દૂધાળા તળાવ નહીં હું તૂટી ગયો તો, એ દિવસે મેં મને પહેલીવાર ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા જોયો: પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયા

Share On :

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મિડીયાના કેટલાક મિત્રો સાથે આજે પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયાને મળવાનું થયું. ખુલ્લી કિતાબ જેવું જીવન અને જેવા છીએ તેવા વર્તાઇએને જીવન મંત્ર બનાવનાર ઉદ્યોગપતિ કહો, સમાજ સેવક કહો, મેન્ટર કહો કે પછી સવજી કાકા, તમામ પાત્રોમાં પોતાને જીંદાદિલીથી ઢાળી દેનારા સવજીભાઇ ધોળકીયાએ આજે કેટલીક અંતરંગ વાતો અમારી સાથે શેર કરી હતી.

અનેક પ્રવૃતિમાં તમારા હ્રદયની નજીક હોય તેવી પ્રવૃતિ કઇ

સવજીભાઈ ધોળકીયાએ કહ્યું કે ફૂલ છોડ અને વૃક્ષ મળે એટલે મારે મન ભગવાન મળ્યા. હું એકલો હોઉ, સમય મળે એટલે હું છોડવાઓના જતનમાં લાગી જાઉ, ગામડે હોઉ કે સુરતમાં હોઉ બસ મને આ પ્રવૃતિ બહું જ ગમે. સવજીભાઇએ તો ત્યાં સુધી કહ્યું કે ક્યારેક તો એવું લાગે કે વૃક્ષો સાથે મારે જન્મોજનમનો નાતો હશે.

લોકોમાં ઉત્સાહનો સંચાર કરો છો ક્યારેક તમારા જીવનમાં હતોત્સાહ અનુભવ્યો

સવજીભાઇએ તરત જ કહ્યું, મારું દુધાળા તળાવ તૂટ્યું ત્યારે તળાવ નહીં હું તૂટી ગયો હતો. 2021ના ચોમાસા દરમિયાન સવજીભાઇના ગામ દૂધાળા ખાતે તેમણે બનાવેલું મુખ્ય તળાવ છલોછલ હતુ અને તેમાં સંજોગોવસાત્ ભંગાણ પડ્યું હતું અને પાણીનો ધોધ એટલો વહી રહ્યો હતો કે જો એના ગણતરીના સમયમાં રિપેર ન કરાયું હોત તો કદાચ સમગ્ર પંથકના ખેતરોમાં વિનાશ વેરાય ગયો હોત. સવજીભાઇએ કહ્યું કે એ દિવસે ના તો દિવસે ચેન પડ્યું ન તો રાત્રે ચેન પડ્યું. મેં મને પહેલીવાર જોયો ધ્રુસ્કે ધુસ્કે રડતા. તેમણે કહ્યું કે એ સમયે નકારાત્મક વિચારોનો જાણે હુમલો થયો હોય, એવી સ્થિતિમાં નકારાત્મકતા ખંખેરીને તૂટેલા તળાવના રિપેરિંગ અંગે જાતે જ વિચાર્યું. પત્થરોની જરૂરીયાત હતી. વહીવટીતંત્રનો એપ્રોચ કર્યો જેટલા ઓછા સમયમાં પત્થરો જોઇતા હતા તે તંત્ર ઉપલબ્ધ કરાવી શકે તેમ ન હતું. બસ પછી સ્વયંના જોરે પ્રયાસો કર્યા 18થી 20 ટ્રકો ભરીને મોટા મોટા પત્થરોની વ્યવસ્થા કરી. તળાવના ભંગાણમાં સામા પ્રવાહે વહેતા પાણીમાં પત્થરો મૂકીને ભંગાણ પૂર્યું અને તળાવને બચાવ્યું.

કઇ રમત ગમે છે અને તમે રમ્યા છો

સવજીભાઇએ કહ્યું કે હું આજે પણ વોલીબોલમાં સેન્ટર પોઝીશનથી રમું છું અને આ ઉંમરે પણ ભલભલા યંગસ્ટર્સની ટીમને ચેલેન્જ આપું છું. તેમણે કહ્યું કે ઘોડેસવારી મને ખૂબ પસંદ છે અને હકીકતમાં આજે સવારે (તા.30-01-22) જ ઘોડેસવારીનો ભરપૂર આનંદ માણ્યો હતો. સવજીભાઇ કહે છે કે રમતગમતની વાત કરું તો વોટર સ્પોર્ટસની પ્રવૃતિ દુધાળા તળાવમાં વિકસાવી છે. યુવાનો કદાજ કરતા ખચકાતા હશે પણ હું તો ડેરીંગથી કોઇપણ રમત રમી જાણું છું.

સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરો તેના બંધાણી ન બનો

અનેક યંગસ્ટર્સ માટે મેન્ટરની ભૂમિકા ભજવતા સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે યંગસ્ટર્સ જેઓ સોશ્યલ મિડીયામાં બિનજરૂરી રીતે કલાકો વ્યતિત કરી નાંખે છે. મારું કહેવું છે કે આજના જમાનામાં સોશ્યલ મિડીયા જરૂરી છે પણ તેનો ઉપયોગ કરીને આપણું કામ કાઢી લેવાનું છે, તેના બંધાણી ન બનાય.

મારા ગુરુ ગોવીંદભાઇ ધોળકીયા

સવજીભાઇ ધોળકીયાને જ્યારે પૂછ્યું કે એવી કઇ વ્યક્તિ છે કે જેણે તમને ખુબ પ્રોત્સાહિત કર્યા છે, તેમણે કહ્યું કે મારા વડીલ બંધુ ગોવીદંભાઇ ધોળકીયા મારા માટે ગુરુ સમાન છે. આજે પણ અમે બેઉ ભાઇઓ વચ્ચે એટલું બોન્ડીંગ છે કે જેટલું કદાચ અન્ય કોઇ વચ્ચે ન જોવા મળે. જ્યારે ગોવીંદભાઇ ધોળકીયા સૌરાષ્ટ્રથી સુરત આવ્યા ત્યારે સવજીભાઇનો જન્મ થયો હતો. એ પછી બાર વર્ષની ઉંમરે સવજીભાઇ સુરત આવ્યા હતા.

ડાયમંડ બુર્સ સુરતની સિકલ બદલી નાંખશે

સુરત ડાયમંડ બુર્સ વિશે સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે સુરતની સિકલ બદલી નાંખશે. મુંબઇવાળાઓએ પણ સુરત તો આવવું જ પડશે. સુરતમાં વિશ્વના દસમાંથી આઠ હીરા કટ એન્ડ પોલિશ થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે બિઝનેસ માટે મુંબઇવાળાએ નહીં પણ જેણે બિઝનેસ કરવો હશે ડાયમંડનો એ તમામે સુરત આવવું પડશે.

ઇન્ટરનેશનલ બાયર્સ નહીં હવે ઓનલાઇન ટ્રેડિંગ જ ડાયમંડ ઉદ્યોગની વહારે

સુરતમાં હીરા ઉદ્યોગ વિકસી રહ્યો છે પણ સૌથી મોટી સમસ્યા ઇન્ટરનેશનલ બાયર્સની છે, તમે શું માનો છે એવા પ્રશ્નના ઉત્તરમાં સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે કોરોના કાળે સૌથી મોટી ભેંટ આપી છે અને એ ભેટ છે ઓનલાઇન પ્રવૃતિની. આજે 75 ટકાથી વધુ હીરાનું વેચાણ તો ઓનલાઇન ટ્રેડિંગથી થાય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :