SGCCIના ઉપક્રમે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પ્રેરણાત્મક સેશન, મહિલાઓને પ્રગતિ કરો, ઉન્નતિ કરો, દરેક ક્ષેત્રમાં આગળ વધો પરંતુ ભારતની સંસ્કૃતિને નહીં છોડો
ચેમ્બર દ્વારા પ્લેટિનમ હોલમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ‘વુમન આંત્રપ્રિન્યોર્સ એન્ડ કમ્યુનિટી લીડર્સ’ સંદર્ભે પ્રેરણાત્મક સેશન યોજાયું

મહિલાઓ પુરૂષો કરતા વધુ સહનશીલ, દયાવાન, પરિશ્રમી, નિર્લોભી અને તર્કવાન હોય છે, ગુજરાતની ૩પ યુનિવર્સિટીઓના પદવીદાન સમારોહમાં ૮૦% છોકરીઓ જ ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે : ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રીએ મહિલાઓને પ્રગતિ કરો, ઉન્નતિ કરો, દરેક ક્ષેત્રમાં આગળ વધો પરંતુ ભારતની સંસ્કૃતીને નહીં છોડો તેવું સૂચન પણ કર્યુ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુક્રવાર, તા. ર૦ જૂન ર૦રપના રોજ સાંજે ૪:૦૦ કલાકે ‘વુમન આંત્રપ્રિન્યોર્સ એન્ડ કમ્યુનિટી લીડર્સ’ વિષય પર પ્રેરણાત્મક સેશન યોજાયું હતું. આ સેશનમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્રે ઉમદા કાર્ય કરનાર મહિલા સાહસિકો વિષે વાત કરી અન્ય મહિલાઓ તથા યુવા પેઢીને આત્મવિશ્વાસ અને નેતૃત્વની ભાવના સાથે જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગસાહસિકતામાં મહિલાઓની ભૂમિકા અને સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનું યોગદાન મહત્વનું રહયું છે. મહિલા નેતૃત્વનો વિકાસ માત્ર સામાજિક જ નહીં, પરંતુ આર્થિક અને રાષ્ટ્રવ્યાપી સ્તરે પણ અગત્યનો છે. મહિલા શક્તિ સમાજના દરેક ક્ષેત્રમાં એક નવો આયામ ઊભો કરી રહી છે. આવા કાર્યક્રમોના આયોજનોથી માત્ર પ્રેરણા જ નહીં પણ નેટવર્કિંગ, માર્ગદર્શન અને સહકારના નવા અવસરો પણ સર્જાય છે, આથી યુવા પેઢીને પ્રેરણા આપવાના હેતુથી ચેમ્બર દ્વારા આ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતને વિકસિત બનાવવામાં અને વિશ્વગુરુ બનાવવામાં મહિલાઓના યોગદાનને મહત્વૂર્ણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણા દેશમાં મધ્યકાલીન યુગ પછી એક મિથ્ય પ્રખ્યાત છે કે, મહિલાઓ કરતા પુરૂષો વધુ શક્તિશાળી છે, પરંતુ સત્ય એ છે કે, મહિલાઓ પુરૂષો કરતા વધુ સહનશીલ, દયાવાન, પરિશ્રમી, નિર્લોભી અને તર્કવાન હોય છે. હાલમાં ગુજરાતની ૩પ યુનિવર્સિટીઓના પદવીદાન સમારોહમાં ૮૦% છોકરીઓ જ ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે.
ભારત એક સમયે વિશ્વમાં ‘સોને કી ચીડિયા’ નામથી પ્રખ્યાત હતું. તેના મૂળમાં દેશના ગામડે–ગામડે દંપતિના સહભાગીદારીથી ચાલતા કુટીર ઉદ્યોગો અને તેથી થતું આર્થિક ઉપાર્જન રહેલું હતું. એવું નથી કે મહિલાઓએ માત્ર ઉદ્યોગ કરીને જ પરિવારને આર્થિક રીતે આગળ વધાર્યું છે પણ અનેક મહિલાઓ ઘરમાં પશુપાલન અને ખેતીમાં સહભાગી થઈને દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. ઉદ્યોગ હોય કે કોર્પોરેટ અથવા સરકારી હોદ્દાઓ પર રહેલી મહિલાઓ હંમેશા કાર્યને સફળ બનાવવા માટે અથાક પ્રયાસ કરે છે અને તે કાર્યમાં સફળતા મેળવીને જ રહે છે.
મહિલાઓ જ્યારે ઉદ્યોગમાં ઝંપલાવે છે, ત્યારે તેઓ માત્ર પોતાનો જ વિકાસ નથી કરતી, પરંતુ તેઓ અનેકો લોકોને રોજગારી આપે છે, જેથી પરિવારોનું ગુજરાન ચાલે છે અને તેઓ એક સારૂં જીવન જીવવાનું શરૂ કરે છે. હાલમાં આપણે વિદેશી પરંપરાને અનુસરવાની આંધળી દોટ લગાવીએ છીએ, પરંતુ તે દરમિયાન આપણે આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ. તેમણે મહિલાઓને પ્રગતિ કરો, ઉન્નતિ કરો, દરેક ક્ષેત્રમાં આગળ વધો પરંતુ ભારતની સંસ્કૃતીને નહીં છોડો તેવું સૂચન આપ્યું હતું. ભારતીય સંસ્કૃતી વેદની સંસ્કૃતી છે. જ્યારે એક સમૂહમાં આપણે એક જ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કાર્ય કરતા હોય ત્યારે યાદ રાખવું જોઈએ કે, માત્ર પોતાની ઉન્નતિમાં જ નહીં, પરંતુ બધાની ઉન્નતિમાં સફળતા રહેલી હોય છે.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલાએ સેશનનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરના લેડીઝ વીંગના ચેરપર્સન શ્રીમતી મયૂરીબેન મેવાવાલા અને ચેમ્બરની સમગ્ર ટીમે સેશનને સફળ બનાવવા માટે ભારે મહેનત કરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
