
યુપીની વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા બાદ આજે પીએમ મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ 2022માં ચૂંટણી યોજાવાની છે ત્યારે એક રીતે પીએમ આજે ભવ્ય રોડ શો કરીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આરંભ કરી રહ્યા છે. એરપોર્ટથી કમલમ સુધી થનારા આ રોડ શોમાં રસ્તાની બંને તરફ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો પણ પીએમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય મુલાકાત સાથે વર્ષના અંતે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ માહોલ તૈયાર કરવા માંગે છે. PMના આગમન સાથે વિશાળ રોડ શો અને ત્યારબાદ સાંજે 2 લાખ જેટલા ચૂંટાયેલા પંચાયત પ્રતિનિધિઓની મેગા રેલી પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજીને ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વગાડશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
રાજ્યના બીજેપી હેડક્વાર્ટરમાં શુક્રવારે બપોરે અનેક જુદી જુદી ચર્ચાઓ અને બેઠકો યોજાશે. કારણ કે પીએમ મોદી રાજ્યમાં ભાજપની સરકારના અવિરત 24 વર્ષના લાંબા કાર્યકાળ પછી પણ ગુજરાતમાં સત્તા જાળવી રાખવા માટે પાર્ટીની વ્યૂહરચના તૈયાર કરશે. PM મોદી આ માટે આજે CM ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના મંત્રીઓ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને અન્ય ટોચના પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને રાજ્યમાં પાર્ટીને વધુ એક જીત અપાવવા માટે પાર્ટીના ટોચના નેતાથી લઈને અદના કાર્યકર સુધીની તમામ મશીનરીને દોડતી કરવાની શરૂઆત કરશે.