
ઉમરગામ થી મહેમદાબાદ, સમગ્ર સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના અમુક ભાગોના બનેલ રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ની ૧૦૫ કલબોના ૧૬૦૦ થી વધુ પ્રતિનિધિઓની હાજરીવાળી ડિસ્ટ્રિકટ કોન્ફરન્સ જોધપુર ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઇ.
રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ના ડિસ્ટ્રિકટ ગવર્નર રોટેરિયન તુષાર શાહ અને ફર્સ્ટ લેડી નેહલબેન શાહના નેતૃત્વમાં આયોજિત થયેલી આ કોન્ફરન્સમાં રોટરી આંતરરાષ્ટ્રીય પ્રમુખના પ્રતિનિધિ તરીકે ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નર મેહુલભાઈ રાઠોડ (અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત અન્ય મહાનુભાવોમાં ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ કલ્યાણ બેનરજી (વાપી), ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડીરેકટર ડૉ. મનોજ દેસાઈ (બરોડા) ઉપરાંત ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નરશ્રીઓ નિહિર દવે (આણંદ), શ્રીકાંત ઇન્દાની (દોંડાઇચા), સંતોષ પ્રધાન (સુરત), પ્રશાંત જાની (સુરેન્દ્રનગર), અનિષ શાહ (વલસાડ), પિન્કીબેન પટેલ (બરોડા), રુચિર જાની (વાપી), હિતેશ જરીવાલા (સુરત), જતીન ભટ્ટ (બરોડા), પરાગ શેઠ (ભરૂચ), દેવાંગભાઈ ઠાકોર (ભરૂચ), સુરેન્દ્રસિંહ રાજપૂત (સરીગામ), આશિષ રૉય (વાપી), આશિષ અજમેરા (ધુલિયા), ડૉ. નિલાક્ષ મુફતી (વલસાડ), ડિસ્ટ્રિકટ ગવર્નર ઇલેકટ અમરદીપ બુનેટ (ભરૂચ), ડિસ્ટ્રિકટ ગવર્નર (૨૦૨૭-૨૮)-આશિષ પટવારી (ધુલિયા) ઉપરાંત જેમણે પોતાની સમગ્ર સંપત્તિ રોટરીવાદને સમર્પિત કરી દીધી છે તેવા મેક્સિકોના લેડી રોટેરિયન ડેલ (DALE) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્દઘાટન સમારોહના ચીફ ગેસ્ટ દેવદત્ત પટનાયકે “માઈથોલોજી” વિષય પર મનનીય પ્રવચન પ્રસ્તુત કર્યું હતું.

ઇન્દોરના પ્રસિદ્ધ નાદયોગ ગુરુકુલના કલાકારોએ અદ્દભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો, જયારે દેશના ટોચના વાંસળીવાદક તેજસ અને તબલાવાદક મિતાલીજીના સાનિધ્યમાં પ્રસ્તુત થયેલ કાર્યક્રમે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ઉદ્દઘાટન સમારોહ બાદ પર્વતારોહક અજીત બજાજે તેમના અદ્વિતિય સાહસોની સનસનાટીભરી સાહસ કથા પ્રસ્તુત કરી હતી.
ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ કલ્યાણ બેનરજીના જીવન અને કવન પર આધારિત વાતોને સૌ વધાવી લીધી હતી.
માનવતા માટે નાણાંનો અવિરત સ્ત્રોત વહેવડાવનાર રોટેરિયન મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અધિવેશનના બીજા દિવસે લેફટનન્ટ કર્નલ કે. જે. એસ. ધિલ્લોને “કહાની : ઝમીર અને ઝનૂન કી” વિષય પર ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડિરેકટર મનોજભાઈ દેસાઈની સાથે રહીને રસપ્રદ પ્રશ્નોત્તરીના સથવારે સૌને અત્યાર સુધી નહિ ખબર હોય તેવી અનેક વાતોને પ્રસ્તુત કરી હતી.
વંદે ભારત ટ્રેનના પ્રેરણાસ્ત્રોત સમા સુધાંશુ મણિએ ઝુમના માધ્યમ દ્વારા “લીડરશીપ અને ઇનોવેશન” વિષય પર અસરકારક વકતવ્ય પ્રસ્તુત કર્યું હતું.
આ અધિવેશનના મુખ્ય આકર્ષણ સમા કેરલના રાજ્યપાલ શ્રી આરિફ મહંમદ ખાને પોતાની વિધ્વત્તાભરી શૈલીમાં “જીવનના મૂલ્યો”ને સમજાવ્યા હતા અને દેશની નામાંકિત સંગીત કલાકાર સન્મુખા પ્રિયાએ અભૂતપૂર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરીને સૌને ડોલાવી દીધા હતા.
અધિવેશનના ત્રીજા દિવસે જાણીતા ડાયેટિશિયન જીનલ શાહે “આદર્શ જીવનશૈલી” વિષય પર અર્થસભર વાતો પ્રસ્તુત કરી હતી. ખાસ કરીને માણસના આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે કયા પ્રકારના ખોરાકો ખાવા જોઈએ અને કયા પ્રકારના ખોરાકો નહિ ખાવા જોઈએ તે વિષયે ઊંડાણથી સમજ આપી હતી.
હિંદી ફિલ્મ જગતના મહાન હાસ્ય કલાકાર રાકેશ બેદીએ “આપણા સૌના મૂળિયા” (Roots) વિષય પર સતત ૪૫ મિનિટ સુધી અકલ્પનિય પ્રવચન આપ્યું હતું.
રોટરીના મૂળભૂત સાત સિદ્ધાંતો અને તેના અસરકારક પાલનને કારણે સમાજને થઇ રહેલા ફાયદાઓ વિશે વિવિધ વિશેષજ્ઞોએ અર્થસભર વકતવ્યો પ્રસ્તુત કર્યા હતા. જેમાં ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડિરેકટર કમલ સંઘવી સહિત અન્ય મહાનુભાવોનો સમાવેશ થયો હતો.
આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે કોન્ફરન્સ ચેરમેન કેતન પટેલ (વાપી), કોન્ફરન્સ કો-ચેરમેનો શ્રીમતી રાનુબેન અજમેરા (ધુલિયા) અને ચિરાગ ગાંધી (સુરત), કોન્ફરન્સ સેક્રેટરી પંકજ શાહ (વડોદરા), રોટરી કલબ ઓફ સુરત તાપીના પ્રમુખ નિધી પચ્ચીગર (સુરત), ડિસ્ટ્રિકટ સેક્રેટરી રૂપલ દામાણી અને કોન્ફરન્સની સમગ્ર ટીમે નિષ્ઠાવાન પ્રયત્નો કરીને આ કોન્ફરન્સને સફળ બનાવી હતી.