસથી તાપી નદીમાં છ લાખ ક્યુસેક્સ પાણીનો આવરો નોધાયો હતો, એટલી વિપુલ માત્રામાં પાણી ડેમમાં આવી રહ્યું હતું કે જો નવા નિશાળીયા જેવા તંત્રવાહકો હોય તો સુરત શહેરે ફરી ડૂબવાનો વખત જોવો પડે, પણ ફ્લડ મેનેજમેન્ટ એને જ કહેવાય કે ઉકાઇ ડેમમાં આવતા પાણીના જથ્થાનું મેનેજમેન્ટ અને તાપી નદીમાં રિલીઝ કરવાની માત્રા આ દરેક બાબતોને બેલેન્સ કરીને ફ્લડની સિચુએશન ટાળી શકાય અને આજે તા.10મી ઓગસ્ટ 2019ના રોજ સુરતવાસીઓએ વધુ એક વખત સટીક ફ્લડ મેનેજમેન્ટની પ્રતીતિ કરી છે.

તા.10મી ઓગસ્ટ 2019ના રોજ સુરતવાસીઓએ વધુ એક વખત સટીક ફ્લડ મેનેજમેન્ટની પ્રતીતિ કરી

સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં જ્યારે જ્યારે પણ પૂરજનક સ્થિતિ ઉદભવી છે ત્યારે ત્યારે ફ્લડ મેનેજમેન્ટ થકી સુરતવાસીઓને બને તેટલું ઓછું નુકસાન, જાનમાલનું ઓછું નુકસાન થાય તેવી સ્થિતિ ફ્લડ મેનેજમેન્ટ થકી જ સર્જી શકાય છે અને એટલે જ સુરતવાસીઓ ફ્લડ લાઇક સિચુએશનમાં પણ ટેસથી ભજીયા ખાઇને ઉપાધીને ઉત્સવમાં પરિવર્તિત કરી શકે છે.

અત્રે એ નોંધનીય છે કે ઉકાઇ ડેમ આવ્યો છે તાપી જિલ્લામાં પરંતુ, તેનું મોનિટરિંગ સુરત જિલ્લા કલેક્ટર દ્વારા જ કરવામા આવે છે.

આ વખતે પણ તાપી નદીમાં ફ્લડ મેનેજમેન્ટ કાબિલેતારીફ રીતે થઇ રહ્યું છે. સિંચાઇ વિભાગ, સુરત કલેક્ટરેટ, સુરત મહાનગરપાલિકા, હવામાન ખાતું, ડીજીવીસીએલ સમેત અનેક તંત્રોના અધિકારીઓ વચ્ચે જબરદસ્ત સંકલન હોવાના કારણે ફ્લડ મેનેજમેન્ટ સટીક રીતે થઇ રહ્યું છે. અહીં જાણીએ ફ્લડ મેનેજમેન્ટમાં કોણ શું ભૂમિકા ભજવી રહ્યા છે.

સુરત જિલ્લા અને સુરત શહેરમાંથી પસાર થઇને સુરતના મગદલ્લા નજીક દરિયાને મળતી તાપી નદીનો નકશો કે જે ચોમાસા દરમિયાન સુરતવાસીઓની ધડકન વધારી દે છે

સેન્ટ્રલ વોટર કમિશન

સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા તાપી નદીના આરંભથી અંત સુધીમાં પડતા વરસાદ અને પાણીનો આવરો, પ્રવાહની સ્થિતિ વગેરેની માહિતી તેમજ સતત અપડેટ્સ માટે દક્ષિણ ગુજરાત સિંચાઇ વર્તુળ સાથે સંકલન સાધે છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં તેમજ ગેજ સ્ટેશન પર વરસાદના આંકડાનું સચોટ મેઝરમેન્ટસ સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા મળે છે.

સિંચાઇ વિભાગની શું ભૂમિકા ?

ઉકાઇ ડેમમાં પાણીના આવરાથી લઇને પાણી રિલીઝ કરવાની બાબતો પર ઘનિષ્ટ વોચ રાખવામાં આવે છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના આધારે ડેમમાં કેટલું પાણી આવશે એ સઘળી બાબતો સંકલન કરીને મેળવે છે, રેકોર્ડ રાખે છે. સ્થાનિક કલેક્ટરેટને જાણકારી આપે છે.

સુરત કલેક્ટરેટની શું ભૂમિકા ?

સુરતના કલેક્ટર તમામ વહીવટીતંત્રો સાથે સંકલન સાધે છે. ફ્લડ લાઇક સિચુએશન દરમિયાન સૌથી શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય એ માટે સુરત કલેક્ટર દરેક તંત્રવાહકોના ઉચ્ચાધિકારીઓની મિટીંગ યોજે છે અને સૂચનો મેળવીને પરિસ્થિતિ અનુસાર શ્રેષ્ઠ નિર્ણય કરે છે. ઉકાઇ ડેમથી લઇને સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પાણીની પરિસ્થિતિ અંગે સચોટ માહિતી મેળવે છે અને સુરત મહાનગરપાલિકાથી લઇને સંબંધિત દરેક તંત્રવાહકો સુધી માહિતી પહોંચાડે છે. ઇનપુટ્સ આપે છે, આગળ કઇ કાર્યવાહી કરવી તેની સૂચના આપે છે.

વર્તમાન કલેક્ટર ડો. ધવલ પટેલના ન્યુઝ ફોરકાસ્ટ ઓડિયો મેસેજીસ (ઓડિયો ક્લીપ્સ) ભારે વાઇરલ થયા છે, લોકોએ ધવલ પટેલના ઓડિયો મેસેજીસ વારંવાર વ્હોટ્સ એપ પર સેન્ડ કર્યા. ઓડિયો મેસેજીસના ન્યુઝ ફોરકાસ્ટ કરીને સુરત કલેક્ટર ડો. ધવલ પટેલએ નવો ચીલો ચાતર્યો છે, ભવિષ્યમાં આવનારા કલેક્ટરોએ ડો.ધવલ પટેલની પરંપરા જાળવી રાખવી પડશે

સુરત કલેક્ટર મિડીયાને માહિતી આપીને લોકો સુધી સચોટ માહિતી પહોંચાડે છે. વર્તમાન કલેક્ટર ડો.ધવલ પટેલ તારીખ અને સમય સાથેના ઓડિયો મેસેજ મિડીયાને પાસ કરે છે અને મિડીયા સુરતવાસીઓ સુધી ઉકાઇ ડેમથી લઇને તાપી નદીમાં વોટર લેવલ સુધીની સચોટ માહિતી પૂરી પાડે છે.

ફાયર બ્રિગેડ

સુરત ફાયર બ્રિગેટ ચોમાસાની સીઝનમાં સૌથી વધુ સ્ટેન્ડ ટુ સિચુએશનમાં હોય છે. વરસાદી હોનારતો, પાણી ભરાવાની સ્થિતિ, ઝાડ પડવા કે શોર્ટ સર્કિટ થવો કે અન્ય અકસ્માતના સમય સંજોગોમા દિવસ રાત સ્ટેન્ડ ટુની સિચુએશનમાં હોય છે. આમેય ફાયર બ્રિગેડની કામગીરી ચોવીસે કલાકની જ હોય પરંતુ, ચોમાસામાં અકસ્માતો, આકસ્મિક સંજોગો વધુ ઉદભવતા હોવાથી ફાયર બ્રિગેડ તમામ ઔજારો, સાધનો સાથે તૈનાત રહે છે. ફાયર બ્રિગેડ પાસે અત્યાધુનિક ટુલ્સ ઉપરાંત પ્રારંભિક બચાવ રાહત માટેના વાહનો, બોટ વગેરે પણ રેડી પોઝીશનમાં હોય છે. કલેક્ટરેટની મિટીંગમાં લેવાયેલા નિર્ણયોની સૌથી પહેલી જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવે છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ભૂમિકા શું ?

સુરત મહાનગરપાલિકા શહેરમાં ફ્લડની પરિસ્થિતિ સર્જાય, ગટરીયા પૂર આવે તો લોકોના સ્થળાંતરની કામગીરી, જરૂર જણાય તો શેલ્ટર હાઉસ ઉભા કરવા, નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવો, લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી, સામાન્ય લોકો સુધી તાપીમાં પાણીના લેવલની જાણકારીની માહિતી, વિયર કમ કોઝવેને સંબંધિત તમામ સંચાલન, તાપી નદીમાં વોટર લેવલ વધે તો ફ્લેડ ગેટ બંધ કરવા વગેરે અગત્યની કામગીરી નિભાવે છે. શહેરની ખાડીઓ ઉભરાય ત્યારે ખાડી કિનારે વસેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી, ફુડ પેકેટ્સ વિતરણ વગેરે પણ પાલિકા કરે છે. ફ્લડ પછી સેનિટેશન, સાફસફાઇ વગેરે કામગીરી સુરત મહાનગરપાલિકા હાથ ધરે છે.

ટૂંકમાં કહીએ તો સુરતીઓને સ્પર્શતી મોટા ભાગની કામગીરી સુરત મહાનગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા જ પાર પાડવામાં આવે છે.

સુરત પોલીસ તંત્રની શુ ભૂમિકા ?

સુરત પોલીસ તંત્ર જ્યારે જ્યારે તાપી નદીમાં ફ્લડ લાઇક સિચુએશન હોય ત્યારે ત્યારે હરકતમાં હોય છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ઉપરાંત શહેરના બ્રિજો, નદી કિનારાઓ પર બિનજરૂરી રીતે ઉમટી પડતા લોકોને વિખેરવાની કામગીરી હાથ ધરે છે. જરૂર જણાય એવા પોઇન્ટસ પર હંગામી ધોરણે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવે છે. અફવા ફેલાવતા લોકોને શોધી કાઢવાનું કામ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે.

જિલ્લા પંચાયત તંત્રની શું ભૂમિકા ?

જે રીતે સુરત મહાનગરપાલિકા સુરત શહેરમાં ફ્લડ લાઇક સિચુએશન દરમિયાન લોકોને સ્પર્શતી સીધી બાબતોની દેખરેખ રાખે છે એ જ રીતે જિલ્લા પંચાયતનું તંત્ર સુરત જિલ્લામાં આવેલા ગામડાઓમાં પૂર, પાણી ભરાવા, સેનિટેશન વગેરેની બાબતો પર ધ્યાન આપે છે. જરૂરીયાત સમયે બચાવ રાહતની કામગીરી, સલામત સ્થળે ખસેડવાની કામગીરી, સેલ્ટર હાઉસ ઉભા કરવાની કામગીરી વગેરે જિલ્લા વિસ્તારમાં આવેલી સઘળી કામગીરી જિલ્લાપંચાયત દ્વારા હાથ ધરવામાં આવે છે.

ડીજીવીસીએલ

દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એવી સૂચના આપવામાં આવે છે કે જો વરસાદી હોનારત કે ફ્લડ સિચુએશનમાં વીજ પુરવઠો ખોરવાય, કોઇ સ્થળે ભંગાણ થાય તો સત્વરે વીજ પ્રવાહ રીસ્ટોર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાવી જોઇએ. તદુપરાંત વરસાદી માહોલ દરમિયાન શોર્ટ સર્કિટ તેમજ અન્ય બનાવો દરમિયાન ડીજીવીસીએલએ સ્ટેન્ડ ટુ ની પોઝીશનમાં તૈનાત રહેવાનું હોય છે.

જાહેર બાંધકામ વિભાગ

જાહેર બાંધકામ વિભાગની જવાબદારીએ હોય છે કે કોઇ સરકારી કચેરી, સરકારી મિલકતમાં વરસાદી હોનારત, પાણી ભરાવા કે પુરની સ્થિતિમાં બને એટલું નુકસાન ઓછું થાય અને રૂટીન કામગીરી ન ખોરવાય એ જોવાની સઘળી જવાબદારી જાહેર બાંધકામ વિભાગની હોય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :