CIA ALERT

SMC Election News : સુરતની ચૂંટણીના સમાચારો

Share On :

સુરત મ્યુનિની ચૂંટણીમાં ઉમેદવારીની પ્રક્રિયા પૂર્ણ, 484 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ અવધિ દરમિયાન કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા હતા. આજે પરત ખેંચાયેલા ઉમેદવારીપત્રોમાં વોર્ડ નં.3 વરાછાના બે કોંગ્રેસી ઉમેદવારો મુખ્ય હતા એ સિવાય બાકીના તમામ ઉમેદવારો અપક્ષ હતા. ઉમેદવારીની પ્રક્રિયા પૂર્ણ થતા હવે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 30 વોર્ડની 120 બેઠકો માટે હવે 484 ઉમેદવારો બાકી રહ્યા છે.

સુરતના તમામ રિટર્નિંગ ઓફિસરોએ બેલેટ યુનિટ માટેના બેલેટ પેપર પ્રિન્ટ કરવાની પ્રોસિજર હાથ ધરી દીધી છે. દરમિયાન આજે તમામ ઉમેદવારોને ચૂંટણી ચિન્હ ફાળવવાની વિધી પણ પૂર્ણ કરી દીધી હતી. સાથોસાથ ઉમેદવારોને ચૂંટણી ખર્ચ માટેની નોંધપોથી પણ ફાળવી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ક્લીયર થયેલા ચિત્ર બાદ હવે ઉમેદવારો પર નજર કરીએ તો ભાજપના કુલ 120 બેઠકો, કોંગ્રેસના 117 અને આમ આદમી પાર્ટીના કુલ 114 ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ ખેલાશે. સુરતમાં અપક્ષો અને અન્ય પક્ષોની કુલ 351 ઉમેદવારો છે. આમ, બધુ મળીને 484 ઉમેદવારો સુરતના ચૂંટણી જંગમાં ફાઇનલ થયા છે.

આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે વરાછા, લસકાણા વોર્ડ નં.3ની કોંગી પેનલ આખો દિવસ ચર્ચામાં રહી હતી. સવારથી જ આ વોર્ડના કોંગ્રેસી ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાના છે એવી વહેતી થયેલી વાતોને પગલે સુડા ભવન ખાતે હલચલ જોવા મળી હતી. આ વોર્ડમાં બે કોંગ્રી ઉમેદવારો જ્યોતિકાબેન સોજિત્રા અને કાનજીભાઇ ભરવાડે ઉમેદવારી આજે પરત ખેંચી લીધી હતી.

સૌથી વધુ ઉમેદવારો 28 ઉમેદવારો ડીંડોલી-ભેસ્તાન વોર્ડ નં. 28 અને સૌથી ઓછા ઉમેદવારો કરંજ-મગોબ ખાતે સૌથી ઓછા 12 ઉમેદવારો

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફાઇનલ થયેલા ચૂંટણી ચિત્રમાં હવે કુલ 30 વોર્ડ પૈકી સૌથી વધુ ઉમેદવારો કુલ 28 વોર્ડ નં.28 ડિંડોલી-ભેસ્તાન વોર્ડમાં ચૂંટણી જંગમાં છે. આ વોર્ડમાં 11 અપક્ષો છે જ્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના 4-4-4 ઉમેદવારો છે. સૌથી ઓછા ઉમેદવારો વોર્ડ નં.15 મગોબ ખાતે નોંધાયા છે અહીં ફક્ત 12 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે.

પાટીદાર પ્રભાવિત વોર્ડ નં.3માં બે કોંગી ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા

વરાછા, સરથાણા, સીમાડા, લસકાણા વિસ્તારમાં ભાજપને ટક્કર આપશે આમ આદમી પાર્ટી

અગાઉ પાસના નેતા ધાર્મિક માલવિયાએ જે વોર્ડમાં છેલ્લી ઘડીએ ઉમેદવારી કરવાનું ટાળ્યું હતું એ વરાછા, સરથાણા, સીમાડા, લસકાણા મ્યુનિસિપલ વોર્ડ નં.3માં આજે આશ્ચર્યજનક સંજોગો વચ્ચે કોંગ્રેસના એક મહિલા અને એક પુરુષ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. વરાછા રોડના મેઇન વોર્ડ ગણાતા આ વિસ્તારમાં હવે કોંગ્રેસ સ્પર્ધામાંથી બહાર નીકળી જવા પામી છે કેમકે કોંગ્રેસનો એક જ ઉમેદવાર બાકી રહ્યો છે, જ્યારે ભાજપને સીધી ટક્કર આપસે આમ આદમી પાર્ટીની પેનલ.

આજે બપોરે વેસુ સ્થિત સુડા ભવન ખાતેની વોર્ડ નં.3ના રિટર્નિંગ ઓફિસર જીબી મુગલપુરાની કચેરી ખાતે હલચલ મચી ગઇ હતી. કોંગ્રેસના ઉમેદવાર કાનજીભાઇ નાજાભાઇ ભરવાડે બિલકુલ હોહા કર્યા વગર ઉમેદવારી પત્રક પરત ખેંચવાની અરજી આપી કચેરી છોડી ગયા હતા. તેની થોડી મિનીટો બાદ આ જ વોર્ડના કોંગ્રેસના જ મહિલા ઉમેદવાર જ્યોતિકાબેન ચંદુભાઇ સોજિત્રા પણ ઉમેદવારીપત્ર પરત ખેંચવા સુડા ભવન ખાતે આવ્યા હતા.

જ્યોતિકાબેન સોજિત્રાએ તો પોતાના ઉમેદવારીપત્ર ખેંચવા માટે કોંગ્રેસના મોવડી મંડળ પર રોષ વ્યક્ત કરતા એલફેલ નિવેદનો કર્યા હતા. રડતા રડતા જ્યોતિકાબેન સોજિત્રાએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના મોવડીઓએ તેમની વીસ વર્ષની રાજકીય કારકિર્દી રોળી નાંખી છે. જ્યોતિકાબેનના પતિ ચંદુભાઇએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો હતો કે તેમની પેનલના ઘોષિત થયેલા ઉમેદવાર કાનજીભાઇએ સી.આર. પાટીલ સાથે સેટિંગ કરીને ટિકીટ મેળવી હતી અને હવે તેના ઇશારે જ રાજીનામુ આપી દીધું છે.

જ્યોતિકાબેને ઉમેદવારી પાછી ખેંચવા પાછળના કારણ અંગે કહ્યું કે તેમના વિસ્તારમાં જીતી શકે તેવા ઉમેદવાર નહીં આપતા તેઓ તેમની ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :