India Vs England ટેસ્ટ : પ્રથમ દિવસે ઈંગ્લેન્ડનો 183 રનમાં ધબડકો
ભારતીય બોલર્સનું શાનદાર પ્રદર્શન, પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડ 183 રનમાં આઉટ, જો રૂટની અડધી સદી
જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી સહિત બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે બુધવારથી નોટ્ટિંગહામમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં પ્રથમ દિવસે જ ઈંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતિ મેળવી લીધી છે. ભારતે મેચના પ્રથમ દિવસે યજમાન ટીમને આઉટ કરી દીધી હતી. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 183 રનમાં સમેટાઈ ગયો હતો. જસપ્રિત બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે વિના વિકેટે 21 રન નોંધાવ્યા છે. લોકેશ રાહુલ અને રોહિત શર્મા 9-9 રન પર રમતમાં છે.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર ઈંગ્લેન્ડને પ્રથમ ફટકો પડ્યો હતો. જસપ્રિત બુમરાહે રોરી બર્ન્સને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. બર્ન્સ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ત્યારબાદ ડોમિનિક સિબ્લી અને ઝેક ક્રાઉલીની જોડીએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ જોડીએ 42 રનની ભાગીદારી નોંધાવી હતી.
પરંતુ આ જોડી વધારે જોખમી બને તે પહેલા જ મોહમ્મદ સિરાજે ક્રાઉલીને આઉટ કરીને ભારતને મહત્વની સફળતા અપાવી હતી. ક્રાઉલીએ 68 બોલમાં ચાર ચોગ્ગા સાથે 27 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે મોહમ્મ શમીએ સિબ્લીને આઉટ કરવામાં સફળતા મેળવી હતી. તેણે 70 બોલમાં 18 રન નોંધાવ્યા હતા.
ત્યારબાદ સુકાની જો રૂટ અને જોની બેરસ્ટોએ ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો. રૂટ અને બેરસ્ટોએ 72 રનની ભાગીદારી નોંધાવી હતી. આ જોડીએ ઈંગ્લેન્ડને મેચમાં પાછુ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેવા સમયે જ શમીએ બેરસ્ટોને આઉટ કરીને ભારતને રાહતનો શ્વાસ અપાવ્યો હતો. બેરસ્ટોએ 71 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 29 રન નોંધાવ્યા હતા. જ્યારે રૂટે અડધી સદી ફટકારી હતી. રૂટે 108 બોલમાં 64 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં 11 ચોગ્ગા સામેલ હતા.
આજ (4/8/21)થી ટીમ India Vs England ટેસ્ટ ક્રિકેટ
વિરાટ કોહલીના કપ્તાનપદ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમના ઇંગ્લેન્ડ વિરૂધ્ધના પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત આવતીકાલ બુધવારથી થશે. ત્યારે કપ્તાન વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રીની ટીમ સંયોજન પસંદ કરવાની રણનીતિ તૈયાર કરવાની પરીક્ષા થશે.

કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ઇલેવન પહેલા જાહેર કરી દીધી હતી, બાદમાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર ન કરવાનું પરિણામ સહન કરવું પડયું હતું. આવતીકાલથી શરૂ થતાં પહેલા ટેસ્ટમાં રોહિત શર્માના દાવનો પ્રારંભ કરવાનું કેએલ રાહુલનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. કારણ કે મયંક અગ્રવાલ માથાની ઇજાને લીધે પહેલા ટેસ્ટની બહાર થઇ ગયો છે. રાહુલ અનુભવી અને છે અને અભ્યાસ મેચમાં સદી કરી ચૂક્યો છે.
ઇંગ્લેન્ડની ટીમ તેના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસની ગેરહાજરી સાથે મેદાને પડશે. સ્ટોકસે ફરી એકવાર માનસિક તનાવનો હવાલો આપીને ક્રિકેટમાંથી બ્રેક લીધો છે.
પહેલા ટેસ્ટમાં ભારત ચાર ઝડપી બોલર અને એક સ્પિનર સાથે ઉતરે છે કે બે સ્પિનર અને ત્રણ ઝડપી બોલર સાથે તે મહત્ત્વનું બની રહેશે. જો અશ્વિન અને રવીન્દ્ર ઇલેવનમાં સામેલ હશે તો જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાઝમાંથી એકને બહાર બેસવું પડી શકે છે. બુમરાહ પાછલા કેટલાક સમયથી તેની ધાર ખોઇ ચૂક્યો છે. અનુભવી ઇશાંત અને શમીને પડતા મૂકવાનો જુગાર ભારત ખેલી શકે નહીં. ટોસની ભૂમિકા પણ ઘણી મહત્ત્વની બની રહેશે. જો બુધવારે વાદળછાયું વાતવરણ હશે તો ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે. પાછલા કેટલાક સમયથી ધ વોલ ચેતેશ્વર પુજારાનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. તેના પર રન કરવાનું દબાણ રહેશે. ઉપસુકાની રહાણેને ફિટનેસની સમસ્યા છે.
ભારતીય બેટધરોને ફરી એકવાર ડયૂક બોલથી દુનિયાની શ્રેષ્ઠ ઝડપી બોલિંગ જોડી જેમ્સ એન્ડરસન અને સ્ટૂઅર્ટ બ્રોડનો સામનો કરવાનો રહેશે. તેની સાથે માર્ક વૂડ અને ઓલિ રોબિન્સન હશે.
ઇંગ્લેન્ડની ટીમ જો રૂટના સુકાનીપદ હેઠળ પાંચ ટેસ્ટની શ્રેણી જીતવાનો ભરપૂર પ્રયાસ કરશે. કારણ કે બાદમાં તેમને એશિઝ સિરીઝ રમવાની છે. સુકાની રૂટ ઉપરાંત રોરી બર્ન્સ, જેક ક્રાઉલી, ડેન લોરેંસ, ઓલી પોપ અને જોસ બટલર ભારતીય બોલરોની કસોટી કરશે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારથી 3-30થી શરૂ થશે અને સોની સ્પોર્ટસની ચેનલ પરથી જીવંત પ્રસારણ થશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
