CIA ALERT
27. April 2024
February 12, 20191min8230

Related Articles



જેને ભગવાનનો દરજ્જો મળ્યો છે એ તબીબો ગન લાઇસન્સ માગે, માર્શલ આર્ટ શીખે છે !!

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પૃથ્વી પર જેમને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, અંગ્રેજીથી લઇને ગુજરાતી સાહિત્યકારોએ જેને જીવનદાતા ગણાવ્યા છે એ તબીબો (ડોક્ટર્સ) પર એવા જીવલેણ હુમલા થઇ રહ્યા છે કે ભારતમાં હવે તબીબો ગન લાઇસન્સ (હથિયારોના પરવાના) માગી રહ્યા છે. કોઇ સ્થળે તબીબોને દર્દીઓના સગાઓના હુમલાથી બચવા માટે સેલ્ફ પ્રોટેક્શનની તાલિમ આપવામાં આવી રહી છે તો દિલ્હીની એઇમ્સ જેવી હોસ્પિટલના તબીબો હેલ્મેટ પહેરીને દુનિયાને એવું દેખાડી રહ્યા છે કે દર્દીઓની સેવા ચાકરી કરવાનું એટલું જોખમી બન્યું છે કે તેમણે હેલ્મેટ પહેરીને ટ્રીટમેન્ટ કરવી પડી રહી છે.

ભારતમાં પાછલા 1 વર્ષ દરમિયાન વિવિધ સ્થળો પર તબીબો પર 50થી વધુ જીવલેણ હુમલાઓની ઘટનાઓ બની છે. તબીબો પર હુમલો કરવાની આ ઘટનાઓ ઝડપભેર આકાર પામી રહી છે. તબીબી આલમ તેમના પર વધતા હુમલાઓથી એટલી ભયભીત બની છે કે હવે કહેવાતી સારી હોસ્પિટલ્સ પણ ક્રિટીકલ કે સિરીયસ પેશન્ટસ દાખલ થવા માટે આવે ત્યારે તેને સિફતપૂર્વક એડમિટ કરવાનો ઇન્કાર કરી દે છે. દર્દીઓના ક્રિટીકલ ઓપરેશન્સ કરતા પહેલા તબીબો દર્દીઓના સગાઓ તથા તેમની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

તાળી એક હાથે નથી વાગતી એમ તબીબો પરના હુમલાઓની પાછળ કેટલાક તબીબો અને કેટલીક હોસ્પિટલ્સના ગોરખધંધાઓ પણ કારણભૂત ગણાય છે. રૂપિયા રળવા માટે બિનજરૂરી દવાઓ, બિનજરૂરી પરીક્ષણો અને ત્યાં સુધી કે બિનજરૂરી ઓપરેશન્સ કરતા પણ કહેવાતા આ ભગવાનોને સહેજ પણ ડર લાગતો નથી. આમ દર્દીઓને જ્યારે પણ ચાલુ ટ્રીટમેન્ટએ કંઇક થાય એટલે સગા સબંધીઓ તબીબોને જ કસૂરવાર ગણીને મારપીટ કે હોસ્પિટલમાં તોડફોડ શરૂ કરી દેતા હોય છે.

ભારતમાં તબીબો પરના હુમલાઓની ઘટનાઓ દિનપ્રતિદિન દાવાનળની જેમ પ્રસરી છે. તબીબો પણ ટોળાઓ દ્વારા થતા હુમલાઓનો શિકાર બની રહ્યા હોઇ, ભારતમાં જુદા જુદા સ્થળો અને હોસ્પિટલ્સના તબીબોએ પોતાના સ્વબચાવ માટે કેવા પગલાંઓ ભર્યા છે એ જાણીને સહજ અચરજ થાય તેમ છે.

નાગપુર સરકારી મેડીકલ કોલેજના ડોક્ટર્સે હથિયારના લાઇસન્સ માંગ્યા

નાગપુર ખાતે આવેલી ઇન્દિરા ગાંધી સરકારી મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ્સમાં તાજેતરમાં જ સિનિયર ડોક્ટર પર હુમલો કરીને તેમને લોહીલુહાણ કરી દેવાયા હતા. દર્દીનું સારવાર દરિમયાન મોત નિપજતા વિફરેલા સગાસબંધીઓએ સિનિયર તબીબને કસૂરવાર ગણીને તેના પર એવો ઘાતકી હુમલો કર્યો કે એ જોઇને અન્ય તબીબો ભારે ભયભીત બની ગયા છે. આ ઘટનાએ સમગ્ર દેશના તબીબોને હચમચાવી મૂક્યા હતા. આ ઘટના બાદ નાગપુર સરકારી મેડીકલ કોલેજમાં ફરજ બજાવતા અનેક ડોક્ટરોએ પોલીસ કમિશનર સમક્ષ અરજી કરીને વેપન લાઇસન્સ આપવા રજૂઆત કરી છે. કારણ એ દર્શાવાયું છે કે તેમના પર દર્દીઓના સગાઓ દ્વારા વારંવાર ઘાતકી હુમલાઓ કરવામાં આવી રહ્યા હોઇ, સ્વબચાવ માટે તેમને વેપન લાઇસન્સ આપવામાં આવે.

કોલકાત્તાની એન.આર.એસ. મેડીકલ કોલેજમાં તબીબોને કરાટેની તાલિમ

તબીબો પર થઇ રહેલા દર્દીઓના સગાઓ દ્વારા હુમલાઓ દરમિયાન તબીબો પોતાનો સ્વબચાવ કરી શકે તે માટે કોલકાત્તા સ્થિત એન.આર.એસ. મેડીકલ કોલેજમાં જુનિયર, સિનિયર, રેસિડેન્ટ તમામ પ્રકારના તબીબો માટે ટેઇકવોન્ડો કરાટેની તાલિમ આપવામાં આવી રહી છે. અહીં તબીબો માટે આ પ્રકારની તાલિમ ફરજિયાત બનાવવામાં આવી છે અને જ્યારે જ્યારે પણ દર્દીઓના સગાઓ દ્વારા તેમના પર હુમલો થાય ત્યારે તેમને આ માર્શલ આર્ટથી સ્વબચાવ કરવા માટે છૂટ આપવામાં આવી રહી છે.

દિલ્હી એઇમ્સ હોસ્પિટલમાં હેલ્મેટ પહેરીને સારવાર કરતા તબીબો

નવી દિલ્હી ખાતે આવેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સના તબીબોએ તાજેતરમાં જ દેશભરમાં તબીબો પર થઇ રહેલા ઘાતકી હુમલાઓનો  વિરોધ કરવા માટે હેલ્મેટ પહેરીને દર્દીઓની સારવાર કરવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. એઇમ્સના તબીબો દુનિયાને એવું જણાવવા માગી રહ્યા હતા કે દર્દીની સારવાર કરવાનું ઉમદા કામ એટલું કપરું અને જોખમી બન્યું છે કે તેમણે હેલ્મેટ પહેરીને દર્દીઓની સેવા ચાકરી કરવી પડી રહી છે.

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :