યાસ વાવાઝોડાએ પ. બંગાળ, ઓડિશાને ધમરોળ્યું

Share On :

૧૩૦-૧૪૫ની ઝડપે ફૂંકાતા પવન સાથે યાસ વાવાઝોડાએ બંગાળ, ઓડિશા સહિત પૂર્વભારતનાં કિનારાઓ પર બુધવારે ત્રાટક્યા બાદ વીસ લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવાયું હતું અને બંને રાજ્યમાં મળીને ચાર જણે પોતાના જીવ ગુમાવ્યા હતા.

સવારે અંદાજે નવ વાગ્યે વાવાઝોડું ઓડિશાના ધામરા બંદર નજીક જમીન પર ત્રાટક્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં અનેક કાચા ઘરો પાણીના જોરદાર વહેણ સાથે તણાયા હતા.

ઓડિશામાં ૫.૮ લાખ અને પં. બંગાળમાં પંદર લાખ મળીને કુલ વીસ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

વાવાઝોડું પોતાની સાથે બંને રાજ્યોમાં ૧૩૦-૧૪૫ની ઝડપે સૂસવાટા મારતો પવન અને અતિભારે વરસાદ લાવ્યો હતો.

બંગાળની સરકારે વાવઝોડાને લીધે એક કરોડ લોકોને અસર થઇ હોવાનો દાવો કર્યો હતો.

બાલેશ્ર્વર જિલ્લાના બહાનાગા અને રેમુના બ્લૉક્સ તથા ભદ્રક જિલ્લાના ધામરા અને બાસુદેવપુરના અનેક ગામોમાં સમુદ્રના પાણી પ્રવેશ્યા હોવાની અને પ્રશાસન સ્થાનિકોની મદદથી સમુદ્રનું પાણી બહાર કાઢવાની મથામણ કરી રહ્યું હોવાની માહિતી ઓડિશાના સત્તાવાર સૂત્રોએ જણાવી હતી.

આર્મી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ), રાજ્યની પોલીસ તથા સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રાતદિવસ કામ કરી રહ્યા છે. મયુરભંજ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લીધે બુધાબાલંગ નદીમાં પૂર આવવાનો ભય ઊભો થયો છે. બપોર સુધીમાં નદીમાં ૨૧ મીટર પાણી વહેતું હતું અને ખતરાની નિશાની ૨૭ મીટરની છે. પૂનમની ભરતી અને વાવાઝોડાને લીધે આવેલા અતિથી અતિ ભારે વરસાદને લીધે બંને રાજ્યની અનેક નદીઓ બંને કાંઠે વહી રહી છે અને એમાં પૂર આવવાની શક્યતા ઊભી થઇ છે.

કાંઠાના કેટલાક વિસ્તારોમાં નારિયેળના ઝાડ જેટલાં ઊંચા સમુદ્રના મોજાં આવતા હોવાની માહિતી સૂત્રોએ જણાવી હતી.

બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઝાડ પડવાથી ઓડિશામાં બે જણનું અને ઘર પડવાથી એક મહિલાનું મોત થયું હતું. એક વ્યક્તિનું બંગાળમાં અકસ્માતે મોત થયું હતું.

અનેક જિલ્લામાં વીજળીની લાઇનો શરૂ કરવા માટે ભગિરથ પ્રયત્ન ચાલી રહ્યા છે.

વાવાઝોડું બુધવારે મધ્યરાત્રી સુધીમાં ઝારખંડ પહોંચવાનો અંદાજ હવામાન ખાતાએ જાહેર કર્યો હતો. ઝારખંડમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે.

બંગાળની સરકારે રાજ્યમાં ત્રણ લાખ ઘરોને નુકસાન થયું હોવાનો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂ. ૧૦ કરોડની સાધનસામગ્રી પહોંચાડી હોવાનો દાવો કર્યો હતો.

આવતા ૨૪ કલાકમાં બંને રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.

બંગાળમાં યાસ વાવાઝોડાનો કેર: કિનારાના વિસ્તારો જળબંબાકાર

કોલકાતા: પશ્ર્ચિમ બંગાળમાં યાસ વાવાઝોડાને કારણે કિનારાના અનેક વિસ્તારોમાં છાતીસમાણા પાણી ભરાયા હતા. પૂર્વ મિદનાપુરના દિઘા સહિતના અનેક વિસ્તારો અને દક્ષિણ ૨૪ પરગણામાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વંટોળમાં સપડાયેલા લોકોને બચાવવા માટે રાજ્યના બધા જ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાદળના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

કોવિડને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે બજારો અને રસ્તાઓ ખાલી હોવાથી સ્થિતિ કાબૂમાં છે. અનેક ઠેકાણે ઝાડો ઉખડી ગયા છે અને લગભગ સમુદ્ર કિનારા નજીકના વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકો પોતાના ઢોર સાથે સુરક્ષિત સ્થળે જવા માટે મથામણ કરી રહેલા દેખાયા હતા. અનેક લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા.

શંકરપુરમાં કિનારા નજીકની એક શાળા સમુદ્રના વિશાળ મોજાને કારણે તણાઇ ગઇ હોવાની વાત જાણવા મળી

હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :