કેન્દ્રની કબૂલાત કોરોના બેકાબૂ બની રહ્યો છે

દેશમાં કૂદકેભૂસકે વધી રહેલા કોરોના કેસને પગલે આજે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એકવાર ચેતવણીનાં સૂરમાં કહેવામાં આવ્યું હતું કે, સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. જે ચિંતાનો વિષય છે. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જ્યાં કેસમાં તીવ્ર ઉછાળો આવી રહ્યો છે તેવા રાજ્યોને ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાં સૂચના પણ આપવામાં આવી છે.
છેલ્લા એકાદ માસમાં દેશમાં કોરોનાનાં કેસમાં નિરંકુશ વધારો થયો છે. સ્વાસ્થ્ય તજજ્ઞો આને કોરોનાની બીજી લહેર ગણાવી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કોરોનાના કેસમાં ઓચિંતા ફરીથી ઉછાળો આવવાનું કારણ જણાવ્યું છે. હર્ષવર્ધને કહ્યું હતું કે, દેશમાં અનેક લોકો એવું માને છે કે કોરોનાની રસી આવી ગઈ છે એટલે હવે બધુ ઠીક થઈ ગયું છે. જેથી લોકો આને ગંભીરતાથી લેતા નથી. લોકો હવે કોરોનાને હળવાશમાં લેવા લાગ્યા છે માટે સુપર સ્પ્રેડર બનીને કોરોનાને વકરાવી રહ્યા છે.
કેન્દ્ર સરકારનાં સચિવે પણ કોરોના સંક્રમણ પર દેશવાસીઓને ચેતવણી ઉચ્ચારી હતી. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, કોરોનાના વધતા ચેપથી સ્થિતિ બદતર થઇ રહી છે અને ખાસ કરીને કેટલાક રાજ્યો માટે એ ચિંતાનો મોટો વિષય છે. સમગ્ર દેશ જોખમમાં છે, એવામાં કોઇએ બેદરકારી ન કરવી જોઇએ.
હર્ષવર્ધને કહ્યું હતું કે, રસી લીધા પછી બીજીવાર કોવિડ-19થી સંક્રમિત થવું એ દુર્લભ ઘટના કહી શકાય, તેમ છતાં જો વેક્સિન લીધા પછી કોરોના થાય તો તેમાં ખતરો નથી રહેતો.
ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ જરૂરી છે. એકવાર કેસ ટ્રેક થઈ ગયા બાદ આઈસોલેશનમાં તેની સારવાર અનિવાર્ય છે. કોરોના સામેની લડાઈમાં ભારતની તૈયારીની વાત કરતાં તેમણે ઉમેર્યુ હતું કે, દેશમાં અત્યારે 20 લાખ બેડ બનાવાયા છે. ભારત સરકાર તમામ કેસને ગંભીરતાથી લઈ રહી છે. ગત સપ્તાહે 47 જિલ્લાઓ સાથે બેઠક થઈ હતી. આજે દેશનાં 430 જિલ્લામાં 7થી લઈને 28 દિવસમાં કોઈ કેસ નોંધાયા નથી.
સચિવે કહ્યું હતું કે, કોવિડ-19થી સૌથી વધુ અસરગ્રસ્ત 10 જિલ્લામાંથી આઠ મહારાષ્ટ્રના છે અને દિલ્હી પણ એક જિલ્લાનાં રૂપમાં આ યાદીમાં સામેલ છે. આ સિવાય પુણે, મુંબઇ, નાગપુર, થાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગ્લોર, નાંદેડ અને અહમદનગરનો સમાવેશ થાય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
