મુંબઇમાં પેટ્રોલનો ભાવ ₹99+ : ડીઝલ પણ મોંઘું
વિશ્ર્વબજારમાં ક્રૂડ તેલના વધી રહેલા ભાવને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને મંગળવારે મુંબઇમાં પેટ્રોલનો ભાવ રૂ. ૯૯ને પાર કરીને રૂ. ૯૯.૧૪ અને ડીઝલનો ભાવ વધીને રૂ. ૯૦.૭૧ થયો હતો.
તેલ કંપનીઓ દ્વારા મંગળવારે પેટ્રોલના ભાવમાં લિટરદીઠ ૨૭ પૈસા અને ડીઝલના ભાવમાં લિટરદીઠ ૨૯ પૈસાનો વધારો જાહેર કરાયો હતો. આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મંગળવારે દસમી વખત વધારો કર્યો હતો.
મુંબઇમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ ૨૭ પૈસા વધીને રૂ. ૯૯.૧૪ અને ડીઝલનો ભાવ ૨૯ પૈસા વધીને રૂ. ૯૦.૭૧ થયો હતો. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ વધીને રૂ. ૯૨.૮૫ અને ડીઝલનો ભાવ વધીને રૂ. ૮૩.૫૧ થયો હતો.
દરેક રાજ્યના સ્થાનિક કર (વેટ)માં તફાવત હોવાને કારણે પેટ્રોલ અને ડીઝલનો ભાવ દેશના દરેક રાજ્યમાં જુદો હોય છે.
આ મહિનામાં બંને બળતણના ભાવમાં દસ વખત થયેલા ભાવવધારામાં પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર રૂ. ૨.૪૬ અને ડીઝલના ભાવમાં રૂ. ૨.૭૮નો વધારો કરવામાં આવ્યો હતો.
તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આંશિક ઘટાડો કરાયા બાદ ૧૫મી એપ્રિલથી ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા અને યોગાનુયોગે એ દરમિયાન પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઇ હતી.
મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં અમુક ઠેકાણે પેટ્રોલના ભાવે પ્રતિ લિટર રૂ. ૧૦૦ની સપાટી ઘણા દિવસ અગાઉ જ પાર કરી હતી. દેશમાં સૌથી વધુ પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છે, ત્યાં પેટ્રોલનો ભાવ પ્રતિલિટર રૂ. ૧૦૩.૮૦ અને ડીઝલનો ભાવ પ્રતિલિટર રૂ. ૯૬.૩૦ છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ ઘટયા બાદ ૨૪મી માર્ચે પેટ્રોલના ભાવમાં ચોથી વખત ૧૫ અને ડીઝલના ભાવમાં ૧૬ પૈસાનો ઘટાડો કરાયો હતો. ૨૪મી માર્ચથી ચાર વખત બળતણમાં ભાવમાં કરાયેલા ઘટાડામાં પેટ્રોલના ભાવમાં ૬૭ પૈસા અને ડીઝલના ભાવમાં ૭૪ પૈસાનો ઘટાડો લિટરદીઠ કરવામાં આવ્યો હતો.
ભારતમાં કોવિડ-૧૯ના વધી રહેલા કેસને કારણે માગમાં ઘટાડો થયો હોવા છતાં અમેરિકાની વધેલી માગ અને ડૉલર નબળો પડવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલના ભાવ વધ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૭મી એપ્રિલથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ સતત વધી રહ્યો છે. બંને બળતણની માગને ધ્યાનમાં લેતા આવનાર દિવસો દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ વધવાનો અંદાજ જાહેર કરાયો છે.
સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લી. (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ. (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ. (એચપીસીએલ) દ્વારા આંતરરાષ્ટ્રીય બજારો પ્રમાણે ભાવમાં રોજ વધઘટ થતી રહે છે.
તેલ કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલના વધેલા ભાવ તરફ અંગૂલીનિર્દેશ કરીને ભાવવધારો કરવાનો ઇશારો કર્યો હતો, પણ અનેક રાજ્યોમાં ચૂંટણી ચાલતી હોવાથી ભાવવધારો કરાયો નહોતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
