ચેમ્બરે ચિન્ધેલા ગ્લોબલ કનેક્ટ માર્ગે સુરતના ઉદ્યોગપતિ બોત્સવાનામાં જંગી મૂડીરોકાણ કરશે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વર્તમાન પ્રેસિડેન્ટ નિખીલ મદ્રાસીએ વિદેશોમાં સુરતના ઉદ્યોગપતિઓનું નેટવર્ક વિકસે એ માટે કરેલા પ્રયાસો ફળદાયી નિવડી રહ્યા છે. ગત નવેમ્બર 2025માં સુરતના દિગ્ગજ ઉદ્યોગકારોને લઇને બોત્સવાના ગયેલા નિખિલ મદ્રાસીએ ચિંન્ધેલા રસ્તે હવે સુરતના દિગ્ગજ ઉદ્યોગપતિ ફારૂખ પટેલ બોત્સવાનામાં સોલાર પાવર પ્લાન્ટ વિકસાવવા જઇ રહ્યા છે અને આ માટે જંગી રકમનું મૂડીરોકાણ આગામી પાંચ વર્ષમાં કરવામાં આવશે. આ અંગે બોત્સવાના મંત્રી અને ફારુખ પટેલની કંપની કે.પી. વચ્ચે એમ.ઓ.યુ. સાઇન થયા હોવાનું જાણવા મળે છે.
ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની બોત્સવાનાની મુલાકાત દરમ્યાન ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ સુરતના ઉદ્યોગકારોનું બિઝનેસ ડેલિગેશન પણ તા. 10-14 નવેમ્બર દરમ્યાન બોત્સ્વાનાની મુલાકાતે ગયું હતું. આ અત્યંત ફળદાયી મુલાકાત હવે ભારત-બોત્સવાના જ નહીં પણ ગુજરાત-બોત્સવાના વચ્ચે સહયોગની દિશામાં આગળ વધી રહી છે અને તેમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
ચેમ્બર દ્વારા જાન્યુઆરી 2026માં ગ્લોબલ વિલેજની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ઉદ્ઘાટક અને મુખ્ય મહેમાન તરીકે બોત્સવાનાના રાષ્ટ્રપતિ માનનીય એડવોકેટ દુમા ગીડિયોન બોકો તેમનાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે તા. 22થી 25 જાન્યુઆરી 2026 દરમ્યાન સુરત પધારી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બરની મુલાકાત દરમ્યાન બોત્સવાના રાષ્ટ્રપતિના કાર્યાલય ખાતે ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી સહિતના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજાઇ હતી, જેમાં રાષ્ટ્રપતિ એડવોકેટ દુમા ગીડિયોન બોકો તથા ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના મંત્રી, પ્રિન્સિપાલ સેક્રેટરી ટુ ધ પ્રેસિડેન્ટ, બોત્સવાનાના ભારત સ્થિત હાઈ કમિશનર, BITC ના સીઇઓ ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ બોત્સવાના રાષ્ટ્રપતિ તથા મંત્રી મંડળને સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. 24થી 26 જાન્યુઆરી, 2026 દરમ્યાન યોજાનારા SGCCI ગ્લોબલ વિલેજ 2026 માટે આમંત્રણ આપ્યું હતું. જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો છે. તેમની સુરત મુલાકાતની પુષ્ટિ થઈ છે અને તેના અનુસંધાને બોત્સવાનાના ઊર્જા મંત્રી તેમજ ભારત સ્થિત બોત્સ્વાનાના રાજદૂત તથા ઉચ્ચ અધિકારી સાથે બુધવારે તા. 17 ડિસેમ્બરના રોજ ચેમ્બરના હોદ્દેદારો સાથે મીટિંગ કરીને રાષ્ટ્રપતિની સુરત મુલાકાતના કાર્યક્રમો અને એજન્ડાને આખરી ઓપ આપ્યો હતો.
બોત્સવાનાની મુલાકાત દરમ્યાન ચેમ્બરે ટ્વિન સિટીનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો જેમાં શહેરી વિકાસ, ટેકનોલોજી અને ટેલેન્ટ એકસચેન્જ, મેડિકલ ટુરિઝમ, શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે એકસચેન્જ કાર્યક્રમ અને બિઝનેસ પ્રતિનિધિમંડળોની નિયમિત આપલે તથા પ્રદર્શનો વિગેરે ક્ષેત્રોની ચર્ચા થઇ હતી. આ પ્રસ્તાવનો પણ સકારાત્મક પ્રતિસાદ આપતા બોત્સ્વાનાના રાષ્ટ્રપતિની સુરત મુલાકાત દરમ્યાન જ સુરત અને ગેબરોન ટ્વીન સિટી માટે સમજૂતી થવાની અપેક્ષા છે. આમ ગુજરાત અને બોત્સ્વાના વચ્ચે નવા આર્થિક સહયોગ અને વધુ ગાઢ સંબંધોનાં નિર્માણમાં ચેમ્બર અગ્ર સંસ્થા તરીકે ઊભરી રહી છે. થોડા સમય પહેલાં જ ચેમ્બરના નિમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ સુરતની મુલાકાતે આવ્યા હતા.
KP Group દ્વારા બોત્સ્વાનામાં ₹ 36,000 કરોડનું મેગા રોકાણ
5 ગિગાવોટ સોલાર પ્રોજેક્ટથી ઝીરો એમિશન તરફ મોટું પગલું
ચેમ્બરનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ નવેમ્બરમાં બોત્સ્વાનાની મુલાકાતે ગયું તેમાં સુરતના કેપી ગ્રુપના ડૉ. ફારૂક જી. પટેલનો પણ સમાવેશ થતો હતો. આ વિઝિટની પહેલી ફળશ્રુતિ લેખે પહેલું કહી શકાય તેવું વિન્ડ-સોલાર સહિત રિન્યુએબલ એનર્જી રોકાણ સુરતથી થયું છે. કેપી ગ્રુપ બોત્સ્વાનાની ઝીરો એમિશન પ્રતિબદ્ધતા પૂર્ણ કરવા માટે બોત્સવાનાના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં રૂ. 36000 કરોડનું રોકાણ કરશે. કેપી ગ્રૂપે 4 બિલિયન યુએસડી (રૂ. 36000 કરોડ)નાં રોકાણ માટે બોત્સવાના સરકાર સાથે એમઓયુ કર્યા છે. બોત્સવાનાનાં ખનિજ અને ઊર્જા મંત્રી સુશ્રી બોકોલો જોય અને કેપી ગ્રુપ વચ્ચે થયેલા આ એમઓયુ મુજબ બોત્સવાનાનું ઊર્જા અને ખનિજ મંત્રાલય કેપી ગ્રુપ સાથે સંયુક્ત રીતે રિન્યુએબલ એનર્જી વિકસાવશે અને બોત્સવાનાની સ્વચ્છ ઊર્જાને 5 ગિગાવોટ સુધી લઈ જશે. આ પ્રોજેક્ટ 5 વર્ષમાં તબક્કાવાર હાથ ધરાશે જેમાં 2027માં 500 મેગાવોટ, 2028માં 2500 અને 2030 સુધીમાં 5 ગિગાવોટ પૂર્ણ થશે. આનાથી પ્રોજેક્ટ દરમ્યાન 7000 અને પ્રોજેક્ટ બાદ 1500થી વધુ લોકોને રોજગાર મળશે અને 1 લાખ ઘરોને સોલર વીજળી મળશે. આ માટે 25000 એકર જમીન બોત્સવાના સરકાર આપશે અને ભારત સરકાર રોકાણને સુરક્ષિત કરશે. સમજૂતીના ભાગરૂપે કેપી ગ્રુપ બોત્સવાનાના નાગરિકોને વર્ષે 30 સ્કોલરશિપ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે આપશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


