RBI બૅન્ચમાર્ક પૉલિસી રેટ વધાર્યો: લોન મોંઘી થશે
ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિએ વ્યાજદર વધારવાની કરેલી જાહેરાતથી ઘર, વાહન અને અન્ય ચીજો પર લીધેલી લોનનો ઇએમઆઇ (ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ) વધી જશે.
બૅન્ચમાર્ક પૉલિસી રેટ (રેપો) તાત્કાલિક અમલથી ૪૦ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૪ ટકા કરાયો છે. પૉલિસી રેટમાં ૨૦૧૮ના ઑગસ્ટ બાદ કરાયેલા આ સૌપ્રથમ વધારાને લીધે વ્યક્તિગત અને કૉપૉર્રેટ્સ માટે લોન (કરજ) મોંઘી થશે. કૅશ રિઝર્વ રૅશિયો ૨૧ મેથી અમલમાં આવે એ રીતે પચાસ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૫ ટકા કરાયો હોવાથી બૅન્કોએ મધ્યવર્તી બૅન્કમાં વધુ નાણાં જમા કરાવવા પડશે.
આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસે વીડિયો સંદેશામાં સંબંધિત જાહેરાત કરી હતી. આ નિર્ણયને લીધે બૅન્કિંગ સિસ્ટમમાંની પ્રવાહિતા (લિક્વિડિટી)માંથી અંદાજે રૂપિયા ૮૭,૦૦૦ કરોડ ઘટવાની શક્યતા છે. તેમણે રિવર્સ રેપો રેટનો કોઇ ઉલ્લેખ નહિ કર્યો હોવાથી તે યથાવત્ (૩.૫ ટકા) રખાયો હોવાનું મનાય છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ હવે ૪.૧૫ ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ તેમ જ બૅન્ક રેટ ૪.૬૫ ટકા રહેશે.
આર્થિક નીતિને લગતી સમિતિએ ફુગાવાને કાબૂમાં લેવા અને વિકાસને વેગ આપવા બીજીથી ચોથી મે સુધી યોજેલી બેઠક બાદ સંબંધિત નિર્ણય જાહેર કરાયો હતો. ભારતીય રિઝર્વ બૅન્કની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિની આગામી બેઠક છઠ્ઠીથી આઠમી જૂન સુધી યોજાશે અને તે વખતે પણ રેપો રેટ ઓછામાં ઓછો પચીસ બેસિસ પૉઇન્ટ વધવાની આશા રખાય છે.
રિઝર્વ બૅન્કે આંતરરાષ્ટ્રીય સમસ્યાને ધ્યાનમાં રાખીને ફુગાવાનો દર ઊંચો રહેવાનો ભય વ્યક્ત કર્યો હતો. ખાતર અને ખેતી માટેની અન્ય સામગ્રીમાંના ભાવવધારાને લીધે દેશમાં ખાદ્યાન્નની કિંમત પર સીધી માઠી અસર થશે. ઘઉંની વિશ્ર્વભરમાં ઊભી થયેલી અછતને લીધે સ્થાનિક બજારમાં પણ ઘઉંના ભાવ ઊંચા રહેવાની શક્યતા. (એજન્સી)
રિઝર્વ બૅન્કની નીતિના મુખ્ય મુદ્દા
- ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિએ ત્રણ દિવસની બેઠકને અંતે જાહેર કરેલા નિર્ણયના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે:
- બૅન્ચમાર્ક પૉલિસી રેટ (રેપો) તાત્કાલિક અમલથી ૪૦ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૪ ટકા કરાયો.
- પૉલિસી રેટમાં ૨૦૧૮ના ઑગસ્ટ બાદ કરાયેલા આ સૌપ્રથમ વધારાને લીધે વ્યક્તિગત અને કૉપૉર્રેટ્સ માટે લૉન (કરજ) મોંઘી થશે.
- કૅશ રિઝર્વ રૅશિયો ૨૧ મેથી અમલમાં આવે એ રીતે પચાસ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૫ ટકા કરાયો.
- આર્થિક નીતિને લગતી સમિતિએ ફુગાવાને કાબૂમાં લેવા અને વિકાસને વેગ આપવા બીજીથી ચોથી મે સુધી યોજેલી બેઠક બાદ સંબંધિત નિર્ણય જાહેર કરાયો.
- ફુગાવાનો દર ઊંચો રહેવાની ભીતિ.
- ખાતર અને ખેતી માટેની અન્ય સામગ્રીમાંના ભાવવધારાને લીધે દેશમાં ખાદ્યાન્નની કિંમત પર સીધી માઠી અસર થશે.
- ઘઉંની વિશ્ર્વભરમાં ઊભી થયેલી અછતને લીધે સ્થાનિક બજારમાં પણ ઘઉંના ભાવ ઊંચા રહેવાની શક્યતા.
- ભારતીય રિઝર્વ બૅન્કની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિની આગામી બેઠક છઠ્ઠીથી આઠમી જૂન સુધી યોજાશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
