CIA ALERT

તૌઉ’તે વાવાઝોડાએ 17/5/21એ મુંબઈને ધમરોળ્યું

Share On :

17/5/21 ને સોમવારે મુંબઈ સહિત પરાના વિસ્તારમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવવાને કારણે ઠેરઠેર પાણી ભરાઈ જવાના બનાવ બન્યા હતા, જ્યારે અમુક જગ્યાએ ટ્રેક પર વૃક્ષો ધરાશાયી થવાની સાથે પાણી ભરાઈ જવાને કારણે ટ્રેનસેવાને પણ રોકી દેવાની નોબત આવી હતી. આ ઉપરાંત, તોફાની પવનને કારણે ઍરપોર્ટ ખાતે ફ્લાઈટ્ સેવાને પણ સ્થગિત કરવામાં આવી હતી.

વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવવાને કારણે બૃહન્દ મુંબઈ મહાનગરપાલિકાએ બાંદ્રા-વરલી સી લિંકને બંધ રાખવાની જાહેરાત કરી હતી તથા તેના સ્થાને કારચાલકોને વૈકલ્પિક રસ્તે ટ્રાવેલ કરવાનો અનુરોધ કર્યો હતો. મોડી રાતેથી મુંબઈ સહિત પરાંના વિસ્તારમાં ઠેરઠેર વરસાદ પડવાથી પાણી ભરાઈ જવાની સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે સવારે સૌથી પહેલા મધ્ય રેલવેમાં ઘાટકોપર અને વિક્રોલી સ્ટેશનની વચ્ચે રેલવે ટ્રેક પર વૃક્ષની શાખા ધરાશાયી થવાથી ટ્રેનસેવાને રોકી દેવામાં આવી હતી. ટ્રેક પરથી વૃક્ષની શાખાઓને હટાવી લેવામાં આવ્યા પછી ટ્રેનસેવા લગભગ અગિયાર વાગ્યાના સુમારે ચાલુ કરવામાં આવી હતી, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું. આ ઉપરાંત, સીએસએમટી કોરિડોરમાં ભારે પવનને કારણે જીઆરપીની પોલીસ ચોકી નજીક એક્રેલીકની શીટ્સ તૂટી પડી હતી, પરંતુ તેમાં કોઈને જાનહાનિ થઈ નહોતી. આ ઉપરાંત, મેઈન લાઈન સિવાય હાર્બર લાઈનમાં ચુનાભટ્ટી અને ગુરુ તેગ બહાદુર વચ્ચે પણ બેનર તૂટી પડવાથી ઓવરહેડ

ઈલેક્ટ્રિક વાયરને અસર થઈ હતી, પરિમઆમે તાત્કાલિક ટ્રેનસેવાને રોકી દેવામાં આવી હતી. સવારના ૧૧.૪૫ વાગ્યા પછી હાર્બર લાઈનમાં ટ્રેનસેવાને ચાલુ કરવામાં આવી હતી, પરંતુ દિવસભર લોકલ ટ્રેનો ૨૦થી ૩૦ મિનિટ સુધી મોડી દોડતી રહી હતી, પરિણામે અત્યંત આવશ્યક સેવાની શ્રેણી હેઠળના પ્રવાસીઓને ટ્રેનમાં પ્રવાસ કરવામાં હાલાકી પડી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ભારે વરસાદને કારણે મસ્જિદ સ્ટેશન નજીક પાણી ભરાઈ જવાને કારણે મધ્ય રેલવેમાં સીએસએમટી-વડાલા વચ્ચેની હાર્બર લાઈનની ટ્રેનસેવાને સ્થગિત કરવામાં આવી હતી. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે બપોરના ૧.૨૦ વાગ્યાથી ટ્રેનસેવાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ટ્રાન્સહાર્બર તથા વડાલા-પનવેલ વચ્ચે ટ્રેનસેવાને ચાલુ રાખવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

બપોરના સમયગાળા દરમિયાન ડોંબિવલી ખાતે પણ રેલવે ટ્રેક પર ઓવરહેડ વાયરમાં સ્પાર્ક થવાનો કિસ્સો બન્યો હતો, પરિણામે વૃક્ષ બળીને ખાખ થઈ ગયું હતું. આમ છતાં તેને કારણે ટ્રેનસેવા પર અસર થઈ નહોતી. આ ઉપરાંત, ભારે વરસાદને કારણે સવારથી પશ્ર્ચિમ રેલવેમાં પણ ટ્રેનોને મર્યાદિત સ્પીડમાં દોડાવવામાં આવતી હતી, જ્યારે દહીંસર રેલવે સ્ટેશન નજીક એફઓબી ખાતે એક પ્લાસ્ટિકની ફાઈબર શીટ રેલવે ટ્રેક પર પડવાથી ટ્રેનસેવા પર અસર પડી હતી, જ્યારે બીજો બનાવ વિરારમાં ફાઈબરની શીટ ઓવરહેડ વાયર પર પડવાથી લોકલ ટ્રેનસેવા પર અસર પડી હતી, પરંતુ ઈમર્જન્સી બ્લોક લીધા પછી બપોર પછી ટ્રેનસેવા રાબેતા મુજબ ચાલુ રહી હતી. ચોમાસા પૂર્વે પાલિકા સહિત મુંબઈ રેલવેએ પણ તૈયારી ચાલુ કરી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે સાયન-કુર્લામાં રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેનોને મર્યાદિત સ્પીડમાં દોડાવાઈ હતી. મુંબઈમાં હિન્દમાતા સહિત અંધેરી સબવે સહિત મલાડ સબવેની નીચે પાણી ભરાઈ ગયા પછી પાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો તથા ત્યાંથી લોકોને અવરજવર કરવામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ભારે વરસાદ અને પવન ફૂંકાવવાને કારણે મુંબઈમાં સવારે લગભગ ૩૪ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા હતા, પરંતુ તેમાં કોઈ જગ્યાએ જાનહાનિના બનાવ બન્યા નહોતા. પાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ દ્વારા તકેદારીના ભાગરૂપે વિશેષ સ્ટાફને તહેનાત પણ કરવામાં આવ્યો હતો, એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

મોનો રેલની સર્વિસ સ્થગિત

ભારે વરસાદ અને પવન ફૂંકાવવાને કારણે મોનોરેલની દિવસભરની ટ્રેનસેવા સુરક્ષાના કારણસર બંધ કરવામાં આવી હતી. પ્રવાસીઓની સુરક્ષાના ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈ ઍરપોર્ટ બંધ

ચક્રવાતને કારણે મુંબઈમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવવાને કારણે શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ (સીએસએમઆઈએ)ને રાતના આઠ વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. પહેલા સવારના અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી ફ્લાઈટ્સ સેવાને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ બપોરના ચાર વાગ્યા પછી છ વાગ્યા પછી આઠ વાગ્યા સુધી એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. એરપોર્ટ પરની ફ્લાઈટ સેવાને બંધ રાખવાને કારણે અન્ય રાજ્યની ફ્લાઈટને ડાઈવર્ટ પણ કરવામાં આવી હતી. સ્પાઈસ જેટની ફ્લાઈટને સુરત, ઈન્ડિગોની ફ્લાઈટને લખનઊ પરત મોકલવામાં આવી હતી, જ્યારે ઈન્ડિગોની ફ્લાઈટને હૈદરાબાદ ખાતે ડાઈવર્ટ કરી હતી. કોરોનાના નિયંત્રણ માટે સરકારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યા પછી પણ પ્રવાસીઓની ઓછી ડિમાન્ડને કારણે રોજના ૨૫૦થી વધુ ફ્લાઈટ્સની અવરજવર રહે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :