કોંગ્રેસ વગર પવાર દ્વારા ત્રીજા મોરચો ઉભો કરવાની હિલચાલ

વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે મજબૂત જંગ માટે તેમ જ આવતા વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ સામે વિપક્ષોની એકતાની શક્યતા તપાસવા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે તા.22 જૂને યશવંત સિંહાના રાષ્ટ્રીય મંચના બેનર તળે વિપક્ષોની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકનું નક્કી થયું એ અગાઉ 21 જૂન 2021ની સવારે ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોર પવારને મળ્યા હતા.
પખવાડિયામાં કિશોર સાથે પવારની આ બીજી બેઠક થઇ એ મહત્ત્વની મનાય છે. આ પહેલા 11 જૂને કિશોર મુંબઈમાં પવારના નિવાસસ્થાને મળવા આવ્યા હતા.
અટલ સરકારમાં નાણા પ્રધાન અને વિદેશ પ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહાએ વર્ષ 2018માં ભાજપને રામ રામ કરીને રાષ્ટ્ર મંચની સ્થાપના કરી હતી અને મોદી સરકારની નીતિઓના વિરોધમાં તાજેતરમાં બંગાળની ચૂંટણી પહેલા સિંહા મમતા બેનરજીના તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા હતા.
સિંહાના રાષ્ટ્ર મંચના બેનર તળે પહેલી વાર પવારે પોતાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને સાંજે ચાર વાગ્યે વિપક્ષોની બેઠક બોલાવી છે. શરદ પવાર અને મમતા દીદી તરફથી સિંહાએ વિપક્ષોને આ બેઠકમાં બોલાવ્યા છે તેને કેવો પ્રતિભાવ મળે છે અને કોણ હાજરી આપશે એના પર સૌની નજર રહેશે. પવાર અને મમતા દીદી આ બેઠકના માધ્યમથી એ તપાસવા માગે છે કે વિપક્ષોની એકતા કેટલી છે અને કઇ પાર્ટી પોતાના કયા ગજાના નેતાને આ બેઠકમાં હાજરી આપવા મોકલે છે તેના પરથી આ વિપક્ષી એકતાનો અંદાજ બાંધવામાં આવે એવી શક્યતા છે.
પવાર અને સિંહા વતી રાષ્ટ્રીય મંચ તરફથી કેટલીક પાર્ટીને પાઠવેલા નિમંત્રણમાં જણાવાયું છે કે હાલમાં દેશની રાજકીય પરિસ્થિતિ વિશે શરદ પવાર અને યશવંત સિંહા સાથે આ બેઠકમાં ચર્ચા વિચારણા થશે. આ બેઠકમાં હાજર રહેવા તમને નિમંત્રણ છે.
‘કોરોના પ્રૉટોકોલ વચ્ચે વિપક્ષોની આ બેઠક અૉનલાઇન નહીં પરંતુ પવારના ધરે રૂબરૂમાં મળશે અને આ બેઠકમાં 15 જેટલા વિપક્ષી પાર્ટીના નેતાઓ હાજર રહેવાની ધારણા છે. હાલમાં આ કોઇ રાજકીય મોરચો નથી પરંતુ ભવિષ્યમાં ત્રીજો મોરચો આકાર લઇ શકે છે. કૉંગ્રેસને સત્તાવાર નિમંત્રણ મોકલાયું છે કે તેના તરફથી કોઇ આ બેઠકમાં હાજર રહેશે કે કેમ એની માહિતી મોડી સાંજ સુધી મળી નહોતી.
લાલુ પ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળના (આરજેડી)ના નેતા મનોજ ઝા, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને કૉંગ્રેસના નેતા વિવેક તણખા સહિતના કેટલાક નેતાઓને આ નિમંત્રણ પાઠવાયા છે, જેઓ અગાઉ પણ રાષ્ટ્ર મંચના કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે. તામિલનાડુમાં સત્તાધીશ દ્રવિડ મુનેત્ર કડ્ઝગમ (ડીએમકે) તરફથી જણાવાયું હતું કે તેમને નિમંત્રણ નથી મળ્યું અને આ બેઠક વિશે કોઇ જાણકારી નથી.
આજે દિલ્હીમાં કિશોરની પવાર સાથે બેઠક બાદ વિપક્ષોની થનારી આ બેઠકની વિગતો બહાર આવી હતી. વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળના નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) અને મોદી સામે મજબૂત જંગ માટે આ બેઠકોના દોર ચાલી રહ્યાની અટકળો ચાલી રહી છે. દસ દિવસ પહેલા જ 11 જૂને મુંબઈમાં પવારના નિવાસસ્થાન સિલ્વર અૉકમાં કિશોર-પવાર વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી બેઠક થઇ હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં મિશન 2024 અંતર્ગત મોદી સામે વિપક્ષના ચહેરાની ચર્ચા થશે ઉપરાંત ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર સામે હાલમાં જણાતા અસંતોષની ચર્ચા થશે અને યુપીમાં આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત વિકલ્પની શક્યતા પણ તપાસાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હી આવેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વડા પ્રધાન મોદીને પણ મળ્યા હતા અને બાદમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં શિવસેના-ભાજપ’ રાજકીય રીતે એક નથી પરંતુ વડા પ્રધાન સાથેના સંબંધો યથાવત્ છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની મહા વિકાસ આઘાડીની સહિયારી સરકાર છે અને સમયાંતરે તેમાં મતભેદો પણ બહાર આવે છે. શિવસેનાએ એક વાર એમ પણ કહ્યું હતું કે અમારા દરવાજા ભાજપ માટે બંધ નથી. રાજકારણમાં કોઇ કાયમી શત્રુ કે મિત્ર નથી હોતા. પવારે જાહેર સભામાં શિવસેનાને તેની વફાદારીની યાદ પણ અપાવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંગાળમાં મમતા દીદીને પ્રચંડ બહુમતીથી જીતાડનારા કિશોર હવે દીદીને ભાજપ વિરોધી ત્રીજા મોરચાના ચહેરા તરીકે આગળ કરવાના પ્રયાસોમાં છે. પવાર આ ત્રીજા મોરચાના સંયોજકની ભૂમિકા નિભાવી શકે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
