Gujarat on 27 July : 8 મોટા શહેરોમાં 533 ગ્રામ્યમાં 577 નવા કેસો
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણે હવે મહાનગરોની સાથોસાથ ગામડાઓમાં વ્યાપક રીતે પગપેસારો કર્યો છે. ચાલુ માસના અંતમાં હવે બાકી રહેલા નિયંત્રણોમાં વધુ છુટછાટની તૈયારીઓ ચાલી રહી છે એવા સમયે નગરો, ગામડાઓમાં બેફામપણે વકરી રહેલા ચેપથી રાજ્યમાં આજે પહેલી વખત ૫૫ ટકા કેસ નોંધાયા છે જ્યારે મહાનગરોમાં ૪૫ ટકા કેસ નવા ઉમેરાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં વિક્રમી ૧૧૧૦ કેસમાંથી ૫૩૩ કેસ આઠ મહાનગરોમાંથી તેમજ ૫૭૭ કેસ ગ્રામ્ય વિસ્તારોમાંથી નોંધાયા છે. અલબત્ત ૨૧ મૃત્યુમાંથી ૧૨ મૃત્યુ મહાનગરોમાંથી તેમજ નવ મૃત્યુ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે.
શનિવાર સાંજથી રવિવાર સાંજ સુધીમાં કોરોના સંક્રમિત લોકોને શોધવા માટે ૨૧૭૦૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આને પગલે ૧૧૧૦ કેસ મળી આવ્યા છે. છેલ્લા ૨૬ દિવસમાં ૨૨મી વખત નવા વિક્રમી કેસ ગુજરાતમાં ઉમેરાયા છે. એમાં સૌથી વધારે સુરત મહાનગરમાંથી ૨૦૧ કેસ ગ્રામ્યના ૯૮ કેસ મળી કુલ ૨૯૯ કેસનો સમાવેશ થાય છે. મહાનગરમાં ૭ અને ગ્રામ્યના ૫ મળી કુલ ૧૨ દર્દીઓના કોવિડ-૧૯ના લીધે મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે. આ જ પ્રમાણે અમદાવાદ મહાનગરમાંથી ૧૫૨ કેસ અને ગ્રામ્યના ૧૧ મળી કુલ ૧૬૩ કેસ જાહેર થયા છે એમાં મહાનગરના ૩ દર્દીના મૃત્યુ થયા છે.
વડોદરામાં છેલ્લા એક મહિનાથી રોજેરોજ કેસ વધી રહ્યા છે. મહાનગરમાંથી નવા ૭૯ કેસ આવ્યા છે જ્યારે જિલ્લાના ૧૩ મળી ૯૨ કેસ તેમજ એક એક દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે. અમદાવાદને અડીને આવેલા મહાનગર ગાંધીનગરમાંથી નવા ૬ કેસ તેમજ ગ્રામ્યમાંથી ૧૩ મળી કુલ ૧૯ કેસ પોઝિટિવ મળ્યા છે જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું છે.
સૌરાષ્ટ્રના મહાનગરો-જિલ્લાની સ્થિતિ જોઇએ તો સૌથી વધારે સંક્રમિત રાજકોટ મહાનગરમાંથી ૫૨ નવા કેસ ઉમેરાયા છે જ્યારે ગોંડલ, ધોરાજી સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૦ કેસ આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારના એક દર્દીનું મૃત્યુ થયું છે. જૂનાગઢ મહાનગરમાંથી ૧૮ મળી કુલ વીસ કેસ, ભાવનગર શહેરમાંથી ૧૭ મળી કુલ ૩૧ કેસ, જામનગર મહાનગરમાંથી એક દર્દીનું મૃત્યુ સાથે નવા ૮ કેસ અને ગ્રામ્યના ૬ કેસ નોંધાયા છે.
જિલ્લાઓમાં સૌથી વધારે કેસ સુરતના ગ્રામ્ય વિસ્તાર પછી અમરેલીમાં એક સાથે ૩૯ કેસ નોંધાયા છે. અમરેલી શહેર ઉપરાંત લાઠી, લીલીયા, ધારી જેવા તાલુકાઓમાંથી એક સાથે કેસ મળતાં હાહાકાર મચી ગયો છે. આ જ રીતે બનાસકાંઠા જિલ્લાના દીયોદર, ડીસા, ધાનેરા, લાખેણી, વાવમાંથી કુલ ૩૫ કેસ નોંધાયા છે. નર્મદામાં રાજપીપળા, નાંદોદ, ડેડીયાપાડા, ગરુડેશ્વરમાંથી ૨૬ કેસ આવ્યા છે તો પડોશી દાહોદ જિલ્લાના લીમખેડા, દાહોદ નગરમાંથી ૩૦ કેસ નવા પોઝિટિવ મળ્યા છે.
સુરેન્દ્રનગરના પારડી, વઢવાણ, મુળીમાંથી ૨૪ કેસ, છોટાઉદેપુરમાંથી એક સાથે ૨૨ કેસ નોંધાયા છે. પાટણ નગર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી ૨૨ કેસ, કચ્છમાંથી ૨૦ કેસ, ભરૂચ ૧૯ કેસ મળ્યા છે. મહેસાણા, ગીર સોમનાથ, નવસારીમાંથી ૧૮-૧૮ કેસ નોંધાયા છે. પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ૧૮ કેસ આવ્યા છે. વલસાડમાં પારડી, વાપી, ધરમપુરમાંથી નવા ૧૫ કેસ, સાબરકાંઠાના ઇતર, હિંમતનગર, પ્રાંતિજમાંથી ૧૪ કેસ, આણંદમાંથી ૧૧, મોરબીમાંથી ૧૦, ખેડા, તાપીમાંથી ૯-૯, ડાંગમાંથી એક સાથે ૬ કેસ, બોટાદમાંથી ૫, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર ૩-૩ કેસ, પોરબંદરમાંથી ૨ કેસ નોંધાયા છે. મોરબીમાં એક દર્દીનું મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.
રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૧૭૦૮ ટેસ્ટ સાથે અત્યાર સુધીમાં ૬,૪૨,૩૭૦ જેટલા ટેસ્ટ કરાયા છે એમાંથી ૫૫૮૨૨ પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા. આ પૈકી ૫૭૩ પાછલા ચોવીસ કલાકમાં ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૪૦,૩૬૫ સુધી પહોંચ્યો છે જે કુલ કેસના ૭૨.૩૧ ટકા જેટલો થાય છે. આની સામે ૨૩૨૬ દર્દીઓના અત્યાર સુધી કોવિડ તથા કોવિડ સાથે અન્ય બિમારીને લીધે મૃત્યુ થયા છે. હાલ એક્ટિવ કેસ ૧૩૧૩૧ સુધી પહોંચ્યા છે એમાં ૮૫ દર્દીને વેન્ટીલેટર ઉપર મુકવા પડ્યા છે એ સિવાયના ૧૩૦૪૬ સ્ટેબલ છે.
ગુજરાતમાં દર 10 હજાર કેસની ગતિ
પહેલા 10 હજાર કેસ – 59 દિવસ
બીજા 10 હજાર કેસ – 22 દિવસ
ત્રીજા 10 હજાર કેસ – 19 દિવસ
ચોથા 10 હજાર કેસ – 14 દિવસ
પાંચમા 10 હજાર કેસ – 11 દિવસ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
