ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી) દ્વારા આજે ચાલુ વર્ષ માટેના ઇજનેરી કોર્સના પહેલા સેમેસ્ટરમાં પ્રવેશની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એક મહિના સુધી ચાલનારી ઇજનેરીની રજિસ્ટ્રેશન પ્રક્રિયાના નિયમમાં એક મહત્વનો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે મેરીટ તૈયાર કરવામાં ધો.12 ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સના કુલ પર્સન્ટાઇલના 50 ટકા અને ગુજકેટ પરીક્ષાના સ્કુલ પર્સન્ટાઇલ સ્કોરના 50 ટકા મળીને મેરીટ તૈયાર કરવામાં આવશે.
એડમિશન કમિટીએ કરેલી જાહેરાતમાં જણાવાયું છે કે એસીપીસી દ્વારા હાથ ધરાનારી પ્રવેશ પ્રક્રિયામાં મેરીટ કેલક્યુલેશનમાં ધો.12 અને ગુજકેટ બન્નેનું વેઇટેજ 50-50 ટકા રાખવામાં આવ્યુ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એવી માન્યતા હતી કે ગયા વર્ષે ગુજરાત બોર્ડ સહિત દેશના તમામ બોર્ડની 12ની ઓફલાઇન પરીક્ષા થઇ શકી ન હતી અને તેના કારણે ગુજરાત સરકારે ઇજનેરી, ફાર્મસીમાં મેરીટ પ્રિપેરેશનમાં ધો.12 થીયરી પર્સન્ટાઇલ અને ગુજકેટ પર્સન્ટાઇલનો 60-40નો રેશીયો બદલીને 50-50 કરી દીધો હતો.
આ વખતે એવી માન્યતા હતી કે ઓફલાઇન ટેસ્ટ યોજાઇ ગઇ છે એટલે સરકાર ફરીથી ધો.12 અને ગુજકેટનો રેશીયો 60-40 કરશે પરંતુ, એસીપીસીએ આજે એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે ઇજનેરી કોર્સમાં પ્રવેશ માટે ધો.12 અને ગુજકેટનું ભારણ 50-50 ટકા જ રહેશે.
સૂત્રો જણાવે છે કે ફાર્મસી અને એગ્રિકલ્ચરમાં ધો.12 અને ગુજકેટનું ભારણ 50-50 જ રહેશે પરંતુ, એસીપીસીએ હજુ સુધી સત્તાવાર રીતે આવી કોઇ જાહેરાત કરી નથી. હાલ ફક્ત ઇજનેરીમાં જ આ ભારણની જાહેરાત કરવામાં આવી છે.
Admission Announcement

