સુરત સમેત રાજ્યના મોટા શહેરોના શિક્ષણમાં જેનો ભારે ઉપદ્રવ વધી ગયો છે એવા ધંધાદારી ટ્યુશન, કોચિંગ ક્લાસીસો પર સકંજો કસતા ગુજરાત સરકારે એક્ટ બનાવવાનો ઇરાદો ઘોષિત કરી દીધો છે અને એક્ટ તેમજ નીતિ નિયમો નક્કી કરવા માટે ગુજરાત બોર્ડના અધ્યક્ષની રાહબરી હેઠળ 8 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી આગામી બે મહિનામાં એક્ટ તૈયાર કરીને સરકારને સોંપશે અને પછી તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવશે.
શિક્ષણ વિભાગના સચિવે બહાર પાડેલા નોટિફિકેશનમાં નિર્દેશ કર્યો છે કે સ્પુરીમ કોર્ટે તા.25મી જુલાઇના રોજ આપેલા એક ચુકાદામાં રાજ્યમાં પ્રાઇવેટ કોચિંગ સેન્ટર, ટ્યુશન ક્લાસ માટે નિયમો બનાવવા આદેશ કર્યો છે. આ નિયમો માટે સૌથી પહેલી જરૂરીયાત એક્ટ અને તે અન્વયે નિયમોનો મુસદ્દો ઘડવાની છે. આથી ગુજરાત સરકારે 8 સભ્યોની એક કમિટીની રચના કરી છે. આ કમિટીમાં કુલ 8 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ, કમિશ્નર, શાળાઓના નિયામક અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓને સામેલ કરાશે. આ આઠ સભ્યોની સમિતિ ખાનગી ટ્યુશન વર્ગો માટે નિયમો અને ધારાધોરણોનો મુસદ્દો તૈયાર કરશે.
આ કાયદો ટ્યુશન ક્લાસની ફી, અભ્યાસક્રમ, સલામતીના ધોરણો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે. આ ડ્રાફ્ટ કાયદાનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શકતા અને જવાબદારી લાવવાનો છે, જે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુરૂપ હશે. આ કાયદો લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે થતાં શોષણથી રક્ષણ મળશે તેવી આશા છે. આ કાયદો ખાનગી ટ્યુશન ક્લાસની મનમાની પર લગામ કસશે અને એક સુવ્યવસ્થિત શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં મદદ કરશે.


આ કાયદાનો મુસદ્દો અંતિમ મંજૂરી અને અમલીકરણ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને સુપરત કરવામાં આવશે. સરકારની મંજૂરી બાદ આ કાયદો લાગુ થશે, જે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરુ કરશે.
સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવા મહાનગરો તેમજ નાના ટાઉનોમાં ટ્યુશન ક્લાસીસોના સંચાલકોનો એટલો વ્યાપક ઉપદ્રવ છે કે તેઓ સ્કુલોના સંચાલકોને તેમનો સમય બદલવા માટે બાનમાં લઇ રહ્યા છે. એથી વિશેષ ઉચ્ચતર માધ્યમિકમાં ખાસ કરીને ધો.11-12 સાયન્સમાં કોચિંગ ક્લાસીસોના સંચાલકો એટલા ફાટીને ધુમાડે ગયા છે કે તેઓ રેગ્યુલર સ્કુલોમાં એડમિશન નહીં લઇને પોતાના કન્ટ્રોલમાં ચાલતી ડમી સ્કુલોમાં એડમિશન લેવડાવી રહ્યા છે. આ બધી બાબતો પર એક્ટને કારણે સકંજો કસી શકાશે એમ મનાય રહ્યું છે.