12/8/21 : લોર્ડસ ટેસ્ટ India Vs England

ટ્રેંટબ્રિજનાં મેદાન પર તો વરસાદને લીધે ઇંગ્લેન્ડની લાજ બચી ગઈ પણ હવે ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડસનાં મેદાન પર ગુરુવારથી ભારત અને ઇંગ્લેન્ડ આમને-સામને હશે ત્યારે મુકાબલો કસોકસનો બની રહેશે. લોર્ડસનું મેદાન ઝડપી બોલરો માટે સ્વર્ગ માનવામાં આવે છે. આ વખતે લોર્ડસમાં ગ્રીનટોપ વિકેટ પર બન્ને ટીમના બેટ્સમેનોની કસોટી થવી નક્કી છે. એવામાં ટીમ ઇન્ડિયાની ઇન ફોર્મ ફાસ્ટ બોલિંગને તેનો ફાયદો મળી શકે છે. બીજી તરફ ઇંગ્લેન્ડ માટે વાપસીની તક રહેશે. જો કે લોર્ડસનાં મેદાન પરની ભારતની ટેસ્ટ સફર હજુ સુધી નિરાશાજનક રહી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડસ પર ટીમ ઇન્ડિયા પહેલીવાર 1932માં ટેસ્ટ રમવા ઉતરી હતી ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારતીય ટીમને ફક્ત બે જીત જ નસીબ થઈ છે.
લોર્ડસનાં મેદાન પર ટીમ ઇન્ડિયા 2018 સુધીમાં કુલ 18 ટેસ્ટ મેચ રમી છે. જેમાં ફક્ત બે મેચમાં જ જીત મળી છે જ્યારે 12 મેચમાં હાર સહન કરવી પડી છે. ચાર મેચ ડ્રો રહ્યા છે. છેલ્લે 2018માં વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ લોર્ડસનાં મેદાન પર કંગાળ દેખાવ કરીને એક દાવ અને 1પ9 રને હારી હતી. ઇંગ્લેન્ડના ઝડપી બોલિંગ આક્રમણ સામે ભારતીય ટીમ બન્ને દાવમાં નતમસ્તક થઈ હતી અને મહામુસિબતે 100ના આંકડાને પાર કરી શકી હતી. એન્ડરસન અને બ્રોડે એ મેચમાં ભારતીય બેટધરોને ધોળે દિવસે તારા દેખાડી દીધા હતા.
ખાસ વાત એ રહેશે કે ભારતીય સુકાની લોર્ડસનાં મેદાન પર તેની સદીના દુકાળને ખતમ કરવા પણ ઇચ્છશે. તે આમ પણ હજુ સુધી લોર્ડસના ઐતિહાસિક મેદાન પર ત્રણ આંકડે પહોંચી શક્યો નથી. મહાન સચિન તેંડુલકર અને સુનિલ ગવાસ્કર પણ લોર્ડસમાં સદીથી વંચિત રહ્યા છે.
કોહલી આ કમનસીબ સૂચિમાં સામેલ થવા ઇચ્છશે નહીં. કોહલી પાછલી 9 ટેસ્ટની 1પ ઇનિંગથી સદી કરી શક્યો નથી. છેલ્લે તેણે નવેમ્બર-2019માં સદી કરી હતી. આ પછી 1પ ઇનિંગમાં તે ફક્ત 34પ રન જ કરી શક્યો છે. સરેરાશ 23.00 છે. લોર્ડસ પર ગવાસ્કરે 10 ઇનિંગમાં 340 રન અને સચિન તો અહીં 9 ટેસ્ટ ઇનિંગ અર્ધસદી પણ કરી શક્યો નથી. કોહલી લોર્ડસમાં ચાર ઇનિંગ રમી ચૂક્યો છે. જેમાં તેનાં નામે 6પ રન છે. શ્રેષ્ઠ સ્કોર 2પ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
