વર્લ્ડ નંબર ખેલાડી જેનિક સિનરે ઈતિહાસ રચી દેતાં પહેલીવાર વિમ્બલડન મેન્સ સિંગલ્સની ફાઈનલમાં વિજયી થઈ ટ્રોફી જીતી લીધી. સિનરે ગ્રાસકોર્ટ પર સતત બે વર્ષ સુધી ખિતાબ જીતનારા સ્પેનના કાર્લોસ અલ્કારાઝને ત્રણ કલાક ચાલેલી ફાઈનલમાં 4-6, 6-4, 6-4, 6-4 થી હરાવીને ખિતાબ જીત્યો હતો.
સિનરે તેની કારકિર્દીનો આ ચોથો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો. 148 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ઈટાલિયન ખેલાડી વિમ્બલડનનું ટાઈટલ જીત્યો હતો. આ સાથે સિનરે ગત મહિને ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં અલ્કારાઝ સામેની હારનો હિસાબ ચૂકતે કરી દીધો.
પહેલીવાર આવું થયું
બંને વચ્ચેની ફાઈનલ મેચ એટલા માટે પણ રસપ્રદ હતી કેમ કે પહેલીવાર વિમ્બલડન મેન્સ ફાઈનલમાં બે એવા ખેલાડી સામ-સામે રમી રહ્યા હતા જેમનો જન્મ 2000ની સાલ બાદ થયું હતું. ફાઇનલની શરૂઆત અલ્કારાઝે આક્રમક અંદાજમાં કરી હતી અને પ્રથમ સેટ 6-4થી જીતી લીધો હતો. જોકે પછી તે એક પણ સેટ ન જીતી શક્યો.
સુરતના સુમુલડેરી રોડ સ્થિત ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI)ની ટેસ્ટિંગ લેબોરેટરીમાં ડાયમંડ જવેલરી (નેચરલ અને લેબગ્રોન), લુઝ ડાયમંડ (નેચરલ અને લેબગ્રોન), કલર સ્ટોન તથા સોનાની ગુણવત્તાની ટેસ્ટિંગ કરી સર્ટિફિકેટની અધિકૃત કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ચિન્હ સાથે હવે આઇડીઆઇ કમર્શિયલ સર્ટિફિકેશન કરી આપશે.
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI ) જેમ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા ડાયમંડ જવેલરી (નેચરલ અને લેબગ્રોન) , લુઝ ડાયમંડ (નેચરલ અને લેબગ્રોન), કલર સ્ટોન તથા સોનાની ગુણવત્તાની ટેસ્ટિંગ માટે ભારતનું રાષ્ટ્રીય ચિન્હ વાળા નવા ડિઝાઇન કરેલા લેબોરેટરી ટેસ્ટિંગ સર્ટિફિકેટનું અનાવરણ રાજ્યના ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવા લેબોરેટરી સર્ટિફિકેટ પ્રધાનમંત્રીના વિઝનને અનુલક્ષી, મેક ઇન ઇન્ડીયાને પ્રમોટ કરવા IDI દ્વારા આ પહેલ કરવામાં આવેલ છે. ભારત સરકારની ટેસ્ટ ઈન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકારના માધ્યમથી ,ભારતનું રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભ સાથેનું લેબોરેટરી સર્ટિફિકેટ જેમ્સ અને જ્વેલરી સેક્ટરને IDI દ્વારા જારી કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ સંસ્થાના શ્રી દિનેશભાઈ નાવડિયાના સતત પ્રયાસોના પરિણામે શક્ય બની છે.
વધુમાં દિનેશભાઇ નાવડિયાએ જણાવ્યું હતું કે, IDI દ્વારા વર્ષોથી જેમ્સ અને જ્વેલરી સેક્ટરને અત્યંત નજીવા દરે ગુણવત્તા અને વિશ્વસનીય લેબોરેટરી સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે. ભારતીય જેમ ટેસ્ટિંગ લેબોરેટરીને પ્રોત્સાહન મળે તે હેતુથી, જેમ એન્ડ જ્વેલરી ટ્રેડના દરેક સભ્યોએ લેબોરેટરી સર્ટિફિકેટ ની ઊંચી વિશ્વસનીયતા અને ઝડપી સેવાઓનો લાભ લેવા માટે આપસૌને ન્રમ અપીલ છે. IDI દ્રઢ પ્રતિબદ્ધતાથી ગુણવત્તા અને પારદર્શકતાને જાળવી રાખશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવતા પોલિશ્ડ લુઝ ડાયમંડ એક્ષ્પોની છઠ્ઠી એડિશનને આજે દેશ વિદેશના ખરીદારો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે 53 ડાયમંડ વિક્રેતાઓ, ઝવેરીઓએ પોતાના લાખો કેરેટ્સના કરોડો રૂપિયાના ઝગમગતા હીરા તેમજ ઝવેરાતનું એવું ડિસ્પ્લે કર્યું હતું કે દેશ વિદેશના ખરીદારોએ તાબડતોબ ઓર્ડરો આપવા માંડ્યા હતા. કેરેટ્સ એક્ષ્પોના ઉદઘાટન સમારોહમાં સુરતના મેયર દક્ષેશ માવાણીએ એવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે જે રીતે દુબઇમાં શોપિંગ ફેસ્ટિવલ વિશ્વભરમાં વખણાય છે એની તર્જ પર સુરતમાં હીરા, કાપડ તેમજ અન્ય ઉદ્યોગકારોએ ભેગા મળીને 10-15 દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજવો જોઇએ, જેમાં સુરત મહાનગરપાલિકા, ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓ સહયોગી બનશે અને એ સુરતને એક આગવી ઓળખ આપશે. સુરત મેયરના આ પ્રસ્તાવમાં રાજ્યસભાના સાંસદ અને સુરતના મોટા હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ હામી ભરતા જણાવ્યું હતું કે મેયરે રજૂ કરેલા પ્રસ્તાવ પર કામ કરીને સુરતને નવી ઓળખ આપી શકાય અને વેપાર પણ વધારી શકાય.
સુરત એરપોર્ટની સામે આવેલા અવધ યુટોપીયા ખાતે આજથી ત્રણ દિવસ માટે શરૂ થયેલા લુઝ પોલિશ્ડ ડાયમંડના કેરેટ્સ એક્ષ્પોમાં સુરત અને મુંબઇના 53થી વધુ હીરાના વિક્રેતાઓ, ઝવેરાત ઉત્પાદકોએ પોતાની એક એકથી ચઢીયાતી પ્રોડ્કટ્સ તેમજ ઝગમગતા, ચમકદાર લાખો કેરેટ્સના હીરાને ડિસ્પ્લેમાં મૂક્યા હતા. આજે પહેલા જ દિવસે વિદેશી ખરીદારો માટે અનેક આર્ટિકલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એ પૂર્વે આજે કેરેટ્સ એક્ષ્પોના ઉદઘાટન સમારોહમાં ઉદઘાટન તરીકે રાજ્યસભાના સાંસદ ગોવિંધ ધોળકિયા તેમજ મુખ્યમહેમાન તરીકે મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા.
મેયર દક્ષેશ માવાણીએ સુરતમાં યોજાતા કાપડના એક્ષ્પો, ડાયમંડ એક્ષ્પો, ઝવેરાત એક્ષ્પો વગેરેને ઉલ્લેખ કરીને એક એવો આઇડીયા રજૂ કર્યો હતો કે જેના પર કામ કરવા માટે તમામે તૈયારી દર્શાવી હતી. તેમણે કહ્યું કે સુરત શોપિંગ ફેસ્ટિવલ યોજવો જોઇએ. હીરા ઉદ્યોગ, ટેક્ષટાઇલ ઉદ્યોગે ભેગા આવવું જોઇએ, સુરત મહાનગરપાલિકા પણ તૈયાર છે અને ચેમ્બર ઓફ કોમર્સ પણ તેને સપોર્ટ કરશે. 10થી 15 દિવસનો એવો શોપિંગ ફેસ્ટિવલ યોજવો જોઇએ કે દેશના અન્ય શહેરોના લોકો, વિદેશી ખરીદારો સુરત માણવા પણ આવે અને ખરીદવા પણ આવે. મેયરે કહ્યું કે સાડી, ડ્રેસ મટિરિયલ, દાગીના વગેરે ખરીદવા સાથે સુરત જેના માટે વખણાય છે એવી વાનગીઓ પણ ખરીદારો માણી શકે અને એ ફેસ્ટિવલ બે-ચાર દિવસ નહીં પણ એકાદ બે અઠવાડીયા જેટલો લાંબો ચલાવવામાં આવે. ટૂંકમાં મેયર દક્ષેશ માવાણીએ દુબઇ શોપિંગ ફેસ્ટિવલ તરફ ઇશારો કરતા જણાવ્યું કે શોપિંગ ફેસ્ટિવલથી સુરતની નવી ઓળખ વિકસાવી શકાશે અને વેપાર વાણિજ્યનો પણ વિકાસ કરી શકાશે. શોપિંગ ફેસ્ટિવલ જો સહિયારા ધોરણે થાય તો જે તે ઉદ્યોગોનો માર્કેટીંગ, બ્રાન્ડિંગનો પણ ખર્ચો વહેંચાય જશે એટલે ઓછા ખર્ચામાં સારું આયોજન થઇ શકશે.
મેયર પછી પોતાના ઉદબોધનમાં રાજ્ય સભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ પણ મેયરના પ્રસ્તાવ પર કામ કરવામાં હામી ભરી હતી. ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે શોપિંગ ફેસ્ટિવલ જેવા સહિયારા આયોજન કરવા જોઇએ. આ ઉપરાંત ગોવિંદ ધોળકિયાએ હીરા ઉદ્યોગ માટે સુરત ડાયમંડ એસોસીએશન જે પ્રકારે કામ કરી રહી છે તેવું સર્વસંમતિભર્યું કાર્ય ગુજરાતનું કોઇ વ્યાપારીક સંગઠન નથી કરી રહ્યું. 32 વર્ષમાં સુરત ડાયમંડ એસોસીએશનનો એકેય વિવાદ નથી અને પોઝિટીવ કામ કર્યે રાખ્યું છે.
સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ જગદીશ ખૂંટે જણાવ્યું કે પહેલા દિવસે જ ખરીદારોને જોરદાર રિસ્પોન્સ જોવા મળ્યો છે. વિદેશી સાથે દેશના અનેક રાજ્યોના ખરીદારો આજે કેરેટ્સમાં હીરા ખરીદવા માટે સુરત પહોંચ્યા હતા. પહેલા દિવસે 53 વિક્રેતાઓ પોતાના સ્ટોલ્સ પર જે પ્રકારના લુઝ પોલિશ્ડ ડાયમંડની રેન્જ ડિસ્પ્લેમાં મૂકી હતી એ જોઇને ખરીદારો ઉત્સાહમાં આવી ગયા હતા. આગામી તહેવારોની સિઝન તેમજ લગ્નસરા માટે ખરીદારોને જે પ્રકારના દાગીના બનાવવાના ઓર્ડર છે તેના માટે જરૂરી પોલિશ્ડ ડાયમંડની અવનવી રેન્જ, સાઇઝ, કલર, ક્લેરિટી, પ્યોરિટી મળી રહી છે. પહેલા જ દિવસે ખરીદારોને ઉત્સાહ જોતા આ વખતે કેરેટ્સ એક્ષ્પોમાં અત્યાર સુધીના સૌથી વધુ બાયર્સ ઉમટી પડે તેવું જણાય રહ્યું હોવાનું સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ જગદીશ ખૂંટે જણાવ્યું હતું.
પંજાબથી ઝવેરાત ઉદ્યોગકારોનું ડેલિગેશન ખાસ સુરત પહોંચ્યું
કેરેટ્સ એક્ષ્પોમાં પોલિશ્ડ ડાયમંડની ખરીદી માટે આજે પંજાબથી ખાસ હીરા ઝવેરાત ઉદ્યોગકારોનું એક ડેલિગેશન સુરત આવ્યું હતું. આ ડેલિગેશનમાં અખિલ ભારતીય સુવર્ણકાર સંઘના પ્રમુખ કાશ્મીરસિંઘ રાજપૂત, પંજાબ સુવર્ણકાર સંઘના પ્રેસિડેન્ટ અશ્વિની કુમાર, પંજાબ સુવર્ણકાર સંઘના જોઇન્ટ સેક્રેટરી ઇન્દ્રજીતસિંઘ સહિતના ડેલિગેશને જણાવ્યું કે સુરત કાચા હીરાને પોલિશ્ડ કરતું વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે અને કોઇપણ દાગીનો કે ઝવેરાત હીરા વગર શક્ય બનતું નથી એટલે હીરા માટે સુરત આવવું જ પડે. કાશ્મીરસિંઘ રાજપૂતે કહ્યું કે કેરેટ્સ ડાયમંડ એક્ષ્પોથી સુરત અને પંજાબના ઝવેરીઓ વચ્ચે એવું જોડાણ થયું છે કે હવે એ વ્યાપારીક સંબંધ કાયમી બનશે. કેરેટ્સ એક્ષ્પોમાં ઉપલબ્ધ વિશાળ રેન્જમાં લુઝ પોલિશ્ડ ડાયમંડ્સને કારણે પંજાબના લોકોની ઝવેરાતની રેન્જ પણ વધુ ચમકદાર બનશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
એક સદીથી વધુ જૂના ‘સાર્વજનિક ગણેશોત્સવ’ને ગુરુવારે સત્તાવાર રીતે ‘મહારાષ્ટ્રનો રાજ્ય ઉત્સવ’ જાહેર કરવામાં આવ્યો હતો, સરકારે ભારપૂર્વક જણાવ્યું કે, તે આ ઉત્સવના સાંસ્કૃતિક વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. વિધાનસભામાં આ બાબતની જાહેરાત કરતા સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારે કહ્યું હતું કે, ‘ગણેશોત્સવ ફક્ત એક ઉજવણી નથી. તે મહારાષ્ટ્રના સાંસ્કૃતિક ગૌરવ અને ઓળખનું પ્રતીક છે.’
પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સાર્વજનિક ગણેશોત્સવ (ગણેશ ઉત્સવની જાહેર ઉજવણી) 1893માં લોકમાન્ય (બાળ ગંગાધર) તિલક દ્વારા શરૂ કરવામાં આવી હતી. ‘આ ઉત્સવનો સાર સામાજિક એકતા, રાષ્ટ્રવાદ, સ્વતંત્રતાની ભાવના, આત્મસન્માન અને આપણી ભાષાના ગૌરવમાં રહેલો છે,’ એમ તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર રાજ્ય અને રાષ્ટ્રભરમાં ગણેશોત્સવના સાંસ્કૃતિક વારસાને સાચવવા, પ્રોત્સાહન આપવા અને ઉજવણી કરવા માટે પ્રતિબદ્ધ છે.
‘કેટલાક વ્યક્તિઓએ વિવિધ કોર્ટ અરજીઓ કરીને, ઉજવણીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરીને આ વર્ષો જૂની જાહેર પરંપરાને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહાયુતિ સરકારે ઝડપથી અને નિર્ણાયક રીતે આવા તમામ અવરોધોને દૂર કર્યા હતા,’ એમ તેમણે કહ્યું હતું. પહેલાની સરકારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)ની માર્ગદર્શિકા ટાંકીને પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ)ની મૂર્તિઓ પર નિયંત્રણો લાદ્યા હતા, પરંતુ વ્યવહારુ વિકલ્પો આપ્યા નહોતા. તેમના વિભાગે આ મુદ્દાને વધુ સંતુલિત દૃષ્ટિકોણથી ઉકેલ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
અમે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો શોધવા અને પીઓપી ખરેખર પર્યાવરણ માટે હાનિકારક છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે એક વ્યાપક અભ્યાસ શરૂ કર્યો. અમે રાજીવ ગાંધી વિજ્ઞાન આયોગ દ્વારા કાકોડકર સમિતિના માધ્યમથી ઊંડાણપૂર્વક અભ્યાસ શરૂ કર્યો હતો. ‘કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે તારણોને મંજૂરી આપી હતી અને અગાઉના પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા. કોર્ટના ચુકાદા મુજબ, હવે પીઓપી મૂર્તિઓ બનાવવા, પ્રદર્શિત કરવા અને વેચાણ કરવાની મંજૂરી છે, એમ તેમણે કહ્યું હતું.
ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે ગણેશોત્સવ પર સ્પષ્ટ અને સક્રિય વલણ અપનાવ્યું છે. પુણે, મુંબઈ અને રાજ્યભરમાં ભવ્ય ઉજવણી માટે પોલીસ સુરક્ષા હોય, માળખાકીય સુવિધાઓની જરૂરિયાતો હોય કે આર્થિક સહાય હોય, મહારાષ્ટ્ર સરકાર જરૂરી ખર્ચ ઉઠાવશે, એમ તેમણે જાહેર કર્યું હતું.
હું બધા ગણપતિ મંડળોને અપીલ કરું છું કે તેઓ તેમના ઉત્સવોમાં એવા વિષયોનો સમાવેશ કરે જે આપણા સશસ્ત્ર દળોનું સન્માન કરે, સામાજિક પહેલ, ‘ઓપરેશન સિંદૂર’, રાષ્ટ્રની વિકાસલક્ષી સિદ્ધિઓને પ્રકાશિત કરે અને આપણા મહાન નેતાઓને તેમના સુશોભન પ્રદર્શનોમાં શ્રદ્ધાંજલિ આપે, એમ શેલારે કહ્યું હતું. આ વર્ષે 10 દિવસનો ગણપતિ ઉત્સવ 27 ઓગસ્ટથી શરૂ થશે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ બુધવારે વિશ્વના દેશો પર લગાવેલી ટેરિફની યાદી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવ્યા પહેલા જ આ ટેરિફ લાગાવવાની વાત કરી હતી. જેનો હવે અમલ શરૂ થઈ ચૂક્યો છે. વિવિધ દેશોમાં પત્ર મોકલી ટેરિફ વિશેની માહિતી આપવામાં આવી રહી છે. પરંતુ આ યાદીમાં હાલ સુધી ભારતનું નામ સામેલ થયું નથી. જે ભારત માટે રાહતના સમાચાર છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંગે ચર્ચા ચાલી રહી છે. અમેરિકાએ અત્યાર સુધી લગભગ 20 દેશોને ટેરિફ પત્રો જારી કર્યા છે. આ પગલું વૈશ્વિક વેપાર નીતિઓમાં મહત્વનો ફેરફાર દર્શાવે છે, જેની અસર વિવિધ દેશોના અર્થતંત્ર પર પડી શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે છ વેપારી ભાગીદારોને ટેરિફ પત્રો મોકલ્યા અને વધુ દેશો પર આયાત ટેરિફ લાદવાની ચેતવણી આપી. અગાઉ 2 એપ્રિલે ભારતીય વસ્તુઓ પર 26 ટકા વધારાનો પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યો હતો, જેને 9 જુલાઈ સુધી 90 દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે આ નિર્ણયને 1 ઓગસ્ટ સુધી ટાળવામાં આવ્યો છે, જોકે 10 ટકા બેઝલાઇન ટેરિફ યથાવત્ રહેશે.
સોમવારે ટ્રમ્પ સરકારે બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, થાઇલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, કંબોડિયા, કઝાકિસ્તાન, લાઓસ, સર્બિયા અને ટ્યુનિશિયાનો ટેરિફ પત્રો મકલ્યા હતા. જ્યારે બુધવાર સુધીમાં લિબિયા, ઇરાક, અલ્જેરિયા (30 ટકા), મોલ્દોવા, બ્રુનેઇ (25 ટકા) અને ફિલિપાઇન્સ (20 ટકા)ને પણ ટેરિફ પત્રો મળી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે અગાઉ ભારત જેટલી ટેરિફ વસૂલે છે, તેટલી જ ટેરિફ લાદવાની વાત કરી હતી. જ્યારે દવાઓ આયાત પર 200 ટકા ટેક્સ લગાવવાની પણ ધમકી આપી હતી. જે ભારતીય દવા ઉત્પાદકો માટે ચિંતાનો વિષય છે. 2024-25માં ભારતની વૈશ્વિક દવા નિકાસમાં અમેરિકાનો હિસ્સો 31 ટકા હતો, જેનું કુલ મૂલ્ય 30 અબજ ડોલરથી વધુ હતું. 2024-25માં ભારત-અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 131.84 અબજ ડોલરનો હતો, જેમાં 86.51 અબજ ડોલરની નિકાસ અને 41.18 અબજ ડોલરનું વેપાર નોંધાયુ હતુ.
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ તારીખ 6 જુલાઇ રવિવારના રોજ સાંજે પાંચ કલાકે ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ ૧૦૦ ટકા ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. છેલ્લા થોડા દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ પડી રહ્યો હોય, શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતા તારીખ ૬ જુલાઇના સાંજે પાંચ કલાકે શેત્રુંજી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો.
ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ફરી એકવાર ૧૦૦ ટકા ભરાઈને છલકાઈ ગયો હતો. આ ચોમાસાની સિઝનમાં ડેમ બીજી વખત ઓવરફ્લો થયો હતો, જે સારા વરસાદનો સંકેત છે. ડેમ ભરાઈ જતાં, પાણીના નિયમન માટે તેના ૫૯ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. શેત્રુંજી ડેમમાં હાલ પણ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે 1800 ક્યુસેક પાણીની સતત આવક ચાલુ છે.
ડેમના દરવાજા ખોલવામાં આવતા, નીચાણવાળા વિસ્તારોમાં આવેલા પાલિતાણા અને તળાજા તાલુકાના ૧૭ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા. નદી કિનારે રહેતા લોકોને અને માછીમારોને સાવચેત રહેવા તથા નદીમાં ન જવા સૂચના આપવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
બર્મિંગહામના એજબેસ્ટન મેદાનમાં ભારતની 58 વર્ષના ટેસ્ટ વિજયની આતુરતાનો અંત
બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ 608ના ટાર્ગેટ સામે ૨૭૧માં સમેટાતા ૩૩૬ રનથી હાર્યું ભારતે જીત સાથે શ્રેણીમાં 1-1થી બરોબરી મેળવી : પ્લેયર ઓફ ધ મેચ કેપ્ટન ગીલ
બીજી ઈનિંગમાં આકાશ દીપની છ સાથે ટેસ્ટમાં કુલ 10 વિકેટ
રોહિત-કોહલીની નિવૃત્તિ અને બુમરાહ જેવા સ્ટાર બોલરની ગેરહાજરી છતાં પ્લેયર ઓફ ધ મેચ યુવા કેપ્ટન ગીલના ૨૬૯ અને ૧૬૧ રન તેમજ બીજી ઈનિંગમાં આકાશદીપની છ વિકેટની મદદથી ભારતે બર્મિંગહામમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૩૩૬ રનથી કારમો પરાજય આપ્યો હતો. આ સાથે બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારતના ટેસ્ટ વિજયના ૫૮ વર્ષના ઈંતજારનો આખરે અંત આવ્યો હતો અને ટીમ ઈન્ડિયાએ અહીં નવમી ટેસ્ટમાં આખરે જીતનું ખાતું ખોલાવ્યું હતુ.
ભારત બર્મિંગહામમાં ટેસ્ટ જીતનારી એશિયાની પહેલી ટીમ બની હતી. ભારતે જીતવા માટે આપેેલા ૬૦૮ રનના વિશાળ પડકારનો પીછો કરતાં ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં ૨૭૧ રન સમેટાઈ ગઈ હતી. આકાશ દીપે પ્રથમ ઈનિંગમાં ચાર અને બીજી ઈનિંગમાં છ એમ ટેસ્ટમાં કુલ ૧૦ વિકેટની સિદ્ધિ પણ મેળવી હતી.
કોઈ પણ ખાસ અપેક્ષાઓના ભાર વિના ઈંગ્લેન્ડ પ્રવાસે આવેલી ભારતની યુવા ટીમે સ્ટોક્સની ‘બાઝબોલ’ના વ્યુહને આંચકો આપતાં પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી લીધી છે. હવે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ તારીખ ૧૦મી જુલાઈ ને ગુરુવારથી લોર્ડ્ઝના મેદાન પર શરૂ થશે, જેમાં બુમરાહનું પુનરાગમન થવાનું છે.
પ્રથમ ઈનિંગમાં ૧૮૦ રનની લીડ બાદ ભારતે બીજી ઈનિંગ છ વિકેટે ૪૨૭ રને ડિકલેર કરી હતી. આ સાથે ઈંગ્લેન્ડને જીતવા માટે ૬૦૮ રનનો પડકાર મળ્યો હતો. જેની સામે ઈંગ્લેન્ડે ચોથા દિવસે જ ત્રણ વિકેટે ૭૨ રન કર્યા હતા. આજે પાંચમા અને આખરી દિવસે ભારતીય બોલરોએ વિકેટ ઝડપવાનો સિલસિલો જારી રાખ્યો હતો. વિકેટકિપર બેટસમેન જેમી સ્મિથે ૮૮ રન સાથે લડત આપી હતી. બુમરાહના સ્થાને ટીમમાં સમાવાયેલા આકાશ દીપે શાનદાર દેખાવ કરતાં છ વિકેટ ઝડપી હતી. સુંદરે ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સની નિર્ણાયક વિકેટ મેળવી હતી. સીરાજની સાથે જાડેજા-પ્રસિધ ક્રિશ્નાએ પણ એક-એક વિકેટ મેળવી હતી.
ભારતીય સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ અમેરિકાની કંપની પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ તેની રૂ. 4843 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ગઈકાલે 3 જુલાઈના રોજ એક વચગાળાનો આદેશ આપતાં જેન સ્ટ્રીટ ગ્રૂપ અને તેની પેટા કંપનીઓ – JSI ઈન્વેસ્ટમેન્ટ પ્રા. લિ., JSI2 ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લિ., જેન સ્ટ્રીટ સિંગાપોર પ્રા.લિ. અને જેન સ્ટ્રીટ એશિયા ટ્રેડિંગ લિ. પર સ્ટોક માર્કેટ ગતિવિધિઓ કરવા પર રોક મૂકી છે.
સેબીએ જણાવ્યું હતું કે, ઇકોસિસ્ટમમાં એકંદર વિશ્વાસ જાળવવા અને રોકાણકારોનું રક્ષણ કરવા માટે આ મહત્વપૂર્ણ છે. સેબીના વચગાળાના આદેશ અનુસાર, આ સંસ્થાઓ પર ઇક્વિટીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખરીદી, વેચાણ અથવા અન્ય કોઈપણ વ્યવહાર કરવા પર પ્રતિબંધ છે.
આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, જેએસ ગ્રૂપની સંસ્થાઓ દ્વારા કથિત રૂપે ગેરરીતિ આચરી કરવામાં આવેલી રૂ. 4843 કરોડની કમાણીને જપ્ત કરવામાં આવશે. આ રકમ જમા કરવા માટે ભારતની કોમર્શિયલ બેન્કમાં એસ્ક્રો એકાઉન્ટ ખોલવા નિર્દેશ આપ્યો છે. સેબીની મંજૂરી વિના આ એકાઉન્ટમાંથી રકમ ઉપાડી શકાશે નહીં.
ડિપોઝિટરીને આદેશ આપવામાં આવ્યો છે કે, સેબીની પૂર્વ મંજૂરી વિના કોઈપણ ડેબિટ કરવામાં આવે નહીં. બેન્કો, કસ્ટોડિયન, ડિપોઝિટરીને તમામ નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવાની ખાતરી કરવા આદેશ છે. સેબીએ પોતાના આદેશમાં અમેરિકાની કંપનીએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ મહિનાની અંદર કોન્ટેક્ટ બંધ કરી દે. જ્યાં સુધી એસ્ક્રો એકાઉન્ટમાં આ રકમ જમા કરવામાં નહીં આવે ત્યાં સુધી કંપની ભારતમાં પોતાની કોઈપણ સંપત્તિમાં કાર્યવાહી કે ટ્રાન્સફર કરી શકશે નહીં.
એપ્રિલ, 2024: સેબીએ મીડિયા રિપોર્ટ્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં જેન સ્ટ્રીટ ગ્રૂપ સાથે સંકળાયેલા કાયદાકીય વિવાદનો ઉલ્લેખ હતો. તેના પર ભારતીય ઈક્વિટી માર્કેટમાં પોતાની માલિકીની રણનીતિઓનો દુરૂપયોગ કર્યો હોવાનો આરોપ હતો.
23 જુલાઈ, 2024: એનએસઈને કોઈપણ માર્કેટનો દુરૂપયોગ થયો હોવા મામલે JS ગ્રૂપની ટ્રેડિંગ ગતિવિધિઓની તપાસ કરવા આદેશ આપ્યો હતો.
ઓગસ્ટ, 2024: સેબીએ 20 ઓગસ્ટના જેએસ ગ્રૂપ સાથે વાતચીત કરી અને જેએસ ગ્રૂપે 30 ઓગસ્ટે પોતાની ટ્રેડિંગ કામગીરી વિશે માહિતી આપી હતી.
13 નવેમ્બર, 2024: JS ગ્રૂપ ટ્રેડિંગ એક્ટિવિટી પર એનએસઈ તપાસ રિપોર્ટ રજૂ કર્યો
ડિસેમ્બર, 2024: સેબીએ સાપ્તાહિક ઈન્ડેક્સ ઓપ્શન એક્સપાયરીના દિવસે ગેરરીતિ પકડી પાડી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, અમુક કંપનીઓ ટ્રેડિંગમાં ગેરરીતિ આચરી રહી છે. જે અન્ય ટ્રેડર્સ માટે જોખમ ઉભુ કરી રહી હતી.
4 ફેબ્રુઆરી, 2025: અધિકારીઓેને જાણ થઈ હતી કે, જેએસ ગ્રૂપ સેબીના નિયમો વિરૂદ્ધ ટ્રેડિંગ કરી રહ્યું છે.
6 ફેબ્રુઆરી, 2025: સેબીના નિર્દેશાનુસાર, એએસઈએ જેન સ્ટ્રીટ સિંગાપોર પ્રા. લિ. અને તેની સંબંધિત કંપનીઓને શૉ કૉઝ નોટિસ પાઠવી હતી.
ફેબ્રુઆરી, 2025: જેએસ ગ્રૂપે 6 ફેબ્રુઆરી, 21 ફેબ્રુઆરી, 2025ના રોજ નોટિસનો જવાબ આપ્યો હતો.
15 મે, 2025: જેએસ ગ્રૂપે એનએસઈ દ્વારા શૉ કૉઝ નોટિસને અવગણતાં ઈન્ડેક્સ ઓપ્શન્સમાં મોટા પ્રમાણમાં રોકડ સાથે હેરાફેરી કરતાં જોવા મળી હતી. આરોપો સાબિત થતાં સેબીએ કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતના સરથાણા વિસ્તારમાં ઝોન 1 એલસીબી અને સરથાણા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ૧૨ આરોપીની ધરપકડ કરી હતી અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા ૧૨ શખસ પૈકી ૫ અમરેલી જિલ્લાના, ૪ ભાવનગર જિલ્લાના, ૧ ગીર સોમનાથનો અને ૨ મહારાષ્ટ્રના હોવાની વિગતો મળી હતી.
પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે ઉતરાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રૂદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ ગેંગ ચેઈનના માત્ર હુકમાં ૨૩ ટકા સોનું ઉમેરી દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ કારખાનું છેલ્લા બે વર્ષથી કાર્યરત હતું.
આ સમગ્ર રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક વાઘેલા સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેઇન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે, આરોપી હરીશ ખટાણા અને વિમલ નામના બે આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા.
સુરતના સરથાણા વિસ્તારમાં ઝોન 1 એલસીબી અને સરથાણા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ૧૨ આરોપીની ધરપકડ કરી હતી અને બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા ૧૨ શખસ પૈકી ૫ અમરેલી જિલ્લાના, ૪ ભાવનગર જિલ્લાના, ૧ ગીર સોમનાથનો અને ૨ મહારાષ્ટ્રના હોવાની વિગતો મળી હતી.
પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે ઉતરાણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રૂદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ ગેંગ ચેઈનના માત્ર હુકમાં ૨૩ ટકા સોનું ઉમેરી દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ કારખાનું છેલ્લા બે વર્ષથી કાર્યરત હતું.
આ સમગ્ર રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક વાઘેલા સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેઇન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે, આરોપી હરીશ ખટાણા અને વિમલ નામના બે આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા.
જ્વેલર્સના માલિકની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓ સુધી પહોંચી દરોડા પાડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પરથી ચાર ચેઈન, ચેઈન બનાવવાનું મશીન, અને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી છે. પોલીસે કુલ 12 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
ભારતીય રેલવેએ સૌથી મોટી જાહેરાત કરી છે. રેલવે બોર્ડે ટ્રેનના રિઝર્વેશન ચાર્ટને આઠ કલાક પહેલા તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંગે હવે રેલવેએ નિવેદન આપ્યું છે. રેલવેએ કહ્યું છે કે રેલવે બોર્ડ ટ્રેન રવાના થયાના આઠ કલાક પૂર્વે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એટલે બપોરના બે વાગ્યાના સુમારે પ્રસ્થાન કરનારી ટ્રેન માટે ચાર્ટ અગાઉના દિવસે રાતના નવ વાગ્યાથી તૈયાર કરવામાં આવશે.
નવા નિયમોની વિગતો જાણો
રેલવે બોર્ડે વિસ્તૃતમાં જણાવ્યું છે કે ટ્રેનના પ્રસ્થાનના આઠ કલાક પહેલાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર થશે. બપોરના 2 વાગ્યા પહેલાં રવાના થતી ટ્રેનનો ચાર્ટ આગલા દિવસે રાતના 9 વાગ્યે તૈયાર કરાશે. આ ઉપરાંત, પહેલી જુલાઈથી IRCTC વેબસાઇટ અને મોબાઇલ એપ પર માત્ર પ્રમાણિત યુઝર્સ જ તત્કાલ ટિકિટ બુક કરી શકશે. જુલાઈ 2025ના અંતથી તત્કાલ બુકિંગ માટે OTP આધારિત પ્રમાણીકરણ ફરજિયાત થશે, જેમાં ડિજિલૉકરમાં રજિસ્ટર્ડ આધાર (નંબર) અથવા અન્ય સરકારી IDનો ઉપયોગ થશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.