CIA ALERT

ધો.10નું પરીણામ આ રીતે બનશે : જૂનના અંતમાં GSEB માર્કશીટ આપશે

Share On :

ધો.10ના પરીણામ અંગે ગુજરાત બોર્ડના સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરવા નીચેની લિંક ક્લીક કરો

https://www.gsebeservice.com/assets/news/1089%20DEO%20Letter.pdf

માસ પ્રમોશન બાદ ધોરણ દસની માર્કશીટ કઈ રીતે તૈયાર થશે?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડે સમિતિની ભલામણને આધારે ધોરણ 10નું પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. 80માંથી આ રીતે અપાશે ગુણ.

  • ધો. 9 અને 10ની શાળા કક્ષાએ લેવાયેલી પરીક્ષાને આધારે તૈયાર થશે પરિણામ.
  • ધોરણ 9ના 40 અને ધોરણ 10ના 40 એમ કુલ 80 ગુણમાંથી અપાશે માર્ક્સ.
  • બે ભાગમાં થશે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડે સમિતિની ભલામણને આધારે ધોરણ 10નું પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ ધોરણ 10નું પરિણામ ધોરણ 9 અને 10ની શાળા કક્ષાએ લેવાયેલી પરીક્ષાને આધારે તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. ધોરણ 9ની પરીક્ષાના 40 ગુણ અને ધોરણ 10ની પરીક્ષાના 40 ગુણ તેમજ ધોરણ 10ના શાળાકીય આંતરિક મૂલ્યાંકનના 20 ગુણના આધારે ધોરણ 10નું પરિણામ તૈયાર કરવામાં આવશે. પરીક્ષામાં કોઈપણ વિદ્યાર્થીને નાપાસ કરવામાં નહીં આવે. પાસ થવા માટે જેટલા ગુણ ખૂટતા હશે તેટલા ગુણ આપી પાસ કરી દેવાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા લેવાના બદલે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત થઈ હતી. જે બાદ પરિણામ તૈયાર કરવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જેમાં ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે ભાગમાં કરવામાં આવશે. પ્રથમ ભાગમાં શાળાકીય આંતરિક મૂલ્યાંકન અને બીજા ભાગમાં શાળાકીય કસોટીના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે.

શાળાકીય આંતરિક મૂલ્યાંકનના કુલ 20 ગુણ નક્કી કરાયા છે. જેમાં ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓનું આંતરિક મૂલ્યાંકન થશે. શાળા દ્વારા નિયમિત વિદ્યાર્થીઓને તેમણે પસંદ કરેલા વિષયોમાં બોર્ડ દ્વારા નિયત કરેલા ધારાધોરણ મુજબ 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન કરવાનું રહેશે. શાળાકીય આંતરિક મૂલ્યાંકનના વિષયવાર 20 ગુણમાંથી મેળવેલા ગુણને બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી ઓનલાઈન એપ્લિકેશનમાં ભરવાના રહેશે.



માસ પ્રમોશનના કારણે બોર્ડ દ્વારા યોજાતી 80 ગુણની પરીક્ષા લેવાઈ શકી નથી. જેથી તેના બદલે માધ્યમિક કક્ષાએ લેવામાં આવેલી કસોટીના આધારે ગુણાંકન કરવાનું રહેશે. તે માટે બોર્ડ દ્વારા પદ્ધતિ જાહેર કરવામાં આવી છે. જેમાં ધોરણ 9ની પરીક્ષાના 40 ગુણ અને ધોરણ 10ની પરીક્ષાના 40 ગુણ મળીને કુલ 80 ગુણના આધારે પરિણામ તૈયાર કરાશે.


વિદ્યાર્થીએ ધોરણ 9ની પ્રથમ સામાયિક કસોટીના કુલ 50 માર્કસમાંથી મેળવેલા માર્કસને 40 %માં રૂપાંતરિત કરવાની રહેશે. જેના મહત્તમ 20 ગુણ રહેશે. ધોરણ 9ની બીજી સામાયિક કસોટીના કુલ 50 માર્કસમાંથી મેળવેલા માર્કસને 40%માં રૂપાંતરિત કરેલા માર્કસ આપવાના રહેશે અને તે પણ મહત્તમ 20 માર્ક્સ હશે. જ્યારે ધોરણ 10ની 19 માર્ચ 2021થી 27 માર્ચ 2021 દરમિયાન ઓનલાઈન કે ઓફલાઈન યોજાયેલી પ્રથમ સામાયિક કસોટીના કુલ 80 માર્કસમાંથી મેળવેલા માર્કસને 37.5%માં રૂપાંતરિત કરેલા માર્કસમાંથી આપવાના રહેશે. આમાંથી મહત્તમ 30 માર્ક્સ આપી શકાશે. વિદ્યાર્થીના ધોરણ 10ની એકમ કસોટી (કુલ 25 માર્કસ)માંથી મેળવેલા માર્કસને 40%માં રૂપાંતરિત કરીને માર્ક્સ આપવાના રહેશે. આમાંથી મહત્તમ 10 ગુણ આપી શકાશે. આમ, ધોરણ 9 અને 10ના મળીને કુલ 80માંથી માર્ક્સ અપાશે.



ખૂટતા ગુણ માટે શું?

વિદ્યાર્થીને માસ પ્રમોશનના કારણે પાસ થવામાં ખૂટતા ગુણની તૂટ બોર્ડ દ્વારા પરિણામમાં દર્શાવીને ગુણ તૂટ ક્ષમ્ય ગણવામાં આવશે. વિદ્યાર્થીને પાસ થવામાં જેટલા ગુણ જોઈતા હશે તેટલા ગુણની તૂટ માફ કરીને પરિણામ પાસ જાહેર કરાશે. આવા ઉમેદવારના પરિણામ પત્રકમાં ડી-ગ્રેડ દર્શાવાશે. ધોરણ 10ની પરીક્ષામાં દરેક વિષયમાં 80માંથી 26 માર્ક્સ અને આંતરિક મૂલ્યાંકનના 20માંથી 7 માર્ક્સ મેળવી ના શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને માસ પ્રમોશનના કારણે પાસ જાહેર કરાશે.

મૂલ્યાંકન માટે પસંદ કરવાના ધારા-ધોરણો પ્રમાણે કોવિડ-19ની પરિસ્થિતિ પહેલાના શૈક્ષણિક વર્ષોમાં કોઈ ઉમેદવારની બાબતમાં નિયત કરેલા એક અથવા એકથી વધુ ધારા-ધોરણોના માપદંડોમાં ઉમેદવાર ઉપસ્થિત ના હોય તેવું કદાચ બની શકે. આવા કિસ્સામાં માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાના હોઈ બોર્ડ દ્વારા ખૂટતા ગુણની તૂટ ક્ષમ્ય કરીને પાસ જાહેર કરાશે. મૂલ્યાંકન માટે નિયત કરેલા માપદંડમાંથી કોઈ એક માપદંડમાં એક કરતાં વધુ માપદંડમાં ઉમેદવાર ગેરહાજર હોય તો તેવા કિસ્સામાં શૂન્ય ગુણ દર્શાવાના રહેશે.


શાળા પરિણામ સમિતિ રચાશે

ધોરણ 10ના પરિણામ તૈયાર કરવા માટે દરેક શાળાના આચાર્યની અધ્યક્ષતામાં માધ્યમિક શાળાના વિષય શિક્ષકોની એક સમિતિની રચના કરવાની રહેશે. પરિણામ તૈયાર થયા બાદ સમિતિએ તે માટે ઉપયોગમાં લીધેલા તમામ આધારો પર સહી કરીને તારીખ લખવાની રહેશે. શાળા પરિણામ સમિતિ માટે આ પરિણામ માટે જવાબદાર રહેશે.

જુલાઈના બીજા અઠવાડિયે આવશે માર્કશીટ

બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થીઓના પરિણામનું શાળાઓએ 4 જૂનથી લઈને 10 જૂન સુધીમાં આખરીકરણ કરવાનું રહેશે. ત્યારબાદ શાળા દ્વારા તૈયાર કરેલા પરિણામ બોર્ડની વેબસાઈટ પર 8 જૂનથી 17 જૂન સુધી અપલોડ કરવાના રહેશે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન પરિણામની જાહેરાત જૂનના અંતિમ અઠવાડિયામાં કરાશે. જ્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું માર્કશીટ વિતરણ જુલાઈના બીજા અઠવાડિયાથી કરાશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :