કેટલાક અણસમજુ લોકોએ નેશનલ એજ્યુકેશન પોલિસીનું સાવ જ ખોટું અર્થઘટન કરીને એવી વાતો ફેલાવી કે આગામી શૈક્ષણિક વર્ષ 22-23થી ધો.10 બોર્ડની પરીક્ષાઓ નીકળી જશે. વાલીઓએ પણ ધડમાથા વગરની આ વાત મોટા પાયે માની લીધી અને એ પ્રમાણે પોતાના સંતાનોને પણ માહિતી આપીને ખુશ કરી દીધા. પરંતુ, મળતી માહિતી મુજબ આવી કોઇ જ વાત નથી. હવે તો ગુજરાત બોર્ડે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે નેશનલ એજ્યુકેશન પોલિસીને કારણે ધો.10ની પરીક્ષા રદ થાય કે થશે તેવી કોઇ જ શક્યતા નથી અને ધો.10ની પરીક્ષાઓ બોર્ડ દ્વારા જ લેવામાં આવશે.
બોર્ડે જણાવ્યું છે કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે. વર્તમાન મૂલ્યાંકલન પ્રણાલીની નુકસાનકારક અસરોના નિર્મૂલન માટે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે બોર્ડની પરીક્ષાઓની માળખાની પુનઃરચના કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના વ્યક્તિગત હિતોના આધારે ઘણા વિષયમાંથી બોર્ડની પરીક્ષાના વિષયો પસંદ કરી શકશે. બોર્ડની પરીક્ષાઓ સરળ બનાવવામાં આવશે.
ગુજરાત બોર્ડે ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં કરેલી સ્પષ્ટતા આ મુજબ છે


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB- ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા આ અંગે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જે પ્રમાણે, ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે. આ પરીક્ષાઓના માળખાની પુનઃરચના કરવામાં આવશે.
દેશમાં આગામી દિવસોમાં નવી એજ્યુકેશન પોલિસી લાગુ થવાની છે. ત્યારે આ નવી વ્યવસ્થામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા કાઢી નાખવામાં આવશે તે મુદ્દો ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો હતો. ધોરણ 8 અને ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ બોર્ડની પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. વાલીઓમાં ગેરસમજ ન ઉભી થાય તે માટે જ શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી દીધી છે.