two names in birth certificate in gujarat Archives - CIA Live

September 27, 2024
guj-birth-certi.png
1min323

ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જન્મ મરણના દાખલામાં સુધારાને લગતા નિયમોમાં ફેરફાર મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય રજિસ્ટ્રારે બુધવાર 25મી સપ્ટેમ્બર 2024ના રોજ નવો પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં જન્મ-મરણ રજિસ્ટ્રેશનમાં વ્યક્તિના નામ કે અન્ય કોઈ સુધારા માટે એક વ્યક્તિના બે નામ હોય તો પણ જન્મ પ્રમાણપત્રમાં યથાવત રાખવા આદેશ કર્યો છે. જેના માટે બે નામની વચ્ચે ઉર્ફે એવો શબ્દ દાખલ કરવાની સૂચનાઓ અપાઈ છે.

આરોગ્ય કમિશનર અને મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ)ની સહીથી બુધવારે પ્રસિધ્ધ પરિપત્રમાં તમામ રજિસ્ટ્રારોને 12મી ઓગસ્ટ 2009 અને 18મી ફેબ્રુઆરી 2016 એમ બંને પરિપત્રો રદ કરવા કહેવામાં આવ્યું છે. આધાર કાર્ડ વગર નામ, તારીખ કે અન્ય કોઈ પણ સુધારણા માટે અરજદારોની અરજીને ધ્યાને લેવા સ્પષ્ટ આદેશ થયો છે. આથી, રજિસ્ટરમાં એન્ટ્રી કરતી વેળા કારકૂની ભૂલ થઇ હોય તે તેને પણ સુધારવી પડશે.

Dated 25/09/2024 કરાયેલા નવા પરિપત્રમાં મુખ્ય રજિસ્ટારે સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, નામ સુધારણાની અરજીનો નિર્ણય કરતી વખતે અરજદારની ઓળખની વિગતો, પિતાનું નામ, છેલ્લું નામ કે અટક અને જન્મતારીખ અથવા કોઈ એક અથવા તેમની કેટલીક બદલાવની માંગ કરી છે કે કેમ? તે બાબતો ધ્યાને લેવાની રહેશે. તેના માટે સર્મથનમાં અપાયેલા ફોટાવાળા ઓળખપત્રો કે ઓળખના અન્ય દસ્તાવેજો ધ્યાનમાં લેવાના રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી એક વ્યક્તિના બે નામો હોય કે અન્ય કોઈ સુધારાને તબક્કે તલાટીથી લઈને જિલ્લા રજિસ્ટ્રારના તંત્રમાં નોંધ નામંજૂર કરીને ઉપલાસ્તરે અપીલના આદેશો થતા હતા. હવે આ સુધારાથી અરજદારોને અપીલ અને તેની પ્રક્રિયામાંથી મુક્તિ મળી શકશે.

ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની કલમ 36 અનુસાર, જન્મ અને મરણના રજીસ્ટરમાં કરાવેલી નોંધ અનેક કામગીરીઓ માટે મહત્ત્વનો પૂરાવો છે. જેમાં જન્મ કે મરણ સર્ટિફિકેટમાં નોંધાયેલા નામમાં સુધારો કરવા બાબતે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે 30 જૂન 2015માં જાહેરનામું બહાર પાડ્યું હતું, ત્યારબાદ બુધવારે (25 સપ્ટેમ્બર) ગુજરાત આરોગ્ય સચિવ અને કમિશનર દ્વારા આ બાબતે જાહેરનામું રજૂ કરાયું છે. જે મુજબ નોંધણી રજીસ્ટ્રાર નામમાં ફેરફાર બાબતે ‘ઉર્ફે’ શબ્દનો ઉપયોગ કરી શકાશે. 

રાજ્ય સરકારે જન્મ-મરણ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરીને માન્ય રાખી હતી, પરંતુ તેમાં ઘણાં પેટા નિયમો અને ઘણી બાબતો બાકી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેનો ઉમેરો કરીને નાગરિકોની મુશ્કેલીને હળવી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ જન્મ અને મરણના પ્રમાણપત્રમાં બંને નામ લખવાના રહેશે, પરંતુ  બે નામનો સ્વીકાર ન હોય તો રજીસ્ટ્રાર પાસે પૂરાવા સાથે અરજી કરવાની રહેશે. રજીસ્ટ્રારે સુધારાની સત્યતા ચકાસીને બંન્ને નામો નોંધમાં લેવાના રહેશે.