સુરતના LCG ગ્રુપે અરુણાચલમાં કપરા સંજોગો વચ્ચે સાઇકલિંગ ટૂર કેવી રીતે પાર પાડી ?
સ્માર્ટ સિટી સુરતના સિટીઝન્સમાં સાઇકલિંગ અવેરનેસ માટે કાર્યરત

સુરતમાં લાઇફ સાઇકલિંગ ગ્રુપ (LCG) સ્માર્ટ સિટી સુરતના સિટીઝન્સમા સાઇકલિંગ અવેરનેસ માટે નિયમિત રીતે જુદી જુદી ઇવેન્ટસ આયોજિત કરે છે. આ વખતે પ્રસંગ હતો અરુણાચલ પ્રદેશમાં અત્યંત દુર્ગમ-નિર્જન વિસ્તારમાં કપરામાં કપરા સંજોગો વચ્ચે 9 દિવસમાં 500 કિ.મી. મોસ્ટ એડવેન્ચરીયસ સાઇકલિંગ ટૂર પૂર્ણ કરી ત્યારે આ સુરતીઓએ એક સાથે પાંચ-પાંચ એવી સિદ્ધીઓ હાંસલ કરી કે જેને લઇને દુનિયાભરમાં સાઇકલિંગ માટે આ સુરતીઓને લોકો યાદ કરશે. બ્રહ્મપુત્રાના સાનિધ્યમાં આવેલા પૂર્વ અરુણાચલ પ્રદેશના મીઆઓથી અનીની સુધીની સાઇકલિંગ ટૂર જ્યારે સુરતના લાઇફ સાઇકલિંગ ગ્રુપે (LCG) આરંભી ત્યારે એકેય મેમ્બરને સ્વપનેય ખ્યાલ ન હતો કે તેઓ આ ટૂર પૂર્ણ કરશે ત્યારે 5-5 વિક્રમો સર્જી દેશે.
લાઇફ સાઇકલિંગ ગ્રુપ (LCG) ના કુલ 18 સુરતી સાઇકલિસ્ટસએ પૂર્વીય અરૂણાચલ પ્રદેશના મીઆઓથી અનીની સુધીના 500 કિ.મી.ની ટૂર શરૂ કરી હતી. આ ટૂર એટલા માટે એડવેન્ચરીયસ છે કેમકે અત્યંત દુર્ગમ, નિર્જન અને જ્યાં પાકી સડક તો દૂર પણ પગપાળા સડક પણ નથી તેવા વિસ્તારમાં અને તે પણ ચાઇના બોર્ડરને સમીપ સાઇકલિંગ કરીને પહોંચવાનું હતું.
લાઇફ સાઇકલિંગ ગ્રુપ (LCG) ના
- યોગેશ પટેલ
- અશોક પટેલ
- નવીન પટેલ
- ચેતન પટેલ
- મિલન પટેલ
- હિતેશ ભાદાણી
- જગદીશ ઇટાલિયા
- અજિતા ઇટાલિયા ( ક્રુ માં એક માત્ર મહિલા સદસ્યા)
- કાર્ય ઇટાલિયા ( 10 વર્ષનો ટાબરિયો, સૌથી નાનો ક્રુ મેમ્બર)
- રાજેશ જરીવાલા (ઉ.વ. 66, ક્રુ ના સૌથી વયસ્ક મેમ્બર)
- યઝદી ડપોટાવાલા
- બર્ઝિન દોરડી
- ઝુબિન ઓલપાડવાલા
- વિપુલ નાકરાણી
- અપૂર્વે દેસાઇ
- દિનું પનવર
- કમલેશ ટેલર
- જતીન મહેદીરત્તા

આ મેમ્બર્સે પૂર્વીય અરુણાચલ પ્રદેશના મીઆઓથી ગઇ તા.26મી જાન્યુઆરી 2019ના રોજ સાઇકલિંગની સાહસિક યાત્રા આરંભી હતી. પ્લાનિંગ એવું હતું કે રોજના 50 કિ.મી.ની સરેરાશ જેટલું અંતર કાપીને નિર્ધારિત પડાવ પર તમામે પહોંચી જવાનું હતું. પહેલા જ દિવસથી સાઇકલિંગ દુષ્કર બન્યુ હતું કેમકે અતિશય ઠંડી, પગપાળા ન ચલાય એવા રસ્તાઓ અને સતત બદલાતા ક્લાઇમેટ વચ્ચે હિંમત હાર્યા વગર લાઇફ સાઇકલિંગ ગ્રીન ગ્રુપ (LCG) ના મેમ્બર્સે સાઇકલિંગ શરૂ કર્યું, પહેલો દિવસ માંડ માંડ પૂર્ણ થયો.
તમામે પહેલા દિવસે સાંજે મિટીંગ યોજીને ગમે તેવા સંજોગોમાં સાઇકલિંગ જારી રાખવાનો મક્કમ નિર્ધાર કર્યો. તમામને એવું હતું કે સૌથી નાનકડો ક્રુ મેમ્બર કાર્ય ઇટાલિયા કે જે ફક્ત 10 વર્ષની વય ધરાવે છે એ અને સૌથી વયસ્ક ક્રુ મેમ્બર રાજેશ જરીવાલા 500 કિ.મી. સાઇકલિંગ પૂરું નહીં કરી શકે. પરંતુ, જેના બ્લડમાં વ્હીલ્સ દોડી રહ્યા છે એ કાર્ય ઇટાલિયાએ પહેલા જ દિવસે એવો પરચો દેખાડ્યો કે તે સૌથી ફિટ ક્રુ મેમ્બર તરીકે જોવાયો.
દ્વિતીય દિવસે બપોરે એક એવી અનિચ્છનીય ઘટના બની કે જેમાં એકમાત્ર મહિલા ક્રુ મેમ્બર અજિતા ઇટાલિયા બિસ્માર રોડ પર સાઇકલિંગ કરતા પડી ગયા. પ્રારંભિક રીતે ઘૂંટણમાં અને હાથની કોણી પર થયેલી ઇજા અને તેમને થઇ રહેલી પીડા જોતા એવું લાગતું હતું કે અજિતા ઇટાલિયા ક્વીટ કરશે પરંતુ, તેમણે પણ મક્કમ નિર્ધાર કર્યો અને ઇજા પર પ્રાઇમરી ટ્રીટમેન્ટ લઇ, પાટા બાંધીને ગણતરીની મિનીટોમાં સાઇકલિંગ શરૂ કરી દીધું હતું.
જોત જોતામાં બીજો, ત્રીજો, ચોથો દિવસ તમામ ક્રુ મેમ્બર્સે સાઇકલિંગ પૂર્ણ કર્યું અને તા.3જી ફેબ્રુઆરીનો સૂર્યોદય થયો ત્યારે ક્રુ મેમ્બર્સે 500 કિ.મી.ની યાત્રા માટે ચઢાઇ શરૂ કરી હતી. તા.3જી ફેબ્રુઆરીની સાંજ પડતા સુધીમાં તો સુરતના લાઇફ સાઇકલિંગ ગ્રીન ગ્રુપ (LCG) એ 5-5 અદ્વિતીય સિદ્ધિઓ સર કરી લીધી હતી. ૯ દિવસમાં અરુણાચલ પ્રદેશમાં આવેલા મીઆઓ થી અનીની (ચાઇના બોર્ડર કે જ્યાં રસ્તા પૂરા થઈ જાય છે) સુધીનું ૫૦૦ કિલોમીટરનું અંતર આ ગ્રુપ એ કાપ્યું. 28 મીટર ઉંચાઈએ આવેલું બરફથી ઢંકાયેલું માયોડિયા શિખર સર કર્યુ. સમગ્ર 500 કિ.મી.ના સાઇકલિંગ રૂટ પર સુરતના આ સાઇકલિસ્ટસ એ કુલ 14500 મીટર જેટલી ઉંચાઈ પર ચઢાણ કર્યું હતું. આ એટલી ઉંચાઇ હોય છે કે જ્યાં પગપાળા ચઢવા માટે તકલીફ થતી હોય ત્યાં સાઇકલ સાથે ચઢવું અને એ પણ અતિશય ઠંડી અને સતત બદલાતા ક્લાઇમેટ વચ્ચે આ સિદ્ધી સર કરવી એ ખરેખર સાહસપૂર્ણ કાર્ય બન્યું છે.
5 અદ્વિતીય સિદ્ધીઓ કંઇક આવી છે.
1. દસ વર્ષનો કાર્ય ઇટાલીયા આ સિદ્ધિ સર કરનાર વિશ્વનો સૌથી નાની વયનો સાયકલિસ્ટ બન્યો. કાર્ય ઇટાલિયા માટે કહેવાય છે કે તેના ડીએનએ વ્હીલ્સ અને બ્લડમાં સાઇકલ દોડી રહ્યા છે. કાર્ય ઇટાલિયાના મધર અજિતા ઇટાલિયાએ સાઇકલિંગમાં ગિનેસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જ્યારે ફાધર જગદીશ ઇટાલિયા સુરતના જ નહીં બલ્કે ગુજરાતના ખ્યાતનામ સાઇકલિસ્ટસ છે.

2. ૬૬ વર્ષના રાજેશ જરીવાલા આ સિદ્ધિ સર કરનાર સૌથી વધુ ઉંમરના સાયકલીસ્ટ બન્યા. નવ યુવાનોને શરમાવે તેવી ફિટનેસ ધરાવતા રાજેશ જરીવાલાએ 66 વર્ષની ઉંમરે 500 કિ.મી.ની એડવેન્ચરીયસ સાઇકલિંગ ટૂર પૂરી કરીને ઇતિહાસ પોતાના નામે સર્જી દીધો છે.
3. અજીતા ઇટાલીયા ફરી એકવાર આ સિદ્ધિ સર કરનાર ભારત ના સૌ પ્રથમ મહિલા બન્યા. અજીતા ઇટાલિયા અગાઉ હિમાચલ પ્રદેશમાં સ્પીટી વેલી ખાતે કપરામાં કપરી સ્થિતિમાં સાઇકલિંગ કરીને ગિનેસ રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે. આ તેમની દ્વિતીય સાહસિક સાઇકલિંગ યાત્રા હતા, જે પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

4. બ્રહ્મપુત્ર નદીના સાનિધ્યમાં પૂર્વીય અરુણાચલ પ્રદેશના અત્યંત દુર્ગમ રૂટ પર 500 કિ.મી.નું સાઇકલિંગ સફળતાપૂર્વક કરનાર સૌથી પહેલું ભારતીય પરિવાર જો કોઇ હોય તો એ જગદીશ ઇટાલિયા પરિવાર છે. આ સાઇકિલંગ ટૂરમાં જગદીશ ઇટાલયા, તેમના પત્ની અજિતા ઇટાલિયા અને પુત્ર કાર્ય ઇટાલિયા ક્રુ મેમ્બર તરીકે જોડાયા હતા. આ સિદ્ધિ સર કરનાર સૌ પ્રથમ ભારતીય પરિવાર બન્યો છે.
5. પૂર્વ અરુણાચલ પ્રદેશ ખાતે 500 કિ.મી.ની આ સાહસિક યાત્રા સફળતાપર્વક સર કરનાર સૌથી મોટું ગ્રુપ સુરતનું લાઇફ સાઇકલિંગ ગ્રીન ગ્રુપ બન્યું છે. કુલ 18 સાઇકલિસ્ટસ સાથે સાઇકલિંગ શરૂ કરનાર આ ગ્રુપના 16 સભ્યોએ સફળતાપૂર્વક ટૂર પૂર્ણ કરી છે. આ સમગ્ર ગ્રુપ એ અત્યાર સુધીમાં આ જગ્યાએ પહોચનાર સૌથી મોટામાં મોટા ગ્રુપ ની સિદ્ધિ હાંસલ કરી.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


