દિલ્હી- નોર્થ એવન્યુ બંગલા નં-213 અને સી.આર. પાટીલ !! નહીં જાણતા હોવ તો જાણી લો
નેતાઓ જેની ‘ગાડી’માં બેસવાથી કતરાતા, એ CR પાટીલ હવે BJPની ડ્રાઇવિંગ સીટ પર !!
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
1995માં સુરતના સાંસદ અને ભાજપના કદાવર નેતા કાશીરામ રાણાનો દબદબો હતો. સાંસદ પણ હતા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ પણ. કાશીરામ રાણા એ પછી વાજપેયીજીની આગેવાની હેઠળની એન.ડી.એ. સરકારમાં કેબિનેટ મિનિસ્ટર બન્યા. કાશીરામ રાણા જ્યાં સુધી સાંસદ રહ્યા ત્યાં સુધી તેમને ફાળવવામાં આવેલી નવી દિલ્હીના નોર્થ એવેન્યુ બંગલા નં.213માં રહેતા હતા. આ બંગલો ગુજરાતના નેતા માટે કહેવાય છે કે ખુબ શુકનિયાળ છે.
લોકો જેમની ગાડીમાં બેસવાનું પસંદ કરતા ન હતા એ સી.આર. પાટીલ હવે ગુજરાત બીજેપીની ડ્રાઇવિંગ સીટ પર પહોંચી ગયા છે

કાશીરામ રાણાની સાંસદ પદેથી એક્ઝિટ થઇ અને 2009માં એક સમયના તેમના ખાસ સી.આર. પાટીલની નવસારીના સાંસદ તરીકે લોકસભામાં એન્ટ્રી થઇ. સી.આર. પાટીલે ખુદ જણાવેલી વાત અનુસાર સાંસદ તરીકે તેમને દિલ્હી ખાતે એલોટ કરવામાં આવતા નિવાસ સ્થાન માટે સી.આર. પાટીલે આગ્રહ કરીને નોર્થ એવન્યુ બંગલા નં.213 જ પોતાના નામે એલોટ કરાવ્યો હતો.
આજે પણ નવસારી સાંસદ તરીકે સી.આર. પાટીલ ભલે નર્મદા ભવન ખાતે રહેતા હોય પરંતુ, તેમણે નોર્થ એવન્યુ 213 નંબરનો બંગલો પોતાના નામે જ એલોટ રખાવ્યો છે.
હિસ્ટ્રી રિપીટ થાય એમ સી.આર. પાટીલની તા.20મી જુલાઇ 2020 ને સોમવતી અમાસના દિવસે ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ પદે નિમણૂંક પામ્યા અને આજરોજ તા.21મી જુલાઇને મંગળવારે શ્રાવણ માસના પહેલા દિવસે તેઓ ગુજરાત બીજેપી ચીફ તરીકે ચાર્જ અખત્યાર કરી રહ્યા છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે કાશીરામ રાણા હોય કે સી.આર. પાટીલ દિલ્હીના નોર્થ એવન્યુ બંગલા નં.213માં જે રહ્યા છે એ ગુજરાતના રાજકારણમાં ટોચે પહોંચ્યા છે એ બાબત હકીકત સ્વરુપે દોહરાઇ ચૂકી છે.

સી.આર. પાટીલને જ્યારે જ્યારે કોર્નર કરીને એકલા અટૂલા પાડવાનો પ્રયાસ થયો ત્યારે તેઓ અકલ્પ્ય પોઝીશન સાથે બહાર આવ્યા
સી.આર. પાટીલને સમજવામાં તેમના રાજકીય હરીફોએ ભારે થાપ ખાધી છે. ગુજરાત ભાજપના કેટલાક સંગઠનના નેતાઓએ કદાચ સી.આર. પાટીલનો રાજકીય ઇતિહાસ તપાસી જોયો હોત તો એક હિંટ જરૂર મળી હોત કે જ્યારે જ્યારે સી.આર. પાટીલને ઇગ્નોર કરવામાં આવ્યા ત્યારે ત્યારે તેઓ પાવરફુલ થઇને બહાર આવ્યા છે.
રાજનીતિમાં દુશ્મનાવટ એવી થતી હોય છે કે એ બીજાનું વજુદ ખતમ કરી દેવા સુધીની પેંતરાબાજી રોજેરોજ જોવા મળે. સી.આર. પાટીલને સ્પર્શે છે ત્યાં સુધી એક સમયમાં ગુજરાતના કદાવર નેતા તરીકે જેમનું નામ બોલાતું એ સુરતના કાશીરામ રાણા સાથે તેમને અબોલા થયા, દુશ્મનાવટ થઇ એક સમયના પાક્કા વિશ્વાસુ રાજકીય દુશ્મન બન્યા એ સમયે સી.આર. પાટીલના કપરા દિવસો હતા. ડાયમંડ જ્યુબિલી બેંક ડિફોલ્ટ થઇ અને એના અનુસંધાનમાં સી.આર. પાટીલ જેલમાં ગયા. એ સમય હતો કે જ્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં સી.આર. પાટીલ સાફ થઇ ગયાની વાતો ચાલી હતી. પણ સૌના આશ્ચર્ય વચ્ચે સી.આર. પાટીલે 2009માં નવસારી બેઠકના ભાજપાના ઉમેદવાર તરીકે રીએન્ટ્રી કરી.
હાલમાં પણ સુરત ભાજપામાં સી.આર. પાટીલને સાંસદ અને દિગ્ગજ નેતા હોવા છતાં કોર્નર કરવાના અનેક પ્રયાસો થયા. ભાજપના સંગઠનના નેતાઓ સી.આર. પાટીલને ઇગ્નોર કરવાની એકેય તક જતી કરતા ન હતા. આખા બોલા સી.આર. પાટીલે અનેક પ્રસંગોએ પોતાના દુશ્મનોને જાહેરમાં સંભળાવી પણ દીધું હતું. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સી.આર. પાટીલની હવે આ છેલ્લી ટર્મ છે અને હવે તેમનો હાથ કોઇ પકડશે નહીં. આવી વાતો વચ્ચે ગુસ્તાખ ભાજપના કેટલાક નેતાઓને તા.20મી જુલાઇને સોમવતી અમાસે એવો ઝાટકો લાગ્યો કે હવે તેમને પોતાનું ભવિષ્ય જ અંધકાર મય લાગી રહ્યું છે.
સી.આર. પાટીલને એટલા અટૂલા કરી દેવાયા કે કોઇ પદ પર લોબિંગ કરવા માટે સી.આર. પાટીલ પાસે મજબૂત દાવેદારનું નામ ન હતું
સી.આર. પાટીલ માટે છેલ્લા બે વર્ષ સુરત, દક્ષિણ ગુજરાતમાં એટલા કપરાં ચઢાણ જેવા રહ્યા કે તેમને તેમના રાજકીય વિરોધીઓએ ભાજપામાં જ એટલા અટૂલા પાડી દીધા હતા કે તેઓ કોઇ પદ પર પોતાની વ્યક્તિનું નામ રજૂ કરે તેવો સમખાવા પૂરતો એકેય નેતા તેમની સાથે ન હતો. તેમની નજીકના સેકન્ડ કેડરના નેતાઓ સી.આર. પાટીલને જ પોતાના હરીફ ગણવા માંડ્યા હતા. સુરત ભાજપ સંગઠનમાં કે સરકારમાં કોઇ પદ આપવા માટે સી.આર. પાટીલ પાસે દાવો કરવા માટે માથા બાકી બચ્યા ન હતા એવી સ્થિતિ સુધી તેમની અવગણના કરવામાં આવી હતી.
છેલ્લે છેલ્લે તો હર્ષ સંઘવી સિવાય મોટા ભાગના નેતાઓએ સી.આર. પાટીલથી ડિસ્ટન્સ બનાવી લીધું હતું

વર્તમાન સમયમાં નવસારીના સાંસદ અને સુરતના નેતા સી.આર. પાટીલ માટે કહેવાય છે કે પોતાના ઘર (ભાજપ)માં જ ચોમેર વિરોધીઓનો સામનો કરવાનો સમય આવ્યો હતો. સુરતમાં એક માત્ર હર્ષ સંઘવી સિવાય મોટા ભાગના નેતાઓએ સી.આર. પાટીલ સાથે ડિસ્ટન્સ બનાવી લીધું હતું. સી.આર. પાટીલ માટે અણગમો કહો, સી.આર. પાટીલના એરોગન્સથી નારાજગી હોય, સી.આર. પાટીલની કામ કરવાની પદ્ધતિથી નારાજગી હોય ભગવાન જાણે પણ ભાજપાના નેતાઓ સી.આર. પાટીલથી દૂર રહેવાનું પસંદ કરતા હતા. પણ હવે જ્યારે પ્રદેશ પ્રમુખ બની ચૂક્યા છે ત્યારે તેમણે મને કમને પણ તેમને અપનાવવા રહ્યા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


