ગુજરાત કોરોના અપડેટ 28 જુલાઇના દિવસે નવા 1108 કેસ
ગુજરાત સહિત દેશભરમાં હવે અનલોક-૩ માટે તૈયારીઓ શરૂ થઇ રહી છે બીજી તરફ દેશભરમાં રોજેરોજ વધતાં જતાં સંક્રમણના પ્રભાવથી વધુને વધુ શહેરો, નગરોમાં સ્થાનિક સ્તરે લોકડાઉન જેવી સ્થિતિનો અમલ કરવામાં આવી રહ્યો છે એવા સમયે ગુજરાતમાં પણ અનેક નગરો, ગામોમાં વેપાર, ધંધા વ્યવસાયના કામકાજને નિયંત્રિત કરી દેવાયા છે છતાં રોજેરોજ કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૧૦૮ કેસ અને ૨૪ મૃત્યુ નોંધાયા છે આ કેસમાં બીજી વખત મહાનગરો કરતાં વધારે કેસ ગ્રામ્ય તથા નગરોમાંથી આવ્યા છે.
આઠ સંક્રમિત મહાનગરોમાંથી ૫૩૦ કેસ અને ગામોમાંથી ૫૭૮ કેસ નવા ઉમેરાયા છે. અલબત્ત, મૃત્યુની દ્રષ્ટીએ મહાનગરોમાંથી ૧૫ અને ગ્રામ્યના ૯ દર્દીનો સમાવેશ થાય છે. જોકે, આ પરિસ્થિતિ વચ્ચે સતત બીજા દિવસે એક હજારથી વધારે એટલે કે ૧૦૩૨ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૪૨૪૧૨ સુધી પહોંચ્યો છે તેના પગલે રિવકરી રેટ ૭૩.૧૫ થયો છે.
રાજ્યમાં સૌથી વધારે કેસ સુરત મહાનગરમાંથી ૧૯૯ તેમજ જિલ્લામાંથી ૯૪ કેસ આવ્યા છે જ્યારે અનુક્રમે ૭ અને ૫ દર્દીઓના મૃત્યુ પણ છેલ્લા ચોવીસ કલાકમાં થયા છે. અમદાવાદ મહાનગરમાંથી બીજા દિવસે પણ દોઢસોથી ઓછા કેસ એટલે કે ૧૪૭ કેસ નોંધાયા છે. દેત્રોજ, માંડલ, વીરમગામમાંથી નવ કેસ નોંધાયા છે. મહાનગરના ચાર દર્દીઓના કોવિડના સંક્રમણથી મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.
વડોદરા શહેરમાંથી નવા ૭૫ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૫ કેસ આવ્યા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ કોરોનાથી થયું છે. આ જ રીતે રાજકોટ શહેરમાંથી ૪૯ કેસ અને જિલ્લામાંથી નવા ૩૦ કેસ મળી કુલ ૭૯ કેસ નોંધાયા છે. જિલ્લાના બે દર્દીના મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. સૌરાષ્ટ્રના અન્ય સંક્રમિત મહાનગરમાં જામનગરમાંથી નવા ૨૨ કેસ તેમજ એક દર્દીના મૃત્યુની પુષ્ટી સરકારે કરી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ચાર નવા કેસ આવ્યા છે. ભાવનગર શહેરમાંથી ૧૮ કેસ નવા નોંધાયા છે, પરંતુ બે દર્દીઓના મૃત્યુ પણ આ સાથે થયા છે. જિલ્લામાંથી ૨૦ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં કુલ ૧૬ કેસ છે એમાં શહેરમાંથી ૧૧ કેસનો સમાવેશ થાય છે.
પાટનગર ગાંધીનગરમાંથી નવા નવ કેસ મળ્યા છે, પરંતુ ગાંધીનગર, માણસા, કલોલ અને દહેગામ તાલુકામાંથી એક સાથે નવા ૩૫ કેસ મળતાં આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. આ તાલુકાઓમાં હવે ગામડાઓમાં ચેપ પ્રસરી રહ્યો છે અને એના લીધે રોજેરોજ નવા કેસ મળી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના એક દર્દીનું મૃત્યુ પણ થયું છે.
દાહોદ નગર અને લીમખેડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હવે ચેપ મોટા પ્રમાણમાં પ્રસરી ગયો હોય તેમ રોજેરોજ નવા મહોલ્લાઓમાંથી કેસ આવી રહ્યા છે. દાહોદમાં એક જ દિવસમાં નવા ૩૮ દર્દીઓ સંક્રમિત સ્થિતિમાં મળ્યા છે. ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના દીયોદર, ધાનેરા, પાલનપુર, વાવ, લાખાણી, કાંકરેજ અને ડીસામાંથી નવા ૩૪ કેસ મળ્યા છે એની સાથે સુરેન્દ્રનગરના પાટડી, મુળી, થાનગઢ, ધ્રાંગધ્રા, વઢવાણમાંથી નવા ૩૨ કેસ નોંધાયા છે. અમરેલીમાં લાઠી લીલાયા, ધારી સહિતના વિસ્તારમાં હવે ચેપ પ્રસર્યો છે નવા ૨૬ કેસ નોંધાયા છે. નવસારીમાંથી ૨૧ કેસ મળ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


