આજે 3/10 : વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ ભારતના લોકો માટે ખુલ્લી મૂકાશે
લદાખના રોહતાંગમાં બનાવવામાં આવેલી અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની વિશ્ર્વની સૌથી લાંબી ઑલ સીઝન હાઇવે ટનલ ‘અટલ ટનલ રોહતાંગ’નું વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉદ્ઘાટન કરીને જનતા માટે ખુલ્લી મૂકશે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યા અનુસાર ઉદ્ઘાટન બાદ વડા પ્રધાન લાહોલ સ્પિતિ અને સોલાંગ વેલી ખાતે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. ચીન સાથે વકરેલો સીમાવિવાદ જો લાંબો ચાલે તો ઝડપથી સૈન્ય અને સરંજામ સરહદે લઇ જવામાં અને દેશની સીમાનું રક્ષણ કરવામાં આ ટનલ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવશે.

ચીન સાથે લદાખની સરહદે ચાલી રહેલા સીમાવિવાદને ટાંકણે જ મનાલી અને લેહ વચ્ચેનું અંતર ૪૬ કિ. મી. ઓછું કરતી વિશ્ર્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ રોહતાંગ’ તૈયાર થઇ એ ભારત માટે ઘણી અગત્યની વાત છે.
આ ટનલ હિમાચલ પ્રદેશના મનાલીથી લદાખના લેહ સુધીનું અંતર ૪૬ કિ. મી. ઓછું કરવા સાથે પ્રવાસનો સમય ચારથી પાંચ કલાક ઓછો કરશે.
અત્યંત આધુનિક રીતે બનાવવામાં આવેલી આ ટનલ ૯.૦૨ કિ.મી. લાંબી છે અને એ લેહ-મનાલી હાઇવે પર આવેલા પૂર્વ પીર પાંજલ રેન્જમાં રોહતાંગ પાસની નીચેથી પસાર થાય છે.
વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યા અનુસાર વિશ્ર્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ’ રૂ. ૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે અને રોહતાંગ ખાતે એની ઊંચાઇ ૩૦૦૦ મીટર (સમુદ્રની સપાટીથી ૧૦,૦૦૦ ફૂટ ઊંચાઇએ) આવેલી છે.
આ ટનલ માટે રૂ. ૪૦૮૩ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું, પણ ટનલ એથી ઘણી ઓછી કિંમતે રૂ. ૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.
અટલ ટનલનું દક્ષિણમુખ ૩,૦૬૦ મીટરની ઊંચાઇએ મનાલીથી ૨૫ કિ. મી. ના અંતરે આવેલું છે અને ઉત્તરમુખ લાહૌલ વેલીમાં સિસ્સુના તેલિંગ ગામની નજીક ૩.૦૭૧ મીટરની ઊંચાઇએ આવેલું છે.
ઘોડાની નાળના આકારની આ ટનલમાં સિંગલ ટયૂબ ડબલ લૅન છે અને એમાં ૮ મીટર પહોળા રસ્તા છે.
વધુમાં વધુ ૮૦ કિ. મી. ની સ્પીડે રોજ ૧૫૦૦ ટ્રક અને ૩૦૦૦ કાર જઇ શકે એ રીતે એની ડિઝાઇન બનાવવામાં આવી છે.
વીસ વર્ષ અગાઉ ૩જી જૂન, ૨૦૦૦ના દિવસે અટલબિહાર વાજપેયી સરકારે આ ટનલે બાંધવાનો નિર્ણય લીધો હતો અને દક્ષિણમુખ માટેના શિલાન્યાસનો કાર્યક્રમ ૨૬મી મે ૨૦૦૨ના દિવસે યોજાયો હતો.
મોદી સરકારે ગત વર્ષે દિવંગત વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના નામ પરથી ડિસેમ્બર ૨૦૧૯માં રોહતાંગ ટનલનું નામ અટલ ટનલ રાખવાનો નિર્ણય લીધો હતો.
આ ટનલ તૈયાર કરવા માટે બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન (બીઆરઓ)ના જવાનોએ અથાગ પ્રયત્ન અને સતત કામ કરીને વિશ્ર્વની વિશિષ્ટ ટનલ બાંધવામાં મોટો ફાળો આપ્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
