નવરાત્રીમાં જબરદસ્તીનું વેકેશન : સ્કુલો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ કોઇને નથી જોઇતું આ વેકેશન
આ તે કેવી સરકાર, નવરાત્રીમાં ફરજિયાત વેકેશન પડાવવા માટે રાજ્ય સરકારે હુકમો છોડ્યા છે અને સામે સ્કુલો, વાલીઓએ બાંયો ચઢાવી છે કે અમારે નવરાત્રીમાં સ્કુલોમાં વેકેશન લેવું નથી.
જાણકારો કહે છે કે નવરાત્રીના ફરજિયાત વેકેશનના મુદ્દે રાજ્ય સરકાર ખોટો દાખલો બેસાડી રહી છે. અત્યાર સુધી સરકાર અને સ્કુલો વચ્ચે ઘર્ષણ એ બાબતે રહેતું કે સ્કુલો કારણ વગર રજા આપી દેતી અને સરકારે પગલાં લેવા પડ્યા. નવરાત્રી વેકેશનનો મુદ્દો એવો છે કે જેમાં સરકાર વેકેશન આપવાનું કહે છે અને જેમણે વેકેશન ભોગવવાનું છે એ સ્કુલ સંચાલકો, શિક્ષકો, આચાર્યો, વિદ્યાર્થીઓ, વાલીઓ બધા જ નવરાત્રીમાં વેકેશન લેવાનો ઇન્કાર કરી રહ્યા છે. રાજ્ય સરકારની જોહુકમી ચોમેર ટીકા પાત્ર થઇ રહી છે. રાજ્ય સરકાર કોઇ રચનાત્મક કે શૈક્ષણિક બાબતમાં જોરજુલ્મી, જબરદસ્તી કરે, કરાવે એ માની શકાય પણ શાળાઓમાં શિક્ષણનો ભોગ લઇને વેકેશન આપે એ બાબત તમામને અજુગતી લાગી રહી છે.
કદાચ પહેલી વખત એ પણ ઇતિહાસ સર્જાશે કે વેકેશન નહીં લેવા માટે સ્કુલો, વાલીઓ, વિદ્યાર્થીઓ આંદોલન કરશે અને વેકેશન પડાવવા માટે સરકાર જોરજુલ્મી કરશે.
-
વેકેશન નહીં લેવા પાછળ અનેક કારણો
- દિવાળીનું 21 દિવસનું વેકેશનમાં કાપ મૂકાય તે યોગ્ય નથી
- નવરાત્રીમાં વેકેશન પાડવા માટે કોઇ તાર્કિક દલીલ કે નક્કર કારણ નથી
- રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા ચાલતા હોય છે પછી ઉજાગરાનો સવાલ ઉપસ્થિત થતો નથી
- શાળામાં શિક્ષણ કાર્ય, પરીક્ષા વગેરેનું સમયપત્રક ખોરવાય તેમ છે
- સીબીએસઇ તેમજ ગુજરાત સિવાયના બોર્ડની સ્કુલો નવરાત્રી વેકેશન નહીં આપે
- નવરાત્રી દરમિયાન આમેય શાળાઓમાં ઉત્સવનો માહોલ જ હોય છે
- નવરાત્રી દરમિયાન દિવસ દરમિયાન કોઇ ઉજવણી થતી કે સ્કુલો બંધ કરીને એ ઉજવણી કરવી પડે
વેકેશનનો કડક અમલ કરવાની જવાબદારી જિલ્લા અધિકારીઓને સોંપાઇ
રાજ્યમાં અનેક ખાનગી શાળાઓ નવરાત્રી વેકેશનનો ઇન્કાર કરીને શાળાઓ ચાલુ રાખવાની જાહેરાત કરી ચૂકી છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં નવરાત્રિ વેકેશનના અમલની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની હોવાની સૂચના આપવામાં આવતા ખાનગી શાળાના સંચાલકોએ પણ સરકાર સામે બાંયો ચડાવી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, શિક્ષણપ્રધાને નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી છે.
દિવાળી વેકેશન 5 નવેમ્બરથી 18 નવેમ્બર સુધીનું જ રહેશે
પ્રાથમિક શાળાઓમાં પણ તેની મંજૂરી સાથે જ ૧૦થી ૧૭ ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન રહેશે. તા. ૫થી ૧૮ નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે અને બાદમાં ૧૯મીથી બીજું શૈક્ષણિક સત્ર ચાલુ થશે. આ બાબતે શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. શિક્ષણાધિકારીએ આ પરિપત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પીટીસી કોલેજો અને તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે. શિક્ષણાધિકારીએ તમામ ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓને પત્ર મોકલીને વેકેશનની સૂચના આપી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


