સુરતમાં અભૂતપૂર્વ મંદી, દિવાળી પછી ધંધા-રોજગાર સાવ ઠપ, મોટી પેઢીઓ મુશ્કેલીમાં
(Symbolic photo of Surat)
ગુજરાતની જ નહીં બલ્કે દેશની આર્થિક નગરી ગણાતું સુરત શહેર ગુજરાતના અમદાવાદ કે રાજકોટના મુકાબલે હાલના દિવસોમાં અભૂતપૂર્વ મંદીના દૌરમાંથી પસાર થઇ રહ્યું છે. દિવાળી પછી સુરતમાં ધંધા-રોજગાર હજુ સુધી શરૂ થઇ શક્યા નથી. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની સેંકડો દુકાનો શરૂ તો થઇ છે પણ લાભપાંચમ પછી કેટલીય દુકાનોમાં બોણી પણ થઇ નથી. વિવર્સ પાસે કામ નથી. મિલોમાં પણ પ્રોડકશન નહીંવત છે. સુરતના બાંધકામ ઉદ્યોગની તો આમેય દશા બેઠી છે. હીરા ઉદ્યોગમાં મોટા કારખાનાઓ પાસે ઠીકઠીક કામ છે, જ્યારે નાના કારખાના તો ડિસેમ્બરમાં શરૂ થાય તેમ છે.
ધંધો મળવાની આશા નથી એટલે નવું દેવું કોઇ કરતું નથી, કેપિટલમાંથી ખર્ચા કાઢતા વેપારીઓ
સૂત્રો જણાવે છે કે સુરતમાં દિવાળી પછી આ પ્રકારનો અભૂતપૂર્વ માહોલ 14 વર્ષ બાદ સર્જાયો છે. બજારમાં લિક્વિડીટી (કેશ ફ્લો)નો પ્રોબ્લેમ એટલી હદે વધી ગયો છે કે શહેરની જુની અને મોટી વેપારી પેઢીઓ નાણાં ભીડને કારણે તેમની કેપિટલ તોડવા માંડ્યા છે. કેપીટલ તોડીને કેટલાક ખર્ચને પહોંચી વળવાનું આયોજન કરી રહ્યા છે. બજારમાંથી કે બેંક પાસેથી નાણાં લઇને દેવું કરવાની જગ્યાએ મોટી પેઢીઓ કેપીટલ તોડી રહ્યા છે એ બાબત સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં પણ તેમના ધંધા રોજગાર ધમધમે તેવા કોઇ અણસાર દેખાતા નથી.
સૌરાષ્ટ્રવાસીઓ વતનથી પરત ફર્યા નથી
દિવાળીના પાંચ દિવસ પૂર્વેથી સુરતના લગભગ મોટા ભાગના કામ ધંધા બંધ થયા હતા, જે આજે 21 મી નવેમ્બર સુધી પણ પૂર્વવત થયા નથી. સુરતની સરખામણીમાં અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં દિવાળી વેકેશન બાદ ધંધા રોજગારની સ્થિતિ પૂર્વવત જોવા મળી રહી છે. સુરતમાં હજુ સુધી કેમ ધંધા રોજગાર શરૂ થયા નથી તે અંગે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. સુરતની ઇકોનોમીમાં સૌથી મોટું યોગદાન સ્વભાવિક છે કે સૌરાષ્ટ્રવાસીઓનું રહ્યું છે, સૌરાષ્ટ્રવાસીઓ દિવાળી નિમિત્તે વતન ગયા છે અને હજુ સુધી પરત ફર્યા નથી, આવી સ્થિતિમાં ધંધા રોજગાર સ્વાભાવિક છે કે ઠપ થઇ ગયા છે.
ટેક્સટાઇલ ટ્રેડર્સનો આખો દિવસમાં બોણી પણ થતી નથી
બીજી તરફ સુરતમાં બે મોટા ઉદ્યોગો પૈકી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદનથી લઇને વેચાણ સુધીની ચેઇન સાવ જ નિષ્ક્રીય પડી રહી છે. સાવ સામાન્ય કામ જોવા મળી રહ્યું છે. રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના સેંકડો દુકાનદારો એવા છે કે જેમને હાલના દિવસોમાં મોડી સાંજ સુધી બોણી પણ થતી નથી. માલ વેચાણની વાત તો દૂર રહી પણ પ્રોડકશન કરતા વિવર્સ કે પ્રોસેસર્સ પાસે પણ હાલમાં કામ નથી.
હજીરા રિલાયન્સમાં યાર્નનો ભરાવો, સ્ટોરેજ માટે જગ્યા નથી
આશ્ચર્યની વાત એ છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ છે એની પ્રતીતિ હજીરા સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કમ્પાઉન્ડમાં રોડ પર, જાહેરમાં ખડકાયેલા યાર્નના બોક્સ પરથી થઇને રહે છે, રિલાયન્સ હજીરા યુનિટમાં યાર્નનો ભરાવો થયો છે અને તેમની પાસે યાર્નના બોક્સ સ્ટોર કરવાના ગોડાઉનમાં માલનો ભરાવો એટલો થયો છે કે તેમણે ઓપન ગ્રાઉન્ડ પર યાર્ન સ્ટોર કરવું પડ્યું છે. સુરતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં રિલાયન્સ યાર્નનો મોટો હિસ્સો છે, એનું યાર્ન નથી વેચાતું એના પરથી પ્રતીતિ થાય છેકે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કેટલી મંદીમાંથી પસાર થઇ રહી છે.
રિયલ એસ્ટેટમાં અભૂતપૂર્વ નાણાં ભીડ
શહેરના બાંધકામ ઉદ્યોગ પર આમેય જીએસટી અને રેરાનો માર તો પહેલેથી જ હતો પણ દિવાળીના તહેવારોમાં જે ગેપ પડ્યો તેને કારણે મંદ ગતિએ ચાલતો રિયલ એસ્ટેટ બિઝનેસ હાલમાં મંદીની ગર્તામાં ધકેલાય ગયો છે. ઓન ગોઇંગ પ્રોજેક્ટસ કરી રહેલા બિલ્ડરો પ્રોજેક્ટ પૂરા કરે તો બુકિંગ કરાવનારાઓ પાસેથી પેમેન્ટ મળે તેમ છે, બીજી તરફ પ્રોજેક્ટ પૂરો કરવા માટે નાણાં નથી. નાણાં ભીડને કારણે હાલમાં બાંધકામ ઉદ્યોગ જબરદસ્ત મંદીમાં સપડાયેલો જોવા મળી રહ્યો છે. બિલ્ડર્સ આગેવાનો જણાવે છે કે અગાઉ દિવાળી બાદ જ્યારે કામ શરૂ કરવામાં આવે ત્યારે ટર્ન ઓવર પર થોડી અસર થતી પણ સાવ મંદીની સ્થિતિ ક્યારેય જોવા મળી ન હતી.
સુરતની ઇકોનોમી સ્લો ડાઉનની અસર સામાન્ય પરિવારો પર પણ પડી રહી છે. સામાન્ય પરિવારો પણ તેમના રોજબરોજના ખર્ચા પર અસાધારણ કાપ મૂકી રહ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
