13/3/25: આજે હોળીકા દહન, ભારતમાં અનેક નામથી હોળી તહેવાર ઉજવાય રહ્યો છે

Share On :

દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. રંગોનો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના તહેવાર સાથે જોડાયેલી ભક્ત પ્રહલાદ અને હોળીકા દહનની વાત તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ ‘હોલિકા’ અને ‘હોળી’ કહીએ છીએ તે શબ્દ કેવી રીતે અસ્તિત્વ આવ્યો તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આ સાથે ગુજરાત સિવાયના રાજ્યમાં હોળીના તહેવાર માટે અલગ અલગ નામ છે. તો આવો જાણીએ આ રસપ્રદ માહિતી વીશે.

હરિયાણામાં હોળીને ‘દુલંડી’ કહેવાય છે તો પંજાબમાં હોળીને ‘હોલા મોહલ્લા’, જ્યારે બિહાર અને ઉત્તરપ્રદેશમાં હોળીનું નામ છે ‘ફાગ અને લઠમાર’, તો મહારાષ્ટ્રમાં હોળીને ‘ફાલ્ગુન પૂર્ણિમા’, અને દક્ષિણ ભારતમાં ‘કામદહન’ નામ ઓખળવામાં આવે છે.

હોળીના અલગ અલગ નામની સાથે તેની ઉજવણીની પરંપરામાં પણ વિવિધતા જોવા મળે છે. વૃંદાવનમાં ફૂલોથી હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે. રાધાકૃષ્ણના મંદિરોમાં ભક્તો એક્બીજા પર ફુલો ફેંકી હોળી મનાવે છે. તો કેટલીક જગ્યાએ ગુલાબી કે પીળા ગુલાલનો જ ઉપયોગ કરાય છે. જ્યારે કોઈ જગ્યાએ ચંદન-કેસર ઘોળીને પાણી બનાવી તેનાથી રંગવામાં આવે છે

કોઈને કોઈ તહેવાર કે તેના નામ પાછળ ઈતિહાસ કે કથા છુપાયેલી હોય છે. આવું જ કંઈક ‘હોળી’ શબ્દ માટે છે. કહેવાય છે કે ફાગણ સુદ પૂનમે પ્રાચીન આર્યજનો નવા ઘઉં અને જુવારના ડૂંડાને હવનના અગ્નિમાં હોમીને અગ્નિહોત્રનો પ્રારંભ કરતા હતા. અનાજના ડૂંડાને સંસ્કૃતમાં ‘હોલક’ કહેવામાં આવે છે. એના પરથી ‘હોલિકા’ અને ‘હોલી’ શબ્દો આવ્યા. ગુજરાતીમાં ‘હોલી’ પરથી સમયાંતરે ‘હોળી’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે.

હોળીની પરંપરાગત કથા-

હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપ નામે એક રાક્ષસ હતો. તેના કુંવરનું નામ પ્રહલાદ હતું. કુંવર પ્રહલાદ પ્રભુ ભજે એ તેમને ન ગમે. પ્રહલાદને મારી નાંખવા હિરણ્યકશ્યપની બહેન હોલિકા તેને ખોળામાં બેસાડી લાકડાઓની ચિતામાં બેઠી. ચિતા સળગાવવામાં આવી ત્યારે એક ચમત્કાર થયો. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ પરંતુ પ્રહલાદ ઉગરી ગયો. આમ સત્ય અને પ્રભુની ભક્તિનો વિજય થયો.

હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવી લોકો હોળીની પૂજા કરે છે, તેમાં શ્રીફ્ળ-નાળિયેર હોમે છે. અને નાના બાળકોથી માંડી વડીલો પ્રગાટાવાયેલી હોળીની પ્રદક્ષિણા કરે છે. નવ દંપતિ પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવે છે. તો મહિલાઓ પોતાના બાળકો અને પરિવારના સારા સ્વાસ્થ્યની કામના કરે છે. દિવસ દરમિયાન લોકો રાંધેલું અનાજ નથી આરોગતા, પરંતુ હારડા, ધાણી, ચણા, ખજુર ખાય છે. જ્યારે સાંજે હોળીના દર્શન કર્યા બાદ ઘરે જઈને સહપરિવાર બધા ભોજન કરે છે.

આમ હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, સત્યનિષ્ઠાનો મહિમા સમજાવતો, તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસહ્ય પ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :