Modi Govt 3.0ના સાથી JDS નેતા પ્રજ્જવલની તમામ સેક્સ ટેપ સાચી

Share On :

દેવગૌડા પરિવારને માથું કૂટવાનો વારો, પૈસાદાર પરિવારના ફરજંદ પ્રજ્વલ સામે અત્યાર સુધીમાં બળાત્કારના ત્રણ કેસ નોંધાયેલા છે

  • દેવ ગૌડા પરિવાર પાસે પ્રજ્વલને બચાવવા માટેનું મુખ્ય હથિયાર સેક્સ ટેપ્સને બનાવટી સાબિત કરવાનું હતું પણ એફએસએલના રીપોર્ટે આ હથિયારને સાવ બુઠ્ઠું કરી નાંખ્યું છે. પ્રજ્વલ સામે અત્યાર સુધી બળાત્કારના ત્રણ કેસ નોંધાયેલા છે. પ્રજ્વલની કામવાળીની ફરિયાદ પ્રમાણે, પોતે ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન પ્રજ્વલના ઘરે કામ કરતી હતી ત્યારે પ્રજ્વલ તથા તેના ધારાસભ્ય બાપ રેવન્નાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવીને શરીર સંબંધ બાંધ્યા હતા. પ્રજ્વલ તેની દીકરીને પણ ગંદા વીડિયો કોલ કરીને શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જેડીએસની એક મહિલા નેતા સાથે પણ પ્રજ્વલ તેની ઓફિસમાં જ શરીર સુખ માણતો હતો એવી મહિલાની ફરિયાદ છે.

લોકસભાની ચૂંટણી પહેલાં ખળભળાટ મચાવનારા પ્રજ્વલ રેવન્ના સેક્સ કાંડમાં મહત્વનો વળાંક આવ્યો છે. પ્રજ્વલ રેવન્નાના અલગ અલગ મહિલાઓ સાથેના સેક્સના ૨૯૭૬ વીડિયો અને સેંકડો અશ્લીલ ફોટા સાથેની પેન ડ્રાઈવ ચૂંટણી પહેલાં ફરતી થતાં પ્રજ્વલ જર્મની ભાગી ગયો હતો. બહુ મથાવ્યા પછી પ્રજ્વલ હાજર થયો ત્યારે તેણે દાવો કરેલો કે, આ સેક્સ ટેપ્સ મોર્ફ કરેલી અને એડિટ કરાયેલી એટલે કે બનાવટી છે. પોતાના પરિવારને રાજકીય રીતે ખતમ કરવા નકલી સેક્સ સીડીઓ ફરતી કરાઈ છે. પ્રજ્વલનો પરિવાર પણ આ રેકર્ડ વગાડયા કરતો હતો.

આ સેક્સ ટેપ્સની સત્યતાની ચકાસણી કરવા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)માં મોકલાયેલી. એફએસએલના રીપોર્ટ પ્રમાણે, પ્રજ્વલની સેક્સ સીડીઓ અસલી છે અને તેમાં કોઈ છેડછાડ કરાયેલી નથી. એફએસએલ દ્વારા કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઈઆઈટી)ને અપાયેલા રીપોર્ટમાં સાફ લખાયેલું છે કે, એક પણ સેક્સ ટેપ મોર્ફર્ડ, એનિમેટેડ કે એડિટેડ નથી.

એફએસએલના રીપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, સેક્સ ટેપ્સમાં દેખાતી વ્યક્તિનો શારિરિક દેખાવ પ્રજ્વલ રેવન્નાને મળતો આવે છે. ઘણી સેક્સ ટેપ્સમાં વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ નથી દેખાતો તેથી તેમાં પ્રજ્વલ જ છે એવું ના કહી શકાય પણ મોટા ભાગના વીડિયોમાં પ્રજ્વલ જ છે એ સ્પષ્ટ છે એવું રીપોર્ટમાં કહેવાયું છે.

એફએસએલના રીપોર્ટના પગલે પ્રજ્વલ ફરતે ગાળિયો વધારે કસાયો છે એ સ્પષ્ટ છે. દેવ ગૌડા પરિવાર પાસે પ્રજ્વલને બચાવવા માટેનું મુખ્ય હથિયાર તેની સેક્સ ટેપ્સને બનાવટી સાબિત કરવાનું હતું પણ એફએસએલના રીપોર્ટે આ હથિયારને સાવ બુઠ્ઠું કરી નાંખ્યું છે. પ્રજ્વલ સામે બીજા મજબૂત પુરાવા છે જ. પ્રજ્વલ સામે અત્યાર સુધી બળાત્કારના ત્રણ કેસ નોંધાયેલા છે.

આ પૈકી પહેલો કેસ ૨૮ એપ્રિલે તેમની કામવાળીએ નોંધાવેલો. કામવાળીની ફરિયાદ પ્રમાણે, પોતે ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન પ્રજ્વલના ઘરે કામ કરતી હતી ત્યારે પ્રજ્વલ તથા તેના ધારાસભ્ય બાપ રેવન્નાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવીને શરીર સંબંધ બાંધ્યા હતા. પ્રજ્વલ તેની દીકરીને પણ ગંદા વીડિયો કોલ કરીને શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો એવો આક્ષેપ મહિલાએ કર્યો છે. આ કેસમાં પોલીસને પ્રજ્વલે કરેલા અશ્લીલ વીડિયો કોલનાં રેકોર્ડિંગ મળેલાં છે.

મહિલા તથા તેની દીકરીએ નોંધાવેલા બે અલગ અલગ કેસો ઉપરાંત જેડીએસની એક મહિલા નેતાએ પણ પ્રજ્વલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પ્રજ્વલ સાંસદ હોવાથી તેની પાસે લોકોનાં કામ કરાવવા જતી કાર્યકર સાથે પ્રજ્વલ તેની ઓફિસમાં જ શરીર સુખ માણતો હતો એવી મહિલાની ફરિયાદ છે. પ્રજ્વલે આ મહિલા સાથેના સેક્સ સંબંધોનું રેકોર્ડિંગ કરેલું ને તેના પુરાવા પણ મળ્યા છે. આ ત્રણ કેસના પુરાવા જોતાં પ્રજ્વલને ફિટ કરી દેવા માટે કર્ણાટક પોલીસની એસઆઈટી પાસે મજબૂત પુરાવા છે. હવે એફએસએલના રીપોર્ટમાં તમામ સેક્સ ટેપ પણ સાચી હોવાનું સાબિત થતાં પ્રજ્વલ સામે પુરાવાની કોઈ કમી જ નહીં રહે.

આ સંજોગોમાં અત્યારે પ્રજ્વલ બરાબરનો ભેખડે ભરાયેલો છે એ સ્પષ્ટ છે. લોકોએ લોકસભાની ચૂંટણીમાં તેને હરાવીને આક્રોશ ઠાલવ્યો છે તેથી તેની રાજકીય કારકિર્દી સામે પણ સવાલ છે. જેડીએસ દ્વારા તેને સસ્પેન્ડ કરી દેવાયો છે. પ્રજ્વલના કાકા કુમારસ્વામી અત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી છે પણ એ ખુલ્લેઆમ તેનો બચાવ કરી શકે તેમ નથી એ જોતાં પ્રજ્વલ માટે છટકવું મુશ્કેલ છે.

જો કે રાજકારણમાં ક્યારે ચિત્ર બદલાઈ જાય ને રાજકારણીઓ પણ ક્યારે બદલાઈ જાય એ નક્કી નહીં. ભવિષ્યમાં કર્ણાટકની કોંગ્રેસ સરકાર જેડીએસ સાથે સોદાબાજી કરી લે તો પ્રજ્વલ બચી જાય એવું પણ બને. રાજકારણમાં આ પ્રકારની સોદાબાજી નવી વાત નથી. નેતાઓ રાજકીય સ્વાર્થને ખાતર ગમે તેવી સોદાબાજી કરતાં ખચકાતા નથી હોતા.

અત્યાર સુધી કોંગ્રેસ સરકારે જેડીએસ સાથે સોદાબાજી કરીને પ્રજ્વલને બચાવવામા તેને રસ હોવાના કોઈ સંકેત આપ્યા નથી પણ ચિત્ર ક્યારે બદલાઈ જાય એ નક્કી નહીં.

લોકસભાની ચૂંટણી હમણાં જ પતી છે તેથી સાડા ચાર વર્ષ પછીની વાત છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને પણ સાડા ત્રણ વર્ષની વાર છે તેથી અત્યારે કોંગ્રેસને જેડીએસની ગરજ નથી પણ ભવિષ્યમાં ગરજ ઉભી થાય તો કોંગ્રેસ જેડીએસ સાથે હાથ મિલાવીને પ્રજ્વલને બચાવી લે એવું બને.

દેવ ગૌડાના પરિવાર પાસે પુષ્કળ પૈસો છે અને પોતાની વફાદાર મતબેંક છે. એક જમાનામાં મુસ્લિમોનો મોટો વર્ગ દેવ ગૌડાને વફાદાર હતો પણ હવે મુસ્લિમો કોંગ્રેસ તરફ વળી ગયા છે. અલબત્ત દેવ ગૌડાની પોતાની જ્ઞાાતિ વોક્કાલિગાનો મોટો વર્ગ દેવ ગૌડા સાથે છે. આ વોક્કાલિગા મતબેંકના કારણે જ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપની બેઠકો બચી ગઈ. કર્ણાટકમાં લોકસભાની ૨૮ બેઠકોમાંથી ભાજપે ૧૭ અને જેડીએસે ૨ બેઠકો જીતી. એનડીએને ૧૯ જ્યારે સત્તાધારી કોંગ્રેસને માત્ર ૯ બેઠકો મળી તેનું કારણ દેવ ગૌડાની વોક્કાલિંગા મતબેંક છે. ભવિષ્યમાં આ મતબેંકને પોતાની તરફ વાળવા કોંગ્રેસ જેડીએસ સાથે હાથ મિલાવી શકે, પ્રજ્વલને બચાવ શકે. આશા રાખીએ કે એવું ના બને કેમ કે પ્રજ્વલનો અપરાધ બહુ મોટો છે. ભાજપને સેંકડો સ્ત્રીઓને હવસનો શિકાર બનાવનારા પ્રજ્વલનાં કરતૂતોની ખબર હોવા છતાં આંખ આડા કાન કરીને જેડીએસ સાથે જોડાણ કરી લીધું. તેના કારણે તેની ભલે થોડી જ ઘટી પણ આબરૂ સાવ જતી રહી.

પ્રજ્વલે મહિલા અધિકારીઓ સાથે સેક્સ માણીને વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી

પ્રજ્વલ રેવન્નાની હવસનો શિકાર ઘણી બધી મહિલા અધિકારીઓ પણ બની છે. પ્રજ્વલ તેમને બ્લેકમેઈલિંગ કરીને પોતાનું ધાર્યું કરાવતો હતો એવો આક્ષેપ ખુદ ભાજપના જ નેતા દેવરાજ ગૌડાએ કર્યો હતો. દેવરાજ ગૌડાએ કર્ણાટક ભાજપ પ્રમુખ બી.વાય વિજયેન્દ્રને ૮ ડીસેમ્બર, ૨૦૨૩ના રોજ લખેલ પત્રમાં લખેલું કે, એચ.ડી. દેવગૌડાના પરિવારજનો સામે અત્યંત ગંભીર પ્રકારના આક્ષેપો છે.

ગૌડાએ લખેલું કે, પ્રજ્વલ રેવન્નાના સેક્સ વીડિયોની પેન ડ્રાઈવ ફરતી થઈ છે. તેમાં ૨૯૭૬ વીડિયો છે અને આ પૈકી કેટલાક વીડિયોમાં દેખાતી મહિલાઓ સરકારી અધિકારી છે. સેક્સ વીડિયોનો ઉપયોગ તેમને બ્લેકમેઈલ કરીને વારંવાર સેક્સ સંબંધો બાંધવાની ફરજ પાડવા તથા પોતાનાં કામો કરાવવા માટે થાય છે એવો આક્ષેપ ગૌડાએ કર્યો હતો.

પ્રજ્વલના પિતા એચ.ડી. રેવન્ના અને તેની માતા ભવાની પુત્રની કામલીલા પર ઢાંકપિછોડો કરી રહ્યાં હોવાનો આક્ષેપ પણ ગૌડાએ કર્યો હતો. સંખ્યાબંધ મહિલા અધિકારીઓએ પ્રજ્વલ સાથે સેક્સ સંબધો હોવાની કબૂલાત કરી છે પણ કોઈ ફરિયાદ નોંધાવવા આગળ આવ્યું નથી.

ગૌડાએ ચેતવણી આપી હતી કે, પ્રજ્વલ રેવન્નાના સેક્સ વીડિયો અને ફોટો સાથેની બીજી પેન ડ્રાઈવ કોંગ્રેસની નેતાગીરી પાસે પણ પહોંચી ગઈ છે. ભાજપ લોકસભાની ચૂંટણીમાં જેડીએસ સાથે જોડાણ કરે તો આ વીડિયો કોંગ્રેસ માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે અને ભાજપની છાપ બળાત્કારીના પરિવાર સાથે જોડાણ કરનારી પાર્ર્ટી તરીકેની પડી જશે તેથી ભાજપની ઈમેજને જોરદાર ફટકો પડશે.

પ્રજ્વલ સેક્સ કાંડ મુદ્દે મોદી સરકારના મંત્રી કુમારસ્વામી ભાજપથી ખફા

પ્રજ્વલ સેક્સ કાંડના મામલે કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ વચ્ચે તણાવ શરૂ થઈ ગયો છે. ભાજપે સિધ્ધરામૈયાના કહેવાતા ભ્રષ્ટાચાર સામે સાત દિવસની પદયાત્રા શરૂ કરી છે. બેંગલુરૂથી મૈસૂરની આ પદયાત્રામાં પહેલાં કેન્દ્રીય મંત્રી કુમારસ્વામી સહિતના જેડીએસના બીજા નેતા પણ જોડાવાના હતા પણ છેલ્લી ઘડીએ કુમારસ્વામી ખસી ગયા. ભાજપે હસ્સનના ધારાસભ્ય પ્રીતમ ગૌડાને પદયાત્રામાં સામેલ કર્યા તેના વિરોધમાં કુમારસ્વામીએ જેડીએસ યાત્રામાં નહી જોડાય એવું એલાન કર્યું છે.

કુમારસ્વામીનું કહેવું છે કે, ભાજપે પ્રીતમ ગૌડાને પદયાત્રામાં સામેલ કરીને સમગ્ર દેવ ગૌડા પરિવારનું અપમાન કર્યું છે. કુમારસ્વામીના દાવા પ્રમાણે, પ્રજ્વલ રેવન્નાની સેક્સ સીડી અને અશ્લીલ ફોટોની પેન ડ્રાઈવ પ્રીતમ ગૌડાએ ફરતી કરી હતી. કુમારસ્વામીએ સવાલ કર્યો છે કે, એચ.ડી. દેવગૌડાના પરિવાર સામે ઝેર ફેલાવનારી વ્યક્તિ સાથે હું મંચ પર બેસું એ શક્ય છે ?

કુમારસ્વામીના વલણે ભાજપને આંચકો આપ્યો છે કેમ કે. પ્રીતમ ગૌડાએ સેક્સ ટેપ ફરતી કરીને પ્રજ્વલને ઉઘાડો પાડયો છે, દેવ ગૌડા પરિવાર સામે કોઈ ઝેર ફેલાવ્યું નથી. પ્રીતમ ગૌડાની હાજરી સામે વાંધો લઈને કુમારસ્વામી આડકતરી રીતે સેક્સ કાંડના આરોપી પ્રજ્વલનો બચાવ કરી રહ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :