પોલીસ ગ્રેડ પે મુદ્દે કમિટી રચાઇ, પોલીસ પરિજનોનું આંદોલન મોકુફ
ગુજરાતભરમાં પોલીસ સંવર્ગના વિવિધ સ્તરના કર્મચારીઓને પગાર અને ભથ્થાંને સમાવતાં ગ્રેડ પેના મુદ્દે Dt.29/10/21 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. આઇજીપી (વહીવટ) બ્રિજેશ ઝાના વડપણ હેઠળની કમિટી કર્મચારીઓના સંવર્ગ, પરિવારજનોની જે કોઇ પણ રજૂઆતો હશે એ સાંભળીને હાલની વિસંગતતાઓ સંદર્ભે અભ્યાસ કરી બે માસમાં પોતાનો રિપોર્ટ સુપરત કરશે. આ રિપોર્ટના આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર નિર્ણય કરશે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચોવીસ કલાક કાર્યરત રહેતા ડિસિપ્લિન્ડ ફોર્સ એવા પોલીસદળના હથિયારી, બિન હથિયારી, ફિલ્ડ અને પોલીસ સ્ટેશન, એસઆરપી જેવા સંવર્ગના વિવિધ કર્મચારીઓના પગાર અને ભથ્થાંમાં લાંબા સમયથી વિસંગતતાને લઇને અવારનવાર રજૂઆતો થતી રહી છે. પરંતુ અલગ અલગ રીતે થતી રજૂઆતોનું પરિણામ આવતું ન હતું. બીજી તરફ લાંબા સમયથી અસહ્ય મોંઘવારી અને ભાવ વધારાને પગલે પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારની માગને સંતોષી શકતા ન હોવા પોતાની લાગણીઓને સોશીયલ મીડિયા મારફતે વહેતી મુકી હતી. આ લાગણીઓનો પડઘો પાડવા પોલીસ કર્મીઓના પરિવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ભેગા થઇ ગયા હતા. એમના સમર્થનમાં અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરો, નગરોમાં પણ પરિવારના સભ્યો સાથે સાદા ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ પણ દેખાવોમાં જોડાતા મામલો વધારે પેચિદો બની ગયો હતો.
જોકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલા જ દિવસથી પોલીસ ગ્રેડ પેના મામલે સરકારનું વલણ હકારાત્મક છે એમ જાહેર કરવા સાથે આંદોલન કરતાં પરિવારના પ્રતિનિધિમંડળ સાથે બે દિવસ પૂર્વે અને આજે પણ બેઠક યોજી હતી. સંઘવીએ સમગ્ર રજૂઆતને ગંભીરતાથી લઇ તેનો યોગ્ય ઉકેલ લાવી પોલીસ તંત્રમાં ગ્રેડ પેના મામલે પ્રવર્તતો અસંતોષ દૂર કરવા કમિટી રચવા સૂચના આપી હતી. આ સૂચનાને પગલે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે પોલીસ પરિવાર પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજ્યા પછી કમિટીની રચના જાહેર કરી હતી. આ સાથે હવે આંદોલન પણ પૂરું થયાનું દેખાવો કરતાં પરિવારજનોએ જાહેર કર્યું હતું.
પોલીસ વડાએ ચીમકી પણ ઉચ્ચારી છે કે, પોલીસ કર્મચારીઓ અને પરિવારજનોની માગણીઓને લઇ કમિટી બનાવવામાં આવી છે ત્યારે હવે એમના પ્રશ્નોને લઇ ચાલતા દેખાવો, ધરણાં આંદોલન પૂરું થાય છે. હવે કોઇ તત્વો દ્વારા આ મુદ્દાને લઇ પોલીસ કર્મચારીઓમાં અસંતોષ ફેલાવવા કે આંદોલન કરવાની કે પછી સોશિયલ મીડિયામાં વિરોધ કરવાની બાબત ધ્યાને આવશે તો તેવા લોકો સામે ‘ધી પોલીસ (એન્સાઇન્ટમેન્ટ ટુ ડિસઅફેક્શન) એક્ટ, ૧૯૯૨’ અને ‘ધી પોલીસ ફોર્સિસ (રિસ્ટ્રિક્શન ઓફ રાઇટ્સ) એક્ટ, ૧૯૬૬’ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે. જો કોઇ પોલીસ કર્મચારી પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો એની સામે પણ ખાતાકીય કાર્યવાહી કરાશે.
અમદાવાદ શહેર ઉપરાંત બનાસકાંઠા, જામનગરમાં પોલીસ કર્મચારીઓએ આંદોલનાત્મક, દેખાવો જેવી પ્રવૃત્તિ કરતાં ગૃહ વિભાગે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને અમુક પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમ, પણ તેમણે જાહેર કર્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
