CIA ALERT
18. May 2024

Related Articles



SMCનું રૂ.6,970 કરોડનું જલમગ્ન બજેટ : હવે 2 નહીં 3 કચરા પેટી રાખવી પડશે : ઇલેક્ટ્રીક વ્હીકલ વસાવનારાઓને મોટા ફાયદાઓ

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તાપી, દરીયો, કેનાલ, તળાવો, વરસાદી પાણીનો સંચય અને ખાડી જેવા વોટર સ્પોટને સ્પર્શતા પ્રોજેકેટ્સની ભરમાર સાથે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આજે સુરત મહાનગરપાલિકાનું કુલ રૂ.6,970 કરોડનું કોઇપણ પ્રકારના વેરા વધારાની દરખાસ્ત વગરનું આગામી નાણાંકીય વર્ષનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં ઉડીને આંખે વળગે તેવો એકેય નવો કેપિટલ પ્રોજેક્ટસ નથી. રિવરફ્રન્ટ, સુરત મહાનગરપાલિકાનું નવું વહીવટીભવન અને મેટ્રો રેલ જેવા શરૂ થઇ ચૂકેલા પ્રોજેક્ટ્સ માટે મોટી રકમની ફાળવણી અંદાજપત્રમાં કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે બજેટ રજૂ કરતા પહેલા એ વાતનો નિર્દેશ કર્યો હતો કે કોવીડ પેન્ડેમિકને કારણે બે વર્ષ બગડ્યા છે પરંતુ, પાલિકાના બજેટમાં ના તો કોવીડ-19ના કન્ટ્રોલ માટે કેટલો ખર્ચ થયો એની વિગત છે કે ના તો ભવિષ્યમાં કોવીડ મહામારીને પહોંચી વળવા માટે કોઇ જ જોગવાઇ કરાઇ હોવાનો નામોલ્લેખ બજેટમાં સુદ્દાં નથી.

જલ પર કેન્દ્રીત બજેટમાં ક્યાં કેટલી જોગવાઇ

  • તાપી શુધ્ધિકરણ        રૂ.354 કરોડ
  • રીવર ફ્રન્ટ ડેવ. રૂ.239 કરોડ
  • તાપી બેરેજ ડેવ.        રૂ. 30 કરોડ
  • ડુમસ સી ફેસ ડેવ.      રૂ. 50 કરોડ
  • ખાડી ડ્રેજિંગનું કામ     રૂ.116 કરોડ
  • કેનાલ પરના રસ્તા     રૂ. 80 કરોડ
  • તળાવોના વિકાસ       રૂ. 50 કરોડ
  • વરસાદી પાણી સંચય   રૂ. 75 કરોડ

સુરત મહાનગરપાલિકાનું ચાલુ હિસાબી વર્ષના રિવાઇઝ્ડ અને વર્ષ 2022-23 માટેના ડ્રાફ્ટ બજેટને આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ઘોષિત કરીને મુદ્દો હવે સ્થાયી સમિતિ સમક્ષ મોકલી આપ્યો છે. બજેટ રજૂ કરતા કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે મહાનગરપાલિકાનું આ બજેટ વોટર ફ્રન્ટ ડેવલપમેન્ટ પર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેમાં રિવરફ્રન્ટ ડેલપમેન્ટ, તાપી શુદ્ધિકરણ, ડુમસ બીચ ડેવલપમેન્ટ, કેનાલ કોરીડોર ડેવલપમેન્ટ, શહેરના 27 તળાવોનો વિકાસ તેમજ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ખાડી કિનારાના વિસ્તારોમાં રોડ ડેવલપમેન્ટ મળીને કમસે કમ રૂ.1500 કરોડથી વધુ રકમની જોગવાઇ જળ આધારિત પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવી છે અને એટલા માટે જ પાલિકાનું આગામી બજેટ જલમગ્ન કહેવાય રહ્યું છે.

મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આગામી વર્ષે સુરત મહાનગરપાલિકા ખજોદ સ્થિત સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટના વિકલ્પમાં નવી સાઇટને કાર્યાન્વિત કરવાનું આયોજન ધરાવે છે અને તેના માટે કુલ રૂ.250 કરોડની જંગી રકમની જોગવાઇ કરવામાં આવી છે.

બજેટના આવક જાવકના પાસાઓ પર પ્રકાશ ફેંકતા કમિશનરે કહ્યું હતું કે રૂ. ચાલુ વર્ષે મિલક્ત વેરા પેટે પાલિકાને કુલ રૂ.331.36 લાખ રૂપિયાની આવક થશે તેવો અંદાજ હતો પરંતુ, એ રિવાઇઝ બજેટમાં ઘટાડીને રૂ.306.79 કરોડ કરવામાં આવ્યો છે જ્યારે આગામી વર્ષ માટે મિલકતવેરા પેટે પાલિકાને કુલ રૂ.331.80 કરોડની આવક થશે તેવો અંદાજ બાંધવામાં આવ્યો છે. પાલિકાને યુઝર ચાર્જિસની આવકમાં ધરખમ વધારો થયો છે, પાલિકા પોતાની સેવાના બદલામાં શહેરીજનો પાસેથી ચાર્જ વસુલ કરી રહી છે એ યુઝર ચાર્જ પેટે ચાલુ વર્ષે પાલિકાને કુલ રૂ.745.85 કરોડની આવક થવાનો અંદાજ છે જેની સામે 2022-23ના વર્ષમાં યુઝર ચાર્જ પેટે પાલિકાને કુલ રૂ.806.52 કરોડની આવક થશે તેવી ગણતરી માંડવામાં આવી છે.

તાપી, દરીયો, કેનાલ, તળાવો, વરસાદી પાણીનો સંચય અને ખાડીને સ્પર્શતા પ્રોજેક્ટોની ભરમાર

2 ની જગ્યાએ હવે 3 કચરા પેટીઓ રાખવી પડશે

સુરત મહાનગરપાલિકાએ હાલમાં વિકસાવેલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (ઘન કચરાના નિકાલની) વ્યવસ્થા અન્વયે શહેરીજનોએ હાલમાં ભીના કચરા માટે એક અને સૂકા કચરા માટે એક એમ બે કચરાપેટી રાખવી પડે છે. પરંતુ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે હવે ત્રણ કચરા પેટી રાખવી પડશે. ત્રીજી કચરા પેટી હેઝાડર્સ વેસ્ટ, ઇ-વેસ્ટ, ડિજિટલ ગેડજેટ્સ વેસ્ટ વગેરે માટે પણ રાખવી પડશે. ટૂંક સમયમાં જ પાલિકા દ્વારા આ નવી સિસ્ટમ અન્વયે કચરો ઉપાડવામાં આવશે. આ માટે શહેરીજનોને પહેલા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

પાલિકાને 3616 કરોડની આવક ક્યાંથી થશે વાંચો અહીં

સુરત મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે હિસાબી વર્ષ 2022-23માં સુરત મહાનગરપાલિકાને રૂ.3616 કરોડની રકમ રેવન્યુ આવક પેટે મળશે. આ આવક ક્યાં ક્યાંથી મેળવશે તેના પર નજર કરીએ તો (1) જકાતની અવેજીમાં સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પેટે રૂ.820 કરોડ, (2) જનરલ ટેક્સમાંથી રૂ. 519 કરોડ (3) યુઝર ચાર્જ પેટે રૂ.838 કરોડ, (4) વાહન વેરા પેટે રૂ.88 કરોડ, (5) વ્યવસાય વેરા પેટે રૂ.160 કરોડ, (6) નોનટેક્ષ રેવન્યુ પેટે રૂ.931 કરોડ (7) ગ્રાન્ટ, સબસિડી અને કન્ટ્રીબ્યુશન પેટે રૂ.218 કરોડ અને (8) અન્ય આવક પેટે રૂ.42 કરોડ મળશે તેવા અંદાજોને કુલ રૂ.3616 કરોડની રેવન્યુ આવકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

કયા ઝોનમાં કેટલા રૂપિયાના વિકાસકામો થશે

ઝોન વિસ્તાર   ચાલુ વર્ષ       2022-23

  • વેસ્ટ ઝોન      35     37
  • સેન્ટ્રલ ઝોન    16     24
  • નોર્થ ઝોન      61     68
  • વરાછા એ      36     54
  • વરાછા બી      40     55
  • સાઉથ એ       43     41
  • સાઉથ બી      –       29
  • લિંબાયત       48     59
  • અઠવા ઝોન    67     72
  • હેડક્વાટર્સ      1674   2744
  • કુલ રૂપિયા      2020   3183
  • (નોંધ રકમ કરોડ રૂ.માં)

તાપી પર બેરેજ નિર્માણ માટેનું મૂહૂર્ત નીકળ્યું ખરું

છેલ્લા એક દાયકાથી જેની ફક્ત ચર્ચાઓ જ સંભળાયા કરતી હતી એ તાપી નદીની ડાઉન સ્ટ્રીમમાં ઉમરાથી ડુમસ વચ્ચે કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટના નિર્માણનું મૂહૂર્ત આખરે 2022માં નીકળ્યું છે. આજે પાલિકાનું બજેટ રજૂ કરતા સુરત મહાનગરપાલિકા કમિશનરે જણાવ્યું હતું કે તાપી નદીની ડાઉન સ્ટ્રીમમાં કન્વેન્શનલ બેરેજ બનાવવા માટેના ટેન્ડરો જારી કરી દેવામાં આવ્યા છે. તાપી નદી પર કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ કુલ રૂ.611 કરોડનો છે. અને ચાલુ વર્ષે આ બેરેજ માટે પાલિકાના બજેટમાં કુલ રૂ.25 કરોડની રકમની જોગવાઇ કરવામાં આવી છે. કમિશનરે એમ પણ કહ્યું કે કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર તરફથી કુલ રૂ.125 કરોડની રકમ ગ્રાન્ટ પેટે મળવાની છે.

નવું ઇલેક્ટ્રીક વાહન વસાવનારને ચાલુ વર્ષે કોઇ ટેક્સ નહીં, 3 વર્ષ પાર્કિંગ ફ્રી

સુરત મહાનગરપાલિકાએ શહેરમાં વાહનોથી વધતા પ્રદૂષણને અટકાવવા માટે ઇલેક્ટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે નીતિ ઘડી કાઢી છે. આગામી તા.1લી એપ્રિલથી ચાર વર્ષ માટેની અમલમાં મૂકાનારી નીતિમાં પહેલા વર્ષે ઇલેક્ટ્રીક વ્હીકલ વસાવનારને પાલિકાના ટેક્સમાંથી 100 ટકા મુક્તિ, બીજા વર્ષે 75 ટકા, ત્રીજા વર્ષે 50 ટકા અને ચોથા વર્ષે ઇલેક્ટ્રીક વાહન વસાવનારાઓને પાલિકાના ટેક્સમાંથી 25 ટકા મુક્તિ આપવાની ઘોષણા કરવામાં આવી છે. એવી જ રીતે નવા ઇલેક્ટ્રીક વાહન વસાવનારાને શહેરભરમાં આવેલા પાલિકાના કોઇપણ પાર્કિંગમાં ફ્રી ઓફ ચાર્જ સુવિધા આપવામાં આવશે. એથી વિશેષ ઇલેક્ટ્રીક વ્હીકલ ધારકોને એન્વારન્મેન્ટ ઇમ્પ્રુવમેન્ટ માટે લેવાતા તમામ ચાર્જમાંથી મુક્તિ આપવાની ઘોષણા આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ બજેટમાં કરી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :