CIA ALERT

મહિલાઓને ઝીરો પ્રતિનિધિત્વ વાળી SDCAની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 71% મતદાન

Share On :

કોવીડ ગાઇલાઇન્સના ધજાગરા ઉડ્યા, તમામ તંત્રો ચૂપ  ઉમેદવારો પોતાના ચહેરા મતદારોને બતાવવા માસ્ક વગર ફર્યા

કોવીડ ગાઇડલાઇન્સના પૂરેપૂરા ધજાગરા, ટોળાશાહી વચ્ચે આજે સવારે 9 કલાકથી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની મેનેજિંગ કમિટીના 21 સભ્યોની ચૂંટણીનું મતદાન શરૂ થયું હતું. બપોરે 4 કલાકે પૂર્ણ થયેલા મતદાન બાદ કુલ 4217 મતદારો પૈકી 71 ટકા એટલે કે 2996 જેટલા મતદારોએ મતદાન કર્યું હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું. આ વખતનું મતદાન રેકોર્ડ બ્રેક મતદાન છે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે સેંકડો સભ્યો એવા છે જેમની પાસે દાયકાઓથી મેમ્બરશીપ છે પણ તેમણે પહેલી વખત મતદાનમાં ભાગ લીધો હતો.

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનને પારિવારીક જાગીર સમજતા કનૈયાલાલ કોન્ટ્રાક્ટર એન્ડ ફેમિલીએ સ્ટેડીયમ પેનલ કે જેમાં પૂરા 21 ઉમેદવારો પણ ન હતા તેનાથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે તેમની સામે પરિવર્તન પેનલે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.

સવારે 9 વાગ્યાથી જ ઉત્સાહભેર શરૂ થયેલા મતદાનમાં દરેક મતદારે વેલીડ વોટિંગ માટે 21 વોટ આપવા ફરજિયાત હોવાથી મતદાન મંદ ગતિએ ચાલી રહ્યું હતું. 21-21 વોટ દરેક મતદારે બોલપેનથી ટીક કરીને આપવાના હોઇ, મતદાનમાં ભારે વાર લાગતી હતી. બીજી તરફ વોટિંગ માટે મતદાતાઓ વધતા લાંબી કતારો લાગવા માંડી હતી. એક મતદારને મતદાન કરીને બહાર આવતા અડધો અડધો કલાક લાગી જતો હતો એટલી લાંબી કતાર જોવા મળી હતી. જોકે આ વખતનું મતદાન વિક્રમી મતદાન છે અને પહેલી વખત મત આપવા આવેલા મેમ્બરોની સંખ્યા પણ સેંકડોની સંખ્યામાં જણાય આવે છે.

મોટા પાયે ક્રોસ વોટિંગ

SDCAની ચૂંટણીના મતદાનમાં મોટા પાયે ક્રોસવોટિંગ થયું હોવાના અહેવાલો મતદાન મથકેથી મળી રહ્યા હતા. છેલ્લા બે દિવસ દરમિયાન ઉમેદવારોએ પેનલ કરતા પોતાનો પ્રચાર વધુ કર્યો હતો. ખાસ કરીને સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ પેનલ નહીં જીતે તેવી પરિસ્થિતિ પારખીને પોતાના માટે મતો માગવાનું શરૂ કરી દીધું હતું. આજે મતદાનની પેટર્ન પણ એ જ પ્રમાણે જોવા મળી હતી. મતદારોએ આખી પેનલને વોટ આપવાની જગ્યાએ બન્ને પેનલના પોતાના માનીતા, જાણીતાઓને મત આપીને 21 મતોનું દાન કર્યું હતું.

SDCAને પોતાની પારિવારીક જાગીર સમજતા કોન્ટ્રાક્ટર બંધુઓએ પોતાની સીટ વધારવા ઠરાવ કર્યો પણ મહિલા વર્ગને એકેય સીટ ફાળવી નથી

લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમની જગ્યાની માલિકી પારિવારીક હોવાના નાતે દાતા તરીકે સ્ટેડીયમ અને સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનને પોતાની પારિવારીક જાગીર સમજતા કનૈયાલાલ કોન્ટ્રાક્ટર અને તેમના ભાઇ હેમંત કોન્ટ્રાક્ટરે દાતાઓને બે સીટમાંથી ત્રણ કરી દીધી, અન્ય એક દાતાને પણ સીટ અપાવી પણ મહિલાઓને એક બેઠકનું પણ પ્રતિનિધિત્વ આપ્યું નહીં. પોતાના સ્વાર્થના ઠરાવો એજીએમમાં પાસ કરાવનાર કોન્ટ્રાકટર બંધુઓને સુરત ભાજપાના નેતાઓનું પૂરેપૂરું પીઠબળ સાંપડી રહ્યું છે. અત્રે એ ખાસ નોંધવું જોઇએ કે ભાજપા મહિલા પ્રતિનિધિત્વનું ચૂસ્ત સમર્થન કરતી પાર્ટી છે. એટલું જ નહીં જીસીએ અને બીસીસીઆઇમાં પણ મહિલાઓને યોગ્ય પ્રમાણમાં પ્રતિનિધિત્વ અપાય રહ્યું છે ફક્ત સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનમાં હજુ સુધી મહિલાને રિઝર્વ સીટ આપવાની વાત તો દૂર રહી પણ ઉમેદવારી કરવાની તક પણ અપાતી નથી.

સ્ટેડીયમ કે પરિવર્તન બન્નેમાંથી એકેય પેનલે એકપણ મહિલાને ઉમેદવારીની તક ન આપી

આ ચૂંટણીની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે સુરત ડિસ્ટ્રીક્ટ કક્ષાની આ સંસ્થામાં મહિલા માટે એક પણ પ્રતિનિધિત્વ એટલે કે એક પણ રિઝર્વ સીટ નથી, મહિલાઓનું જાણે ક્રિકેટમાં કશું કામ નથી એ રીતે ઝીરો પ્રતિનિધિત્વ, અને તેનાથી મોટી કમનસીબ બાબત એ છે કે 21 બેઠકો જેટલા ઉમેદવાર ઉભા નહીં કરી શકેલા કોન્ટ્રાક્ટર બંધુઓની સ્ટેડીયમ પેનલે એક પણ મહિલા સભ્યને ઉમેદવાર માટે લાયક ગણી નહી અને એક પણ મહિલાને ઉમેદવાર બનાવી નહીં. સામે પક્ષે પરિવર્તન પેનલે પણ 21 ઉમેદવારો ઉભા રાખ્યા પણ તેમાં એકેય મહિલાને પ્રતિનિધિત્વ કે ઉમેદવારીની તક આપી નહીં. આમ, મહિલાઓના ઝીરો પ્રતિનિધિત્વવાળી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની ચૂંટણીમાં શ્રીમંતોએ મતદાન માટે કતારો લગાડી દીધી હતી. પહેલી વખત ચૂંટણીમાં જંગી 60 ટકા જેટલું જંગી મતદાન થયું હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :