25/7/24: ગુજરાતને ઘમરોળતો ભારે વરસાદ, ચોમેર પૂરની સ્થિતિ, વાંચો વિગતવાર અહેવાલ
ગુજરાત અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ માઝા મુકી હોવાના અહેવાલો સામે આવ્યા છે. મધ્ય ગુજરાતમાં આણંદમાં બે કલાક આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે, તો વિશ્વામિત્રી નદી 17 ફૂટને પાર પહોંચી ગઈ છે, જ્યારે અંકલેશ્વરમાં ઘોડાં તણાયાની ઘટના બની છે. દક્ષિણ ગુજરાતનાં સુરતમાં મેઘ કહેર જોવા મળ્યો છે, તો ભરૂચમાં હાઈવેની નદી જેવી સ્થિતિ બની ગઈ છે. આ ઉપરાંત ડાંગમાં ભારે વરસાદ ખાબક્યા બાદ ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાના લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી થઈ છે, જોકે મહેસાણામાં હજુપણ વરસાદની ઘટ વર્તાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મેઘરાજા અહીં મન મુકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં અનેક ડેમો છલકાયા છે. જ્યારે કચ્છમાં પણ મેઘ મહેર વચ્ચે માંડવી-નખત્રાણા-અબડાસામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે.
મધ્ય ગુજરાત : આણંદમાં બે કલાક આઠ ઈંચ, વિશ્વામિત્રી નદી 17 ફૂટને પાર, અંકલેશ્વરમાં ઘોડાં તણાયા
મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આજે સવારે આણંદના બોરસદમાં બે કલાકમાં આઠ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે 4 કલાકમાં 13 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે જ્યાં નજર ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યુ છે. જ્યારે અન્ય જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં એકથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. વડોદરામાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની 17 ફૂટની સપાટીથી ઉપર વહી રહી છે. કેટલાક સ્થળે તો પાંચથી છ ફૂટ પાણી ભરાઈ ગયા છે. આ સ્થિતિમાં અહીં સ્કૂલ-કોલેજોમાં આવતીકાલે 25 જુલાઈએ રજા જાહેર કરાઈ છે. આ ઉપરાંત અંકલેશ્વરમાં ઘોડાં તણાયાની ઘટના બની છે.
દક્ષિણ ગુજરાત : સુરતમાં મેઘ કહેર, ભરૂચમાં હાઈવેની નદી જેવી સ્થિતિ, ડાંગમાં ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત શહેરમાં સવારથી શરૂ થયેલા વરસાદના લીધે સુરતીઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શહેરના ખાડી કિનારાના રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણીના કારણે વેલંજા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ 60 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ, જેના કારણે અનેક શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. મેઘ તાંડવના કારણે ભરૂચવાસીઓ ભગવાન ભરોસે આવી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અહીં આમલાખાડી ઓવરફ્લો થયો છે, જ્યારે હાઈવે નદીમાં ફેરવાઈ ગઈ છે. આ ઉપરાંત ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડમાં પણ મેઘરાજાએ માજા મુકી છે. ડાંગ જિલ્લામાં વરસાદના કારણે ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠયો છે, જેના કારણે અહીં નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે નર્મદા જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. અહીં સાગબારા, ડેડીયાપાડા, તીકલવાળા સહિત અનેક તાલુકામાં વરસાદ પડ્યાના અહેવાલો મળ્યા છે.
ઉત્તર ગુજરાત : લાંબા વિરામ બાદ કેટલાક જિલ્લામાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી, મહેસાણામાં વરસાદની ઘટ
ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ઘણા દિવસથી મેઘરાજાની મહેર જોવા મળી છે. અરવલ્લી જિલ્લામાં વરસાદને માજા મુકી છે, તો ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે ખેતરો ભરાઈ ગયા હોવ તેવી સ્થિતિ જોવા મળી છે. અહીં મગફળી, સોયાબીનના પાકને જીવતદાન મળ્યું છે. જ્યારે બનાસકાંઠાના લાખણીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા દુકાનો આગળ પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે. મહેસાણામાં વરસાદી ઝાપટું પડયું છે, જોકે તેમ છતાં જિલ્લામાં ત્રણ ઈંચ વરસાદની ઘટ પડી રહી છે. જિલ્લાની સરેરાશ 10 ઇંચની જરૂરિયાત સામે સાડા 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. પાટણની વાત કરીએ તો, હારીજ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્યબજાર સાહિત નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ સાથે ઉકળાટ ભર્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લામાં આજે સવારથી દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને અવારનવાર છુટા છવાયા વરસાદના ઝાપટાં પડયા હતા. તો બપોર બાદ હારીજ પંથકમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમથી ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે હળવો વરસાદ પડવાની શક્યતા જાહેર કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં છુટા-છવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.
સૌરાષ્ટ્રમાં અનેક ડેમો છલકાયા, કચ્છમાં પણ મેઘ મહેર, માંડવી-નખત્રાણા-અબડાસામાં 8 ઇંચ
સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડવાના કારણે ભાદર-2 અને ન્યારી-2 ડેમમાં પાણી વધતા દરવાજા ખોલવા પડ્યા છે. આ સાથે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. આ વખતે સિઝનમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર ઝૉનમાં ખાબક્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોમાં પાણીની આવકમાં જોરદાર વધારો નોંધાયો છે. છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવતા અહીં અનેક ડેમો છલકાયા છે. છેલ્લા બે દિવસથી ખાબકી રહેલા મુશળધાર વરસાદના કારણે સૌરાષ્ટ્રના ડેમોમાં નવા નીરની આવક સતત વધી રહી છે. ધોરાજીના ભાદર-2 ડેમમાં પાણી વધતા ચાર દરવાજા 0.66 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ભાદર-2 ડેમમાં પાણીની આવકના કારણે સુપેડી, ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, હાડફોડી, ઈસરા, કુંડેચ, લાઠી, મજેઠી, નીલાખા, તલગણા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રનો ન્યારી-2 ડેમ પણ છલકાયો છે, ન્યારી-2 ડેમમાં આવક વધતા ડેમનો એક દરવાજો 0.076 મીટર સુધી ખોલવામાં આવ્યો છે, અને આ કારણે આજુબાજુના ગામોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે. જ્યારે કચ્છમાં અઠવાડિયાથી વિશેષ સમયથી મેઘાવી માહોલ વચ્ચે સોમવારે સાર્વત્રિક વરસાદ બાદ મંગળવારે કયાંક કાચુ સોનું તો કયાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અહીં આઠ વરસાદ નોંધાયો છે. આજે માંડવી, નખત્રાણા અને અબડાસામાં 8-8 ઇંચ, મુન્દ્રામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.
વરસાદના કારણે અનેક શાળા-કોલેજો બંધ
આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે કેટલીક શાળાઓ અને કોલેજો વહેલી છોડી દેવામાં આવી હતી. જોકે વરસાદના કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના કારણે શાળાઓમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે સ્કૂલોમાં વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોને પહોંચવામાં પણ તકલીફ પડી હતી. કેટલીક જગ્યાએ સ્કૂલ વર્ધીના વાહનો રસ્તામાં જ બંધ પડતા બાળકો અટવાઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી સ્કૂલોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શાળા સંચાલકોએ વાલીઓને ફોન કરી કરીને કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકીને તેમના બાળકોને લઈ જવા માટે અપીલ કરી હતી.
આજે ક્યાં કેટલો વરસાદ નોંધાયો
આજે (24 જુલાઈ) બપોરના ચાર વાગ્યા સુધીમાં 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ નર્મદાના તિલકવાડામાં 205 મિ.મી., વડોદરાના પાદરામાં 189 મિ.મી., ભરુચમાં 181 મિ.મી., છોટા ઉદેપુરના નસવાડીમાં 151 મિ.મી. સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં હજુ ચાર દિવસ અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે અમરેલી, નવસારી, વલસાડ, દીવ અને દાદરા નગર હવેલીમાં 26 જુલાઈ સુધી ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી 26 જુલાઈ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને મધ્ય-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું જોર જોવા મળ્યું હતું. 25-26 જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
