સુરત ડાયમંડ બુર્સમાં મિનીબજાર કે મહિધરપુરા હીરા બજાર (દલાલ સ્ટ્રીટ) જેવો માહોલ ઉભો કરવાનો પ્રયાસ
સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન અને પ્રવક્તા ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલનો વિડીયો મેસેજ
હીરા બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઇ પટેલે કહ્યું કે સુરત હીરા બુર્સમાં દલાલ મહિધરપુરા અને મિનિબજારમાં જે રીતે નાના વેપારીઓ, દલાલો હીરાની લે-વેચ કરી રહ્યા છે તેવી જ રીતે તેઓ સુરત ડાયમંડ બુર્સમાં હીરાની લેવેચ કરવા આવી શકે તે માટે તેમને ટેબલ ખુરશી મૂકી શકાય તેટલી જ જગ્યા કે નાના વેપારીને ફક્ત ત્રણ ચાર લોકો બેસી શકે તેવી 50 સ્કે.ફૂટ જેટલી નાની ઓફિસની જગ્યા પણ એલોટ કરવામાં આવી રહી છે. એથી વિશેષ કતારગામ અને મિનિબજારથી દરરોજ સુરત ડાયમંડ બુર્સ સુધી નોન સ્ટોપ બસ સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે. દર દોઢ કલાકે બસ સુવિધા ઉપલબ્ધ બનશે જેથી કરીને હીરાના કારોબાર સાથે સંકળાયેલા નાના સ્તરના વ્યવસાયીઓ, ધંધાર્થીઓ પણ સુરત ડાયમંડ બુર્સમાં કામકાજ કરવા માટે ડેઇલી આવી શકે.
વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ કે વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલું સુરતના ખજોદ સ્થિત ડાયમંડ બુર્સમાં આજે અષાઢી બીજના પવિત્ર દિવસે સુરતના 250 દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓએ પોતાની હીરા વેચાણની ઓફિસો શરૂ કરી હતી. આ સાથે જ વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગમાં માણસોની અવરજવર વધે તે માટે મોટું પરિવર્તન એ કરવામાં આવ્યું કે હવે સુરત ડાયમંડ બુર્સમાં નાનામાં નાના હીરા દલાલ કે જેને ઓફિસની જરૂર નથી તેના માટે એક ટેબલ ખુરશી જેટલી જગ્યા પણ ફાળવવામાં આવશે અને નાના વેપારી કે જેને માંડ 50 ચો.ફૂટ જેટલી નાની ઓફિસની જરૂરીયાત છે તેમને 50 સ્કે.ફૂટ જેટલી નાની ઓફિસ પણ ફાળવી આપવામાં આવશે.
21મી નવેમ્બર 2023ના દિવસે સુરત ડાયમંડ બુર્સના તત્કાલિન ચેરમેન કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. પટેલે પોતાની ઓફિસ સાથે કેટલાક હીરા ઉદ્યોગપતિઓએ પણ પોતાની ઓફિસો શરૂ કરી હતી. એ પછી પહેલા તબક્કાનું ઉદઘાટન હીરા બુર્સને ધમધમતું કરી શક્યું નહીં એટલે આજે બીજા તબક્કામાં 7મી જુલાઇને અષાઢી બીજનો દિવસ પસંદ કરીને સુરત ડાયમડં બુર્સના વર્તમાન ચેરમેન ગોવિંદ ધોળકિયા સમેત 250 હીરા ઉદ્યોગપતિઓએ સુરત ડાયમંડ બુર્સમાં પોતાની ટ્રેડીંગ ઓફિસ શરૂ કરી છે. સુરત હીરા બુર્સનો વહીવટ કરી રહેલા વર્તમાન પદાધિકારીઓએ આ પ્રસંગે જણાવ્યું કે રાતોરાત હીરા બુર્સની બધી ઓફિસો શરૂ થઇ જાય તેવી સ્થિતિ નથી.
સુરત હીરા બુર્સના સેકન્ડ ઓપનિંગ પ્રસંગે ચેરમેન અને રાજ્યસભાના સભ્ય ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે દિવાળી સુધીમાં 1000 ઓફિસ શરૂ થઇ જશે તેવી મને આશા છે, આગામી એક વર્ષમાં 2000થી વધુ ઓફિસો શરૂ થઇ જશે. 4 હજાર ઓફિસો શરૂ થતા 2,3, 4 વર્ષ પણ લાગી જાય તેવી સ્થિતિ છે.
