CIA ALERT

તૌઉ’તે ગુજરાતને જાનમાલની નુકસાની પેટે કેન્દ્રની 1000 Crની સહાય

Share On :

ગુજરાતમાં વાવઝોડાથી થયેલા વ્યાપક નુકસાનને પગલે ગુજરાતની મુલાકાતે આવી પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ અમદાવાદ ખાતે મુખ્ય પ્રધાન સાથે સમીક્ષા બેઠક યોજીને કેન્દ્ર સરકાર તરફથી તત્કાળ રાહત કામગીરી માટે રૂપિયા એક હજાર કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં કોવિડ-૧૯ અંગે પણ સારવાર અને અન્ય વ્યવસ્થાઓની જાણકારી પણ તેમણે મેળવી હતી. વડા પ્રધાને ગુજરાતના લોકોને સંપૂર્ણ સાથસહકારની ખાતરી પણ આપી હતી.

તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્યમાં કેટલી હદે નુકસાન થયું છે એનું મૂલ્યાંકન કરવા આંતર-મંત્રીમંડળીય ટીમને રાજ્યની મુલાકાત લેવા મોકલશે તેમ જ કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત રાજ્યોમાં માળખાગત સુવિધાઓની પુન:સ્થાપના અને એનું પુન:નિર્માણ કરવા માટે તમામ મદદ કરશે. રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચક્રવાતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા બે લાખ અને ઇજાગ્રસ્ત લોકોને રૂપિયા ૫૦,૦૦૦ની સહાય આપવાની પણ જાહેરાત તેમણે કરી હતી.

વડા પ્રધાન મોદીએ બુધવારે ચક્રવાત તૌકેતથી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી. ઉના (ગીર સોમનાથ), જાફરાબાદ (અમરેલી), મહુવા (ભાવનગર) અને દીવમાં ચક્રવાતથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો.

વડા પ્રધાને મુલાકાત દરમિયાન કોવિડ મહામારી સાથે સંબંધિત સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારના વહીવટીતંત્રએ મહામારી સામે લડવા માટે હાથ ધરવામાં આવેલા પગલાં વિશે જાણકારી આપી હતી અને વડા પ્રધાને મહામારીનું નિવારણ કરવા માટે પગલાં લેવામાં આવે એ સુનિશ્ર્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.

નરેન્દ્ર મોદીએ ભારતના વિવિધ વિસ્તારોમાં ચક્રવાતને કારણે અસર પામેલા તમામ લોકોની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી તથા આ આપત્તિ દરમિયાન પોતાના સગાંસંબંધીઓ ગુમાવનાર લોકો પ્રત્યે દુ:ખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

તેમણે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન રાજ્યો તથા દીવ અને દમણ તથા દાદરા નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચક્રવાતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા બે લાખ અને ઇજાગ્રસ્ત લોકોને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ચક્રવાત પછી ઊભી થયેલી સ્થિતિમાં અસરગ્રસ્ત રાજ્યોની સરકારો સાથે સંકલન સ્થાપિત કરીને કામ કરી રહી છે. આ રાજ્યો માટે તાત્કાલિક નાણાકીય સહાય આપવામાં આવશે, જે માટે સંબંધિત રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકાર સમક્ષ તેમની આકારણી રજૂ કરવી પડશે, જેના આધારે નાણાકીય સહાયનો નિર્ણય લેવામાં આવશે.

તેમણે નુકસાન થયેલા ઘરો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મિલકતોનું સમારકામ કરવાની પણ અપીલ કરી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :