CIA ALERT

Thursday Thought Archives - CIA Live

July 18, 2024
IMG_8637-1280x853.jpg
2min155
  • અનુમોદન અને સ્વીકારની અપેક્ષા જ માણસને દુઃખી કરે છે – થર્સ-ડે થોર્ટ
  • જીવનનું રૂપાંતરણ એ જ ગીતાજીનું કેન્દ્રબિંદુ છે.
  • માણસનું મન દલા તરવાડી જેવું છે. પોતાની રીતે જ જીવવા મન બનાવી લે છે. – કાનજી ભાલાળા
  • માણસ પોતે જ પોતાનો વકીલ છે જે હંમેશા નિષ્ફળતાનો બચાવ કરે છે. – ડો. બાલુભાઈ શેલડીયા
  • બીજાની ઈર્ષા કરવી તે વિકૃતિ છે – ડો. બાલુભાઈ શેલડીયા
  • શુદ્ધિકરણ અને ઉર્ધ્વીકરણએ સુખી થવાનો ખરો રસ્તો છે. – કાનજી ભાલાળા

સુખાકારી માટે લોકોને જીવનની નવી દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે નવા વિચારનું વાવેતર કરવામાં આવે છે. તા. ૧૮/૦૭/૨૪ ના રોજ વરાછા બેંક ઓડીટોરીયમ ખાતે યોજાયેલ ૭૦માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, આપણા વ્યક્તિત્વને નીખારીએ તો જ સુખનો અહેસાસ થઈ શકે. જયારે કોઈપણ પ્રકારનું અભિમાન જ માણસનું પતન કરે છે. માનસીક રીતે માણસ, માણસ સાથે અથડાય છે. ત્યારે દુઃખોના તણખા શરૂ થાય છે. માણસનું મન દલા તરવાડી જેવું છે. પોતે જ પોતાનો વકીલ છે. અને પોતે જ પોતાનો ન્યાયધીશ બની પોતાની રીતે જીવવા મન બનાવી લે છે. પરિણામ જીવનમાં સુધારો થતો જ નથી. કોઈ દોષ હોય, કોઈ ભૂલ હોય કે કોઈ ઘરના હોય વ્યક્તિ હંમેશા દોષનો ટોપલો બીજા ઉપર નાખતો હોય છે. માણસ પોતે જ સાચો છે. હું કહું તેમ જ થાય તે જ બરાબર છે. આવું માનતો વ્યક્તિ હંમેશા બીજાના અનુમોદનની અપેક્ષા રાખે છે. અપેક્ષા પ્રમાણે અનુમોદન ન મળે ત્યારે માણસ દુઃખી થાય છે.

નવો વિચાર આપતા કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે, અનુમોદન અને સ્વીકારની અપેક્ષા જ માણસના દુઃખોનું કારણ બને છે. સોશીયલમિડિયામાં મુકેલી પોસ્ટને લાઈક અનુમોદન ન મળે તો પણ માણસ દુઃખી થાય છે, આજે જે માણસ પાસે બધુ જ છે તેને પણ મોજ નથી. જયારે માણસ પોતાની મર્યાદા અને ભૂલોના અસ્વીકાર કરે છે. ત્યારે તેની પ્રગતિ અટકે છે. હંમેશા મર્યાદા સ્વીકારી સતત સુધરતા રહેવુ તે જ ખરૂ જીવન છે. શુદ્ધિકરણ અને ઊર્ધ્વીકરણ જ સુખી થવાનો ખરો રસ્તો છે. આપણે બીજાના દુઃખે દુઃખી થઈએ છીએ પરંતુ બીજાના સુખે સુખી થઈ શકતા નથી. આ ઈર્ષા ભાવ જ માણસને મોટું નુકશાન કરે છે. બીજાની ઈર્ષા કરવી તે વિકૃતિ છે. જે માણસને દુઃખી કરે છે.

કોલેજના નિવૃત આચાર્ય અને લેખક તથા ચિંતક એવા ડો. બાલુભાઈ એમ. શેલડીયા એ જણાવ્યું હતું કે, માણસ હંમેશા પોતાની જાતનો બચાવ કરતો હોય છે. કોઈ જગ્યાએ જવામાં મોડા પડે તો ટ્રાફિકનો દોષ, ઠેસ લાગે તો પથ્થરનો દોષ, દરેક કાર્યમાં પોતાની નિષ્ફળતાનો ટોપલો બીજા ઉપર ઢોળવામાં આવે છે. તેમને જણાવ્યું હતું કે, આપણે રસ્તામાં ખોવાયેલી નદી જેવા છીએ. આપણે સંયમના કિનારાને સ્વીકારવા તૈયાર જ નથી.. તેને કારણે દુઃખી છીએ. કોઈ પણ ભૂલ કે દોષની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી પરિણામે આપણામાં સુધારો થતો નથી. પ્રથમ કોઈ ભૂલ કે ખામી દુર કરવી તે શુદ્ધિકરણ અને પછી હંમેશા વિકસતુ રહેવું તે ઊર્ધ્વીકરણ છે. જીવનમાંથી વાસનાને દુર કરવી એ શુદ્ધિકરણ અને જીવનને સમદ્રષ્ટી સાથે એક કરી દેવું એ ઊર્ધ્વીકરણ. શુદ્ધિકરણ અને ઊર્ધ્વીકરણ સુખી થવાન રસ્તા છે. પોતાની પાસે નથી તે જોઈએ છે. પરંતુ બીજાની પાસે હોય તો તેની ઈર્ષા કરીએ છીએ.

આ વિરોધાભાસ માણસને વિક્ષિપ્ત કરે છે. ખરેખર દુનિયા વિરાટ પાગલખાનામાં રૂપાંતરિત થઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભૂલ નો અસ્વીકાર અને મર્યાદા ના ડરથી પ્રગતિ અવરોધાય છે. જાહેરમાં નહીં, તો કંઈ નહીં પણ માણસે મનમાં પોતાની ભૂલ નો સ્વીકાર કરવો જોઈએ. આપણી ભૂલને સ્વીકારવા ને બદલે એ ભૂલ માટે આપણે બીજાનું અનુમોદન માંગીએ છીએ. જસ્ટિફીકેશન આપીને ભૂલો ને આભૂષણ પહેરાવીએ છીએ એનું નામ માલએડજસ્ટમેન્ટ એટલે કુસુમાયોજન.
આપણા કર્મો જ આપણા સુખ-દુઃખનું કારણ છે. આપણે જે કંઈ પણ છીએ તે સ્વયં આપણા જ કર્મોનું ફળ છે. બાહ્ય પરિસ્થિતિનું પરિવર્તન કરીને ક્યારેય આપણે સુખી થઈ શકીએ નહીં. પરંતુ સત્યની શોધ કરવાને બદલે પોતાની જ માન્યતાને સાચી માનવી એ પ્રગતિને રોકે છે. સફળતા માટે પરિવર્તન સ્વીકારવું અનિવાર્ય છે. જે કુદરતના ઉત્ક્રાંતિના નિયમને પ્રતિબિંબિત કરે છે. આપણી જાતને રૂપાંતરણ કર્યા વગર આ સંસારમાં સુખી થવું તે અશક્ય છે. સ્થગિતતા નું બીજું નામ એટલે મૃત્યુ. જ્યારે જીવનનું રૂપાંતરણ એ જ ગીતાનું કેન્દ્રબિંદુ છે

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર પટેલ બોર્ડીંગના પ્રમુખ અને રાજકોટ પીપલ્સ કો-ઓપરેટીવ બેન્કના સ્થાપક ચેરમેન શ્રી શામજીભાઈ ખુંટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ હંમેશા નીડરતાથી જીવ્યા છે. તેમનું સૂત્ર છે કે, “જીવવું તો ડરવુ નહિ અને ડરવુ તો જીવવુ નહિ”. શ્રી શામજીભાઈ ખુંટ તથા તેમના પત્ની ભગવતીબેનનું ખાસ અભિવાદન કરવામાં આવ્યું હતું. ગત ગુરુવારનો વિચાર રજુ કરતા અંકીતભાઈ બુટાણીએ જણાવ્યું હતું કે, “જીવનને નીરોગી રાખવું તે આપણી પ્રાથમિક ફરજ છે”. કાર્યક્રમનું સંચાલન હાર્દિક ચાંચડે તથા વ્યવસ્થા વરાછા બેંકની ટીમ અને યુવાટીમે સંભાળી હતી.