ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે તા.4 જાન્યુઆરીએ રાજ્યની તમામ માધ્યમિક અને ઉ.મા. શાળાઓમાં આગામી તા.6 અને 7ના રોજ યોજાનારી દ્વિતિય એકમ કસોટીનો બીજો તબક્કો મુલતવી રાખવાની જાહેરાત કરી છે. સરકારી પરીપત્રમાં આ તારીખો 7 અને 8 દર્શાવવામાં આવી છે. શાળાઓમાં હાલ ચાલી રહેલા વેક્સીનેશનના કાર્યક્રમને અસર ન પહોંચે તે માટે પરીક્ષા મુલતવી રાખવામાં આવી હોવાનું કારણમાં જણાવાયું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગઇ તા.3થી શરૂ કરીને તા.8મી જાન્યુઆરી સુધી દ્વિતિય એકમ કસોટી લેવાનું આયોજન છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવી રહ્યા છે. પરંતુ, હાલમાં 15 કે તેથી વધુ વયના વિદ્યાર્થીઓનું વેક્સીનેશન શાળાઓમાં જ હાથ ધરવામાં આવ્યું છે. હાલ કોરોનાની વધી રહેલા કેસો જોતા બાળકોમાં વેક્સીનેશન થાય એ જરૂરી છે અને આ સંજોગોમાં જો શાળાઓમાં પરીક્ષાઓ યોજાશે તો વિદ્યાર્થીઓ પરીક્ષા માટે વેક્સીન નહીં મૂકાવે તેવો ભય હતો. આથી રાજ્ય સરકારના પરીપત્ર અનુસાર તા.7 અને 8 જાન્યુઆરીના રોજ લેવાનારી દ્વિતિય એકમ કસોટીની પરીક્ષાઓને જ મુલતવી રાખી દેવાનું એલાન કરી દીધું છે જેથી કરીને વેક્સીનેશનની કામગીરી ન ખોરવાય. હવે પછી આ પરીક્ષાઓની તારીખોનું એલાન કરવામાં આવશે.
