
સુરક્ષાના કારણસર ગુજરાતની તમામ પ્રાથમિક સ્કૂલમાં તા.27મી ઓગસ્ટ 2024ને મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી તા.27મી ઓગસ્ટને મંગળવારે તમામ સરકારી ગ્રાન્ડેટ, નોન ગ્રાન્ટેડ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલને બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે.
ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે ચેતવણી આપી છે કે આગામી૨-૩ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. છેલ્લા ૪૮ કલાકમાં ભારે વરસાદ વચ્ચે, ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર આવ્યું છે, જેના કારણે સેંકડો રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ વિસ્થાપિત કરવાની ફરજ પડી છે.
ગુજરાતમાં ૫ જિલ્લા સિવાય સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના પાંચ જિલ્લા માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોમાંથી રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવા નિર્દેશ આપ્યા છે. તેમની ઓફિસે જણાવ્યું હતું કે ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલનો સમાવેશ થાય છે. દરમિયાન, મોરબી જિલ્લામાં એનડીઆરએફ દ્વારા ૭ વ્યક્તિઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સોમવારે સવારે ૬ વાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૫૬ મીમી વરસાદ નોંધાયો હતો. ૧૦૦ મીમીથી વધુ વરસાદ ધરાવતા અન્ય જિલ્લાઓમાં નર્મદા, સૌરાષ્ટ્ર, રાજકોટ, તાપી, મહિસાગર, મોરબી, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્ય સચિવે પ્રશાસનને શ્રાવણ માસ દરમિયાન આવનારા તહેવારોને કારણે જે વિસ્તારોમાં મોટી ભીડ થવાની સંભાવના છે તેવા વિસ્તારોમાં એલર્ટ રહેવા જણાવ્યું છે.