શિયાળાની સવારે રેઇનકોટ પહેરવા પડ્યા : સમગ્ર પશ્ચિમ ભારતમાં માવઠું : બિમાર કરી દે તેવું ક્લાઇમેટ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ડિસેમ્બર મહિનો એટલે શિયાળો અને શિયાળાની ખુશનુમા સવારે વરસાદ પડે એવી ક્યારેય નહીં થઇ હોય તેવી કલ્પના આજે વાસ્તવિક સ્વરૂપમાં જોવા મળી. સમગ્ર ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર પશ્ચિમ ભારતમાં માવઠું અને કમૌસમી વરસાદે તા.11મી ડિસેમ્બર 2020ના શિયાળાની ખુશનુમા સવારે વરસાદી માહોલ સર્જી દીધો છે. જાણકારો કહે છે કે જો સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રખાય તો આ એવું ક્લાઇમેટ છે જે ભલભલા તંદુરસ્ત વ્યક્તિને બિમાર કરી દેશે. વિચિત્ર વાતાવરણની અનુભૂતિ સાથે સુરતીઓએ સોશ્યલ મિડીયામાં વિદાય થઇ રહેલા 2020ના વર્ષને અનુલક્ષીને પોસ્ટ મૂકવા માંડી હતી.

કેરલેસ લોકો બિમાર પડી શકે
તબીબો અને જાણકારો જણાવે છે કે છેલ્લા બે દિવસથી માવઠાને કારણે ક્લાઇમેટ ખરાબ થયું છે. આવી સ્થિતિમાં ખાણીપીણી પ્રત્યે બેદરકાર લોકોના બિમાર પડી જવાના ચાન્સિસ છે. ખાસ કરીને ઠંડુ, વાસી ખાણું તેમજ અનિયમિત લાઇફસ્ટાઇલ ધરાવતા લોકોને તકલીફ ઉભી કરી દે તેવું ક્લાઇમેટ સર્જાયું છે.
ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ
લાંબું ચાલેલું ચોમાસું અને હવે કમોસમી વરસાદ થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદના કારણે રવિ પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને થઈ રહી છે. મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં ચણા, લસણ, ડુંગળી, ધાણા, જીરુ, ઘઉં, કપાસ જેવા પાકને વરસાદના લીધે નુકસાન થઈ શકે છે. કમૌસમી વરસાદને પગલે ખેતરોમાં હાલ થઇ રહેલી ખેતીને પણ વ્યાપક નુકસાનની થવાની ભીંતી સેવાય રહી છે.
તા.10મી ડિસેમ્બરે બપોરથી જ આમ તો ગુજરાતના આકાશમાં વાદળછાયો માહોલ સર્જાયો હતો. ગુરુવારે સાંજથી જ કેટલાક વિસ્તારોમાં તો વરસાદના છાંટા શરૂ થયા હતા અને આજે તા.11મી ડિસેમ્બરે મળસ્કેથી જ ઝરમરીયો વરસાદ એવો શરૂ થયો કે જાણે ચોમાસું યાદ આવી ગયું. આજે સવારે નિત્યક્રમ અનુસાર નોકરી ધંધે જવાવાળા લોકોએ આ સિઝનમાં ભલે સ્વેટર-જેકેટ પહેરવાનું હજુ મૂહૂર્ત કર્યું ન હોય પરંતુ, આજે શુક્રવારની સવારે રેઇનકોટ જરૂર પહેરવા પડ્યા છે.
વરસાદ થવાથી એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં મોડી રાત્રે ઠંડી, સવારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો અનુભવ થતો હોય છે પરંતુ આ વર્ષે પવન દક્ષિણ પૂર્વ દિશામાં ફૂંકાઈ રહ્યા છે. જેના લીધે તાપમાન સામાન્ય કરતા ઊંચું રહ્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલ્ટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત મધ્ય અને દક્ષિણ તથા સૌરાષ્ટ્ના કેટલાક ભાગોમાં આગામી ૧૦મી થી ૧૨મી ડિસેમ્બર એટલે ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં સવારથી જ છૂટોછવાયો ઝરમર વરસાદ પડ્યાના અહેવાલો છે. સુરત ઉપરાંત નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ વગેરે વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યાના અહેવાલો સવારથી જ મળી રહ્યા છે. ગતરોજથી જ નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવારણમાં પલટો જોવા મળ્યો છે અને કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વાતાવારણમાં પલટો આવવાથી પંથકમાં ખેડૂતોમાં પાકને નુકસાન જવાની ભીતિ સાથે ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. નવસારી, બિલીમોરા, ગણદેવી, જલાલપોર, વાંસદા અને ચીખલી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.
એવી જ રીતે ભાવનગર, અમરેલી, ધોરાજી, જૂનાગઢ, ગીરગઢડા, તળાજા વગેરે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પણ વરસાદ અને ક્લાઇમેટ ચેન્જના અહેવાલો સાંપડ્યા છે. અમરેલીના ખાંભા પંથકમાં વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાયા હતા, જ્યારે ગારીયાધાર, તળાજા અને મહુવામાં પણ વરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ શિયાળુ પાક જીરૂં, ચણા અને ઘઉંને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે કપાસના પાકને પણ નુકસાન પહોંચે તેવી શક્યતા છે.
રાજ્યના અન્ય ભાગોની વાત કરીએ તો ભાવનગર, સુરત, વડોદરા જેવા વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. આ તરફ ઉત્તર ગુજરાતના મોડાસા, મહેસાણા, કડીમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


