આજથી 13 એપ્રિલ સુધી સુરતમાં SGCCIની બે ઇવેન્ટ, ‘સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો– ર૦રપ’ અને ‘સુરત સ્ટાર્ટઅપ સમિટ– ર૦રપ’

Share On :

SGCCI દ્વારા તા. ૧૧થી ૧૩ એપ્રિલ, ર૦રપ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ડોમમાં ‘સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો– ર૦રપ’અને ‘સુરત સ્ટાર્ટઅપ સમિટ– ર૦રપ’યોજાશે

સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોમાં વિદ્યાર્થીઓ અને યુવા પેઢીને એક છત નીચે ગુજરાત અને ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમની જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા વિવિધ વિકલ્પો જોવાની એક મોટી તક મળી રહેશે.

ધો.10થી લઇને પોસ્ટ ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરી રહેલા અને ભવિષ્યમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ એજ્યુકેશન એક્ષ્પો અત્યંત મહત્વની માહિતી પૂરી પાડનાર બની રહેશે.

સ્ટાર્ટઅપ, એન્જલ ઇન્વેસ્ટરો અને સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકો એક છત નીચે એકત્રિત થશે, જેથી સ્ટાર્ટઅપને રોકાણકારો મળી રહેશે અને તેના થકી તેઓ પોતાના સ્ટાર્ટઅપને આગળ લઇ જઇ વધુ મજબૂત કરી શકશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૧૧, ૧ર અને ૧૩ એપ્રિલ, ર૦રપ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો– ર૦રપ’અને ‘સુરત સ્ટાર્ટઅપ સમિટ– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સુરત એ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે ત્યારે શહેરના આર્થિક વિકાસ માટે જેવી રીતે ઉદ્યોગ – ધંધાઓની પ્રગતિ જરૂરી છે એવી જ રીતે સમાજના ઉત્થાન માટે શિક્ષણ ક્ષેત્રે પણ વિકાસની એટલી જ જરૂર રહેલી છે. ખાસ કરીને માનવ સભ્યતા માટે સર્વશ્રેષ્ઠ શિક્ષણની શોધ હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. આધુનિક શિક્ષણની અસર સમગ્ર ભારતીય સમાજ પર દેખાય છે. માનવીને જીવનના વિકાસમાં શિક્ષણનું અત્યંત મહત્વ રહેલું છે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોના આયોજન પાછળ ઘણા હેતુઓ છે. સુરતના નાગરિકોને ડિજિટલ યુગમાં પ્રાથમિક શિક્ષણને સુધારવાનું મહત્વ સમજાવવા અને શિક્ષણના ક્ષેત્રમાં થઈ રહેલા ફેરફારોને અનુરૂપ બનાવવા, શિક્ષણ પ્રણાલીમાં ઉચ્ચતમ ધોરણો લાવવાના સામાન્ય ધ્યેય સાથે સ્થાનિક સંસ્થાઓ સાથે વ્યવસાયિક ભાગીદારી રચવા માટે, ભારતીય અને આંતરરાષ્ટ્રીય સમકક્ષો માટે નવી તકો ઊભી કરવી, સ્માર્ટ એજ્યુકેશન/લર્નિંગના વલણો પર સંશોધન અને વિચારમંથન કરી શકાય તે માટે આ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે એક ગતિશીલ પ્લેટફોર્મ બનાવવા, જ્યાં શિક્ષણ સંસ્થાઓ તેમની શૈક્ષણિક પ્રતિષ્ઠાને અને અદ્યતન વ્યાવસાયિક અભ્યાસક્રમો પ્રદર્શિત કરી શકે, જે સૌથી અસરકારક રીતે મહત્વાકાંક્ષી યુવાનો સાથે ત્વરિત જોડાણ બનાવે છે.

સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો અને સુરત સ્ટાર્ટઅપ સમિટનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧૧ એપ્રિલ, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરિયા પધારશે અને તેમના વરદ હસ્તે એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં ગુજરાતના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર શ્રી પી. સ્વરૂપ (યબક) અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી ભરત શાહ અતિથિ વિશેષ તરીકેનું સ્થાન શોભાવશે.

સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, ઓરો યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટી, પી.પી. સવાણી યુનિવર્સિટી, સાબરમતિ યુનિવર્સિટી, ડો. ડી.વાય. પાટીલ જ્ઞાન પ્રસાદ યુનિવર્સિટી, ડો. ડી.વાય. પાટીલ વિદ્યાપીઠ, ગણપત યુનિવર્સિટી, ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ રિસર્ચ, જોન એફ. કેનેડી યુનિવર્સિટી ઓફ મેડીસિન, નવરચના યુનિવર્સિટી, પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી, પૂણેની પિંપરી ચિંચવડ યુનિવર્સિટી, પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, સિગ્મા યુનિવર્સિટી, વિદ્યાપીઠ યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, ઇઝી બિઝનેસ સ્કૂલ, મુંબઇની મોડાર્ટ, યુ.એ.ઇ.ની બ્રિટ્‌સ ઇમ્પેરિયલ યુનિવર્સિટી કોલેજ, ડીઇસી એબ્રોડ પ્રાઇવેટ લિમિટેડ, ફોર્ચ્યુન એજ્યુકેશન હબ, ગ્લોબલ રિસર્ચ ઇમિગ્રેશન, નેશનલ કોમ્પ્યુટર્સ, પાર્લેઝ મોન્ડીયલ, આર.જી. ઇન્ટરનેશનલ, એડયુમેટ ઇમિગ્રેશન, એ.ઇ.સી.સી. સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્ટ્‌સ અને વીઝા થિયરી દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત આ એક્ષ્પોમાં યુ.કે., યુ.એસ.એ., દુબઇ, સિંગાપોર, જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ અને આયર્લેન્ડની વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક ઇન્સ્ટીટયુટ્‌સમાં વિદ્યાર્થીઓને પ્રવેશથી માંડીને ત્યાં રહેવા સુધીની વ્યવસ્થાની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. વિદેશની યુનિવર્સિટીઓની વિસ્તૃત જાણકારી વિદ્યાર્થીઓ તથા વાલીઓને મળી રહે તે માટે એક્ષ્પોમાં જુદા જુદા પેવેલિયન બનાવવામાં આવ્યા છે, આથી વિદ્યાર્થીઓ ગ્લોબલ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ્‌સ વિષે જાણકારી મેળવી શકશે. આ એક્ષ્પો શિક્ષણવિદો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સીધો સંપર્ક કરવાની તક આપશે. આ એક્ષ્પોમાં દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવેલી ગીફટ – સ્ટેશનરીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે.

સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોમાં ભાગ લેનારી યુનિવર્સિટીઓની વાત કરીએ તો ભારતની ર૦ જેટલી યુનિવર્સિટી ભાગ લીધો છે. જ્યારે યુકેની ૧ર, યુએસએની ૧૯, દુબઇની પ, સિંગાપોરની ૧, જર્મનીની ૬, ફ્રાન્સની ૪, નેધરલેન્ડની ૧, આર્યલેન્ડની ૩ તથા એમબીબીએસની ૩ યુનિવર્સિટીએ ભાગ લીધો છે. આ ઉપરાંત હોટેલ મેનેજમેન્ટની ર, કુકીંગની ર, જ્વેલરી ઇન્ડસ્ટ્રીની ૪ અને ઇન્ટિરિયર ડિઝાઇનની ૧ તથા અન્ય ૧૪ જેટલા ઇન્સ્ટીટયુટ દ્વારા પણ એક્ષ્પોમાં ભાગ લેવામાં આવ્યો છે. આ તમામ યુનિવર્સિટી અને એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને શૈક્ષણિક કારકિર્દી તથા અભ્યાસક્રમો વિષે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.

ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતમાં સ્ટાર્ટ–અપ ઇકો સિસ્ટમને બુસ્ટ કરવા માટે તેમજ સુરતના ઉદ્યોગકારોમાં અવેરનેસ લાવવાના હેતુથી ‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં આઇટી, સાયબર સિકયુરિટી, સોફટવેર ટેકનોલોજી, લોજિસ્ટીકસ, ઇન્વેન્શન લર્નિંગ, બિલીંગ સોફટવેર, ઓટોમેશન, ડિજિટલ પ્લેટફોર્મ અને બેન્કીંગ સર્વિસ વિગેરે ક્ષેત્રોમાં પ૦થી વધુ સ્ટાર્ટ–અપ કરનારા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે, જેમાંથી મોટા ભાગના સ્ટાર્ટ–અપ સુરતના છે. આ ઉપરાંત બેંગ્લોર, ઉત્તરાખંડ, અમદાવાદ, વલસાડ, વાપી, નવસારી અને ગાંધીનગરના સ્ટાર્ટ–અપે પણ ભાગ લીધો છે. આ તમામ સ્ટાર્ટઅપ તેઓની પ્રોડકટને ડિસ્પ્લે કરશે.

ચેમ્બર ઓફ કોમર્સ આ સમિટ થકી એવું પ્લેટફોર્મ પૂરુ પાડવા જઇ રહયું છે કે જ્યાં સ્ટાર્ટ–અપ, એન્જલ ઇન્વેસ્ટરો અને સ્ટાર્ટ–અપમાં રોકાણ કરવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકો એક છત નીચે એકત્રિત થશે. જેથી સ્ટાર્ટ–અપને રોકાણકારો મળી રહેશે અને તેના થકી તેઓ પોતાના સ્ટાર્ટ–અપને આગળ લઇ જઇ વધુ મજબુત કરી શકશે. સમિટમાં ભાગ લેનારા તમામ સ્ટાર્ટ–અપ પોતાના આઇડિયાને એકઝીબીટ કરશે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત મેન્યુફેકચરીંગ હબ છે ત્યારે સુરત સ્ટાર્ટ–અપ માટે ફાયનાન્સ કેપિટલ હબ બને તે માટે આ સમિટ થકી પ્રયાસ કરવામાં આવી રહયો છે. આ સમિટની મુલાકાત માટે દેશભરમાંથી ૧૦ હજારથી વધુ ઉદ્યોગકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

સુરત સ્ટાર્ટઅપ સમિટ દરમ્યાન વિવિધ વિષયો પર પેનલ ડિસ્કશન અને સેમિનારો યોજાશે, જેમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ દ્વારા સ્ટાર્ટઅપ માટેની યોજનાઓ વિષે જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત સરકારનું ઇનોવેટીવ હબ એટલે કે આઇહબ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન અને દેશભરમાંથી સ્ટાર્ટઅપના નિષ્ણાંતો દ્વારા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ સુરતની કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ અને યુવાઓને ક્રિએટીવ આઇડીયા વિચારવાની તકો માટે માહિતી આપશે.

સુરત સ્ટાર્ટઅપ સમિટના આયોજન માટે ચેમ્બરને ભારત સરકારના સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીઝ કમિશનર ઓફિસ, ગુજરાત સરકારનો ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન બ્યુરો (ઇન્ડેક્ષ્ટબી) અને સ્ટાર્ટઅપ ગુજરાતનો સહયોગ પ્રાપ્ત થયો છે.

આ પ્રસંગે ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા, સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોના ચેરમેન શ્રી મહેશ પમનાની, સુરત સ્ટાર્ટઅપ સમિટના ચેરમેન સીએ મયંક દેસાઇ તથા કો–ચેરમેનો શ્રી અમિત શાહ અને શ્રી પુનિત ગજેરા ઉપસ્થિત રહયા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :