01/03/21 : વરિષ્ઠ નાગરિકોનું આજથી રસીકરણ

દેશમાં પહેલી માર્ચ, સોમવારથી ૬૦ વર્ષથી મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને ૪૫થી વધુ વયના અન્ય બીમારી ધરાવતા લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ થવાનું છે, પણ અનેક વરિષ્ઠ નાગરિકો હજી આ રસી લેવા અંગે અવઢવમાં છે અથવા તેઓને પૂરતી જાણકારીનો અભાવ છે.
કોરોનાના રસીકરણનો બીજો સૌથી મોટો તબક્કો શરૂ થવાનો છે ત્યારે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ખાનગી હૉસ્પિટલો કોવિડ-૧૯ની રસી માટે વધુમાં વધુ અઢીસો રૂપિયા લઇ શકશે.
સરકારી આરોગ્ય કેન્દ્રોમાં રસીકરણ વિનામૂલ્યે કરવામાં આવશે, પણ ખાનગી આરોગ્ય કેન્દ્રોમાં લોકોએ રસી મુકાવવાના અઢીસો રૂપિયા આપવા પડશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રસીનો ભાવ રૂ. ૧૫૦ છે અને સર્વિસ ચાર્જ તરીકે ખાનગી હૉસ્પિટલો અને કેન્દ્રો વધુમાં વધુ રૂ. ૧૦૦ લઇ શકશે. આ રીતે ખાનગીમાં રસી મુકાવનારને કુલ રૂ. ૨૫૦નો ખર્ચ કરવાનો રહેશે.
કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ બાબતની માહિતી આપી દીધી છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ૬૦થી વધુ વયની બધી જ વ્યક્તિ અને એકથી વધુ રોગ ધરાવતી ૪૫થી વધુ વયની કોઇપણ વ્યક્તિ ૧લી માર્ચથી કોવિડ-૧૯ની રસી મુકાવી શકશે અને એ માટે તેઓ ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
રસીકરણ માટે પોતાનું નામ નોંધાવવાની રીતો આ પ્રમાણે છે: પહેલી રીત ઑનલાઇનની છે અને આ રીત હેઠળ લાભકર્તા અગાઉથી પોતાનું નામ ઑનલાઇન નોંધાવી શકશે. આ માટે એમણે કો-વિન ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય ઍપ મારફત પોતાનું નામ નોંધાવવાનું રહેશે. આ પોર્ટલ અને ઍપ્સ પર સરકારી તેમ જ ખાનગી રસીકરણ કેન્દ્રોના નામ, રસીકરણ માટે નિયત કરેલા સમય અને તારીખની માહિતી આપેલી હશે. વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે સરકારી અથવા ખાનગી કેન્દ્રની પસંદગી કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.
બીજી રીત ઑનસાઇટ નોંધણીની છે. ઑનલાઇન નોંધણી ન કરાવી શકતી વ્યક્તિ રસીકરણ કેન્દ્ર પર જઇને પોતાનું નામ નોંધાવીને રસીકરણ કરાવી શકશે.
ત્રીજી રીત સંયુક્ત નોંધણીની છે અને એમાં ચોક્કસ જૂથનું રસીકરણ કરવા માટે નોંધણી કરવામાં આવશે. એ માટે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.
રસી મુકાવવા માગતા લાભકર્તા સરકારી કેન્દ્રમાં રસી મુકાવે કે ખાનગી કેન્દ્રમાં, એમણે રસીકરણ કેન્દ્રમાં નીચે જણાવ્યામાંથી કોઇપણ એક ફોટો આઇડી કાર્ડ સાથે લઇ જવાનો રહેશે. માન્ય ફોટો આઇડી કાર્ડમાં આધાર કાર્ડ, મતદાતા ઓળખપત્ર, ઑનલાઇન નોંધણીની બાબતમાં નોંધણી વખતે જણાવેલો ચોક્કસ ફોટો આઇડી કાર્ડ.
૪૫થી વધુ વયની અને ૫૯ વર્ષ સુધીની બહુરોગ ધરાવતી વ્યક્તિ પાસે નોંધણીકૃત મૅડિકલ પ્રૅક્ટિશનર્સ દ્વારા રોગ વિશે પ્રમાણિત સર્ટિફિકેટ, રોજગારનું પ્રમાણપત્ર/સત્તાવાર આઇડી કાર્ડ (ફોટો અને જન્મતારીખ સાથેનો કોઇપણ એક) હોવું જરૂરી છે.
જે વ્યક્તિ સરકારી કેન્દ્રોમાં રસી મુકાવવા જશે, એમને મફતમાં રસી આપવામાં આવશે. ભારત સરકાર રસીની કિંમત ચૂકવશે. કેન્દ્ર સરકાર જરૂરી રસી ખરીદીને પ્રત્યેક રાજ્યોને મોકલશે. ખાનગી કેન્દ્રો રસીકરણ માટે રૂ. ૨૫૦ની ફી લેશે,
રસીકરણ માટેની ખાનગી સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં જરૂરી સુવિધા વિશેના દિશાનિર્દેશ બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.
માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે વિશ્ર્વના સૌથી મોટા રસીકરણનો બીજો તબક્કો સોમવારથી શરૂ કરવામાં આવશે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયની કોઇપણ વ્યક્તિ (આપણા દેશમાં એ દસ કરોડથી વધુ નહીં હોય) અને ૪૫થી વધુ વયની વિવિધરોગ ધરાવતી વ્યક્તિને ૧૦,૦૦૦ સરકારી સારવાર કેન્દ્રો અને ૨૦,૦૦૦ ખાનગી હૉસ્પિટલોમાં રસી આપવામાં આવશે.
વિશ્ર્વનું સૌથી મોટું રસીકરણ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થયું હતું અને ભારતે ૧,૦૭,૬૭,૦૦૦ વ્યક્તિને પહેલા અને ૧૪ લાખ વ્યક્તિને બીજા તબક્કામાં રસી આપી હતી.
એ તબક્કે મુખ્યત્વે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી અને એમને બધાને સરકાર દ્વારા મફતમાં રસી આપવામાં આવી હતી. ભારતમાં રસીકરણ સફળ રહ્યું છે અને ભાગ્યે જ કોઇ ફરિયાદ આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


