Crypto Market Crash રોકાણકારોના 1.56 લાખ કરોડ ડોલર, બિટકોઈનમાં 19 અબજ ડોલર ડૂબ્યાં

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવાર Dt 10/12/2025 ચીન પર વધારાના ૧૦૦ ટકા ટેરિફની ધમકી આપી છે, જેને પગલે યુએસ-ચીન વચ્ચે ફરી ટ્રેડ વોરની આશંકાથી અમેરિકન સ્ટોક માર્કેટમાં મોટો કડાકો બોલાયો હતો.
અમેરિકન શૅરબજાર એસએન્ડપી ૫૦૦માં ૨.૭૧ ટકા તૂટકા રોકાણકારોએ એક જ દિવસમાં ૧.૫૬ લાખ કરોડ ડોલર ગુમાવ્યા હતા. બીજીબાજુ જોખમી એસેટસ તરીકે ઓળખાતા મુખ્ય ક્રિપ્ટોના ભાવમાં એક જ દિવસમાં ૧૪,૦૦૦ ડોલરથી વધુનો કડાકો બોલાઈ ગયો હતો. બિટકોઈનના ભાવ ૧.૨૨ લાખથી ગગડીને ૧.૦૮ લાખની અંદર આવી ગયા હતા. શનિવારે મોડી સાંજે બિટકોઈનનો ભાવ વધીને ૧.૧૨ લાખ ડોલર થયો હતો.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ચીન પર હાલમાં લાગુ ૩૦ ટકા ટેરિફ ઉપરાંત ૧૦૦ ટકા ટેરિફ લગાવવા અને સોફ્ટવેરની ચીનમાં નિકાસ પર પ્રતિબંધની ધમકી આપતા અમેરિકાના સ્ટોક માર્કેટમાં ભૂકંપ આવ્યો હતો. ડાઉજોન્સ ૮૭૮ પોઈન્ટ એટલે કે ૧.૯ ટકા ગગડીને ૪૫,૪૭૯.૬૦, એસએન્ડપી ૫૦૦ ૨.૭૧ ટકા તૂટીને ૬,૫૫૨.૫૧ અને નાસ્ડેક ૩.૫૬ ટકા ગગડીને ૨૨,૨૦૪.૩૨ના સ્તરે પહોંચી ગયા હતા. અમેરિકન શૅરબજારમાં એપ્રિલ પછી એક જ દિવસમાં આ સૌથી મોટો કડાકો હતો.
ફેક્ટસેટના આંકડા મુજબ અમેરિકન બજારો તૂટતાં એકજ દિવસમાં ૧.૫૬ લાખ કરોડ ડોલરની વેલ્યુનું ધોવાણ થઈ ગયું હતું. ટ્રમ્પની જાહેરાતથી રોકાણકારોમાં અમેરિકા અને ચીન વચ્ચે ફરી એક વખત ટ્રેડ વોર શરૂ થવાનો ગભરાટ ફેલાયો છે. બંને દેશોની ટ્રેડ વોરથી અગાઉ પણ વૈશ્વિક અર્થતંત્ર હચમચી ઉઠયું છે.
ટ્રમ્પના ટેરિફની ધમકીથી ક્રિપ્ટો બજાર પણ તૂટયું હતું. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનના ભાવ ૧,૨૨,૦૦૦ ડોલરની સપાટીએથી ગબડી ૧,૦૮,૨૦૦ ડોલરની અંદર આવી ગયો હતો. જોકે, શનિવારે મોડી સાંજે બિટકોઈનનો ભાવ ૧,૧૨,૦૦૦ ડોલર આસપાસ બોલાતો હતો. બિટકોઈનની પાછળ છેલ્લા ચોવીસ કલાકમાં અન્ય મોટી એથરમ પણ ૧૫ ટકાથી વધુ તૂટી ૩૮૦૦ ડોલરની નીચે જતો રહ્યો હતો.
જોકે, સમાપ્ત થયેલા સપ્તાહમાં બન્ને ક્રિપ્ટોએ તેમની ઓલટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી. બિટકોઈને ૧,૨૬,૦૦૦ ડોલરથી વધુની ઓલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી જ્યારે એથરમ ૪૫૦૦ ડોલરથી ઉપર જોવા મળ્યો હતો. બિટકોઈનના આ કડાકાને લઈને ૧૬ લાખ જેટલા ટ્રેડરોએ એક જ દિવસમાં એકંદરે ૧૯ અબજ ડોલરનું નુકસાન કર્યું છે. ક્રિપ્ટોના ઈતિહાસમાં એક જ દિવસમાં આટલું જંગી ધોવાણ પહેલી જ વખત જોવા મળ્યું છે.
બજારમાં ભારે વેચવાલી આવશે તેવી ચિંતાએ આશરે ૩૦ અબજ ડોલરનું લેણ લિક્વિડેટ કરાયું હોવાની ધારણાં છે. કડાકાને પગલે ક્રિપ્ટોકરન્સીઝની માર્કેટ કેપ ૪.૩૦ ટ્રિલિયન ડોલરની રેકોર્ડ સપાટીએથી ગબડી ૩.૭૪ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. ટ્રમ્પની ટીપ્પણીથી ક્રૂડ બજાર પણ હચમચી ઉઠયું હતું. અમેરિકન ક્રૂડ ઓઈલનો ભાવ ૪.૨ ટકા અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ ૩.૮ ટકા સુધી ઘટી ગયો હતો, જે મે મહિના પછી સૌથી નીચા સ્તરે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
